નિર્ગમન 37 - પવિત્ર બાઇબલ C.L.કરારપેટીની રચના ( નિર્ગ. 25:10-22 ) 1 બસાલએલે બાવળના લાકડા- માંથી કરારપેટી બનાવી, જે 110 સેન્ટીમીટર લાંબી, 66 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી હતી. 2 તેણે તે કરારપેટી અંદરથી તથા બહારથી સોનાથી મઢી લીધી અને તેની ફરતે સોનાની કિનાર બનાવી. 3 તેને ઊંચકવા માટે તેણે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને દરેક બાજુએ બે કડાં રહે એવી રીતે તેમને ચાર પાયાઓ સાથે જડી દીધાં. 4 કરારપેટી ઊંચકવા માટે તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધા 5 અને કરારપેટીની દરેક બાજુ પરનાં કડાંમાંથી પસાર કર્યા. 6 વળી તેણે તેનું ઢાંકણ એટલે દયાસન શુદ્ધ સોનાનું બનાવ્યું. તે 110 સેન્ટીમીટર લાંબું અને 66 સેન્ટીમીટર પહોળું હતું. 7-8 દયાસનના દરેક છેડા પર એક કરુબ રહે એ રીતે તેણે સોનાના બે નક્કર કરુબો બનાવ્યા. તેણે આખી રચના એવી રીતે બનાવી કે કરુબો અને ઢાંકણ એક સળંગ વસ્તુ બની રહી. 9 આ કરુબોનાં મુખ એકબીજાની સામસામાં અને દયાસનના મધ્ય ભાગ તરફ હતાં. તેમની ફેલાવેલી પાંખોથી દયાસન પર આચ્છાદન થતું હતું. અર્પિત રોટલી માટેની મેજ ( નિર્ગ. 25:23-30 ) 10 તેણે બાવળના લાકડાની મેજ બનાવી; જે 88 સેન્ટીમીટર લાંબી, 44 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી હતી. 11 તેણે તેને શુદ્ધ સોનાથી મઢી લીધી અને તેની આસપાસ શુદ્ધ સોનાની કિનાર બનાવી. 12 વળી, તેની આસપાસ 75 મીલીમીટર પહોળી ધાર બનાવી. 13 તેણે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચારે ખૂણે પાયાઓ સાથે જડી દીધાં. 14 મેજ ઊંચકવા માટેના દાંડાને પરોવવાનાં કડાં કિનારની નજીક હતાં. 15 તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધાં. 16 વળી, મેજને માટે તેણે સોનાનાં પાત્રો બનાવ્યાં: થાળીઓ, વાટકા, બરણીઓ, દ્રાક્ષાસવના પેયાર્પણમાં વપરાતાં પ્યાલાં એ સર્વ શુદ્ધ સોનાનાં હતાં. દીપવૃક્ષ ( નિર્ગ. 25:31-40 ) 17 તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. તેની બેઠક તથા દાંડો નક્કર સોનાનાં હતાં; શોભા માટેનાં તેનાં ફૂલ, કળીઓ અને પાંખડીઓ તેની સાથે સળંગ જોડાયેલાં હતાં. 18 દરેક બાજુએ ત્રણ ત્રણ એ રીતે તેની બન્ને બાજુઓએ છ શાખાઓ નીકળેલી હતી. 19 દરેક શાખામાં કળીઓ અને પાંખડીઓ સહિતના બદામના ફૂલના આકારનાં શોભાનાં ત્રણ ફૂલ હતાં. આ પ્રમાણે છ શાખાઓ પર ફૂલ હતાં. 20 દીપવૃક્ષના મુખ્ય દાંડા પર કળીઓ તથા પાંખડીઓ સહિતનાં બદામના ફૂલના આકારનાં શોભાના ચાર ફૂલ હતાં. 21 શાખાઓની ત્રણેય જોડ નીચે એક એક કળી હતી. 22 કળીઓ, શાખાઓ અને દીપવૃક્ષ નક્કર સોનાની એક સળંગ કૃતિ હતી. 23 તેણે દીપવૃક્ષ માટે સાત દીવાઓ, ચીપિયા તથા તાસકો બનાવ્યાં. 24 દીપવૃક્ષ તથા તેની સર્વ સાધનસામગ્રી બનાવવા માટે તેણે 35 કિલોગ્રામ શુદ્ધ સોનું વાપર્યું. ધૂપવેદી ( નિર્ગ. 30:1-5 ) 25 તેણે ધૂપ સળગાવવા માટે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી ચોરસ હતી. તેની લંબાઈ 45 સેન્ટીમીટર, પહોળાઈ 45 સેન્ટીમીટર અને ઊંચાઈ 90 સેન્ટીમીટર હતી. તેના ચાર ખૂણાઓ પરનાં શિંગ વેદી સાથે એવાં એકરૂપ બનાવ્યાં હતાં કે જેથી તે આખી સળંગ વસ્તુ બની રહી. 26 તેણે તેનો ઉપરનો ભાગ, ચારે બાજુઓ તથા તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લીધાં અને તેની આસપાસ સોનાની કિનાર બનાવી. 27 તેણે તેને ઊંચકવા માટે સોનાનાં કડાં બનાવ્યાં અને કિનારીની નીચે બન્ને બાજુઓ પર જોડયાં; જેથી તેમાં દાંડા નાખીને વેદીને ઊંચકીને લઈ જઈ શકાય. 28 તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધા. અભિષેકનું તેલ તથા ધૂપની બનાવટ ( નિર્ગ. 30:22-38 ) 29 તેણે અભિષેક કરવા માટેનું પવિત્ર તેલ તથા ખુશબોદાર સુગંધીઓનો ધૂપ તૈયાર કર્યો; એ તો મેળવણી કરીને બનાવેલ અત્તરના જેવાં ખુશ્બોદાર હતાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide