નિર્ગમન 36 - પવિત્ર બાઇબલ C.L.1 “બસાલએલ, ઓહોલીઆબ અને અન્ય સર્વ કારીગરો જેમને પ્રભુએ સર્વ વસ્તુઓ બનાવવા કૌશલ્ય અને સમજશક્તિ આપ્યાં છે તેમણે સર્વ વસ્તુઓ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવવી.” લોકોનાં અઢળક અર્પણો 2 બસાલએલ, ઓહોલીઆબ તથા પ્રભુએ જેમને કૌશલ્ય બક્ષ્યું હતું તથા જેઓ મદદ કરવા તૈયાર હતા તેવા સૌને બોલાવીને મોશેએ કાર્ય શરૂ કરવા જણાવ્યું. 3 પવિત્ર મંડપની રચના માટે જે સર્વ અર્પણો ઇઝરાયલીઓ લાવ્યા હતા તે મોશેએ તેમને આપ્યાં. પણ ઇઝરાયલીઓએ તો દર સવારે મોશે પાસે અર્પણો લાવવાનું ચાલુ રાખ્યું. 4 ત્યારે પવિત્ર મંડપનું કામ કરતા સર્વ કુશળ કારીગરોએ મોશે પાસે જઈને કહ્યું, 5 “પ્રભુએ જે કાર્ય કરવાની આજ્ઞા આપી છે તે માટે લોકો રાજીખુશીથી જોઈએ તે કરતાં પણ વધારે વસ્તુઓ લાવ્યા છે.” 6 તેથી મોશેએ આખી છાવણીમાં એવી જાહેરાત કરાવી કે હવે કોઈ વ્યક્તિ પવિત્ર મંડપ માટે અર્પણ લાવે નહિ. તેથી તે પછી લોકો કંઈ લાવ્યા નહિ. 7 કારણ, તેઓ જે સાધનસામગ્રી લાવ્યા હતા તે કામ પૂર્ણ કરવા માટે જોઈએ તે કરતાં વધારે હતી. મુલાકાતમંડપની રચના ( નિર્ગ. 26:1-37 ) 8 કારીગરોમાંથી સૌથી નિપુણ કારીગરોએ મુલાકાતમંડપ બનાવ્યો. તેમણે વાદળી, જાંબુડી તથા ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાના દસ પડદામાંથી તે મંડપ બનાવ્યો. વળી, પડદા પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કરેલું હતું. 9 દરેક પડદો એક સરખા માપનો, એટલે કે બાર મીટર લાંબો અને બે મીટર પહોળો હતો. 10 તેમણે પાંચ પડદા એકબીજાની સાથે સીવીને તેનો એક સમૂહ બનાવ્યો અને બીજા પાંચ પડદાને પણ એકબીજા સાથે સીવીને બીજો સમૂહ બનાવ્યો. 11 દરેક સમૂહની બહારની કિનાર પર તેમણે વાદળી રંગના કપડામાંથી નાકાં બનાવ્યાં. 12 તેમણે એકબીજાની સામસામે આવે એ રીતે પ્રથમ સમૂહના પ્રથમ પડદા પર પચાસ નાકાં અને બીજા સમૂહના છેલ્લા પડદા પર પચાસ નાકાં બનાવ્યાં. 13 પછી તેમણે એ બન્ને સમૂહોને જોડીને એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવી. 14 પછી બકરાના વાળમાંથી બનાવેલ અગિયાર પડદામાંથી તેમણે મંડપ માટે આચ્છાદન બનાવ્યું. 15 આ અગિયારેય પડદા એક જ માપના, એટલે 13 મીટર લાંબા અને 2 મીટર પહોળા હતા. 16 તેમણે પાંચ પડદા એક સાથે સીવ્યા અને બાકીના છ પડદા એક સાથે સીવ્યા. 17 પ્રથમ સમૂહના છેલ્લા પડદાની બહારની કિનાર ઉપર તેમણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના પણ છેલ્લા પડદાની કિનાર પર પચાસ નાકાં બનાવ્યાં. 18 તે સમૂહોને જોડી દઈને આખા મંડપનું આચ્છાદન બનાવવા તેમણે તાંબાની પચાસ કડીઓ બનાવી. 19 વળી, તેમણે ઘેટાંના લાલ રંગેલા ચામડાંનું એક અને બહારના આચ્છાદન માટે ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડાનું બીજું એમ બીજાં બે આચ્છાદનો બનાવ્યાં. 20 તેમણે મંડપ માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં. 21 દરેક પાટિયાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 66 સેન્ટીમીટર હતી. 22 વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર અને સરખા માપનાં બે સાલ હતાં. 23 તેમણે દક્ષિણ બાજુ માટે વીસ પાટિયાં અને તેમની નીચે મૂકવા માટે 40 કૂંભીઓ બનાવ્યાં. 24 તેમણે દરેક પાટિયાનાં બે સાલ માટે બે કૂંભીઓ બનાવી હતી. 25 વળી, મંડપની ઉત્તર બાજુ માટે વીસ પાટિયાં 26 તથા દરેક પાટિયાં નીચે બે એમ ચાંદીની કુલ ચાળીસ કૂંભીઓ બનાવી. 27 મંડપની પાછળની બાજુએ એટલે પશ્ર્વિમ બાજુ માટે તેમણે છ પાટિયાં બનાવ્યાં 28 અને ખૂણાને માટે બે પાટિયાં બનાવ્યાં. 29 ખૂણાના પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં અને એક કડામાં બેસાડેલાં હતાં. બન્ને ખૂણાનાં પાટિયાં એ જ પ્રમાણે બનાવેલાં હતાં. 30 આમ ચાર ખૂણા માટે આઠ પાટિયાં હતાં અને દરેક પાટિયા નીચે બે એમ ચાંદીની કુલ સોળ કૂંભીઓ હતી. 31 તેમણે બાવળના લાકડાંની 15 વળીઓ બનાવી: મંડપનાં એકબાજુનાં પાટિયાં માટે પાંચ, 32 બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ, અને પશ્ર્વિમ બાજુએ મંડપની પાછળનાં પાટિયાં માટે પાંચ વળીઓ બનાવી. તેમણે વચલી વળી પાટિયાંની મધ્યમાં મંડપના એક છેડાથી બીજા છેડા સુધી મૂકી. 33 તેમણે પાટિયાંને સોનાથી મઢી લીધાં અને તેમાં વળીઓ બેસાડવા માટે સોનાનાં કડાં બનાવ્યાં. 34 વળીઓને પણ તેમણે સોનાથી મઢી લીધી. 35 તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસીરેસાનો પડદો બનાવ્યો અને તેના પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું. 36 આ પડદા માટે તેમણે બાવળનાં લાકડાંના ચાર સ્તંભો બનાવ્યા અને તેમને સોનાથી મઢયા. વળી, તેમની કડીઓ સોનાની હતી. આ સ્તંભો માટે તેમણે ચાંદીની ચાર કૂંભીઓ બનાવી. 37 મંડપના પ્રવેશદ્વાર માટે તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો પડદો બનાવ્યો અને તેને ભરતકામથી શણગાર્યો. 38 આ પડદા માટે તેમણે પાંચ સ્તંભો બનાવ્યા. એમનાં કડીઓ, ટોચ અને સ્તંભ સોનાથી મઢી લીધાં. આ સ્તંભો માટે તેમણે તાંબાનીની પાંચ કૂંભીઓ બનાવી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide