નિર્ગમન 39 - પવિત્ર બાઇબલ C.L.યજ્ઞકારોનાં વસ્ત્ર ( નિર્ગ. 28:1-14 ) 1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી બનાવ્યાં. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે આરોન યજ્ઞકાર માટે પણ પવિત્ર વસ્ત્રો બનાવ્યાં. 2 ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા સોનાના તાર વણીને તેમણે એફોદ બનાવ્યો. 3 ઝીણા કાંતેલા અળસી રેસા સાથે તેમજ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા સાથે વણી શકાય તે માટે તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમાંથી સોનાના તાર બનાવ્યા. 4 તેમણે એફોદને જોડવા માટે ખભા પર બે પટ્ટા બનાવ્યા અને તેમને બાંધી શકાય તે માટે તેની બાજુઓ પર બેસાડયા. 5 તેમણે તે જ વસ્તુઓમાંથી ગૂંથેલો પટ્ટો બનાવ્યો અને તેને પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે એવી રીતે જોડયો કે તે એફોદ સાથે એકરૂપ થઈ જાય. 6 તેમણે ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમને સોનાના ચોકઠામાં બેસાડયા. આ પથ્થરો પર મુદ્રાકામ કરનાર ઝવેરીના જેવા કૌશલથી યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવામાં આવ્યાં હતાં. 7 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલના બાર કુળોના સ્મારક તરીકે તેમણે એ પથ્થરોને એફોદના ખભા પરના પટ્ટાઓમાં જોડી દીધા. ઉરપત્ર ( નિર્ગ. 28:15-30 ) 8 જેમાંથી એફોદ બનાવવામાં આવ્યો હતો તે જ જાતના કાપડમાંથી તેમણે ઉરપત્ર બનાવ્યું; ઉરપત્રનું ભરતકામ પણ એફોદના જેવું જ હતું. 9 તે ચોરસ અને બેવડું વાળેલું હતું. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ પણ 22 સેન્ટીમીટર હતી. 10 તેમાં તેમણે કિંમતી પથ્થરોની ચાર હાર જડી: પ્રથમ હારમાં માણેક, પોખરાજ, લાલ; 11 બીજી હારમાં લીલમ, નીલમ અને હીરો; 12 ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત; 13 અને ચોથી હારમાં પિરોજ, ગોમેદ અને યાસપિસ. એ સર્વ સોનાના ચોકઠામાં જડવામાં આવ્યા. 14 દરેક પથ્થર પર યાકોબના એકએક પુત્રનું નામ કોતરવામાં આવ્યું. જેથી તે ઇઝરાયલના બાર કુળોનું સ્મારક બને. 15 તેમણે ઉરપત્ર માટે વણેલી દોરી જેવી સોનાની બે સાંકળીઓ બનાવી. 16 તેમણે સોનાનાં બે ચોકઠાં અને બે કડીઓ બનાવી. બે કડીઓને ઉરપત્રના ઉપરના બે છેડા પર જડી. 17 તેમણે બે સાંકળીઓ ઉરપત્રના ઉપરના છેડા પરની કડીઓમાં લગાડી. 18 સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગળના ભાગમાં તેના ખભા પરના પટ્ટાઓ પર લગાડી. 19 તેમણે સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના નીચેના છેડે અંદરના ભાગમાં લગાડી. 20 તેમણે સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદના ખભા પરના પટ્ટાઓના નીચલા ભાગમાં આગળની બાજુએ સાંધાની નજીક પણ નિપુણ કારીગરીથી ગૂંથેલા પટ્ટાની ઉપરની બાજુએ લગાડેલી હતી. 21 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે ઉરપત્રની કડીઓને વાદળી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી; જેથી ઉરપત્ર પટ્ટાની ઉપર જ રહે અને છૂટું પડી જાય નહિ. યજ્ઞકારોનાં બીજાં વસ્ત્રો ( નિર્ગ. 28:31-43 ) 22 એફોદની નીચે પહેરવાનો આખો ઝભ્ભો વાદળી રંગના વસ્ત્રમાંથી બનાવેલો હતો. 23 ઝભ્ભાના ગળાનો ભાગ ફાટી જાય નહિ તે માટે તેને ઓટી લીધો હતો. 24-26 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે ઝભ્ભાની નીચલી કોરની ફરતે ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાના દાડમ બનાવીને લગાડયાં. વળી, શુદ્ધ સોનાની ધૂઘરી બનાવીને એક દાડમ, એક ધૂઘરી એમ દાડમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લગાડી. 27 તેમણે આરોન તથા તેના પુત્રો માટે અળસીના ઝીણા કાંતેલા રેસામાંથી સફેદ ડગલા, 28 પાઘડીઓ, ફાળિયાં, જાંધિયા બનાવ્યા. 29 અને ઝીણા કાંતેલા અળસીરેસાનો તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનો ગૂંથેલો કમરપટ્ટો બનાવ્યો. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું. 30 તેમણે અર્પણના પવિત્ર ચિહ્નરૂપે શુદ્ધ સોનાનું પત્ર બનાવ્યું. તેમણે તેના પર આ શબ્દો કોતર્યા: ‘યાહવેને સમર્પિત’ 31 તેમણે તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ્યું. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું. કાર્યની સમાપ્તિ 32 મુલાકાતમંડપનું સઘળું કાર્ય છેવટે પૂર્ણ થયું. પ્રભુએ મોશેને આપેલ આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ સર્વ વસ્તુઓ બનાવી. 33 તેઓ મોશે પાસે મંડપ અને તેની સર્વ સાધનસામગ્રી લાવ્યા; એટલે, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની વળીઓ, તેના સ્તંભો, કૂંભીઓ; 34 ઘેટાના લાલ રંગેલા ચામડાનું આચ્છાદન, ઉત્તમ પ્રકારના મુલાયમ ચામડાનું આચ્છાદન, આડશ માટેનો પડદો; 35 સાક્ષ્યલેખની કરારપેટી, તેના દાંડા, તેનું ઢાંકણ અર્થાત્ દયાસન; 36 મેજ તથા તેનાં સર્વ પાત્રો અને ઈશ્વરને અર્પવાની રોટલી; 37 શુદ્ધ સોનાનું દીપવૃક્ષ, તેના દીવાઓ, તેનાં સર્વ સાધનો અને દીવાઓ માટે તેલ; 38 સોનાની વેદી; અભિષેક કરવા માટેનું તેલ, સુગંધીદાર ધૂપ; મંડપના પ્રવેશદ્વાર માટેનો પડદો; 39 તાંબાની વેદી, તેની તાંબાની જાળી, તેના દાંડાઓ અને તેનાં સર્વ સાધનો; જળકુંડ અને તેની બેઠક; 40 આંગણા માટેના પડદા, તેના સ્તંભો અને કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો અને તેનાં દોરડાં; મંડપ માટેના ખીલા, મુલાકાતમંડપમાં વપરાતાં સર્વ સાધનો. 41 અને પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં ભવ્ય વસ્ત્રો; એટલે, આરોન યજ્ઞકાર અને તેના પુત્રો માટેનાં પવિત્ર વસ્ત્રો. 42 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ એ બધું કામ કર્યું હતું. 43 મોશેએ સર્વ વસ્તુઓ તપાસી જોઈ અને તેણે જોયું કે તેમણે સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું હતું. તેથી મોશેએ તેમને આશિષ આપી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide