નિર્ગમન 35 - પવિત્ર બાઇબલ C.L.સાબ્બાથ માટેના નિયમો 1 મોશેએ આખા ઇઝરાયલના સમાજને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ તમને આ પ્રમાણે આજ્ઞા આપી છે: 2 છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કામ કરવું, પરંતુ સાતમો દિવસ મને અર્પાયેલો આરામનો દિવસ છે; તેથી તે દિવસ પવિત્ર પાળવો. તે દિવસે જે કોઈ માણસ કામ કરે તેને મારી નાખવો. 3 સાબ્બાથદિને તમારે રાંધવા માટે તમારા ઘરમાં અગ્નિ પણ સળગાવવો નહિ.” પવિત્રમંડપ માટેનાં અર્પણો 4 મોશેએ સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “પ્રભુએ આ પ્રમાણે આજ્ઞા આપી છે: 5 તમે પ્રભુને માટે અર્પણ લાવો. તમારામાંથી જેમને અર્પણ ચડાવવાની ઇચ્છા હોય તેઓ અર્પણ લાવે; એટલે કે સોનું, ચાંદી, તાંબુ, 6 ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, બકરાંના વાળનું કાપડ, 7 ઘેટાંના લાલ રંગેલાં ચામડાં, ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડું, બાવળનાં લાકડાં, 8 દીવાઓ માટે તેલ, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ બનાવવા સુગંધી દ્રવ્યો, 9 પ્રમુખ યજ્ઞકારના પવિત્ર એફોદમાં અને તેના ઉરપત્રમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય રત્નો લાવે. મુલાકાતમંડપ માટેનો સામાન 10 “તમારામાંના સર્વ કુશળ કારીગરો આવીને પ્રભુએ આપેલ આજ્ઞા પ્રમાણે આ સર્વ વસ્તુઓ બનાવે: 11 મંડપ, તેનો તંબુ, તેનું બાહ્ય આચ્છાદાન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની વળીઓ, તેના સ્તંભો, તેની કૂંભીઓ; 12 કરારપેટી, તેના દાંડા તથા તેની ઉપરનું દયાસન, કરારપેટીને ઢાંકનાર પડદો; 13 મેજ, તેના દાંડા તથા તેનાં સર્વ પાત્રો તથા અર્પિત રોટલી; 14 પ્રકાશ માટેનું દીપવૃક્ષ તથા તેની સાધનસામગ્રી, દીવાઓ અને તેમને માટે તેલ; 15 ધૂપવેદી અને તેના દાંડા, અભિષેક કરવાનું તેલ, સુગંધીદાર ધૂપ; મંડપના પ્રવેશદ્વારનો પડદો; 16 યજ્ઞવેદી, તેની તાંબાની જાળી, તેના દાંડા તથા તેની સર્વ સાધનસમગ્રી; જળકુંડ તથા તેની બેઠક; 17 આંગણાના પડદાઓ, તેમના સ્તંભો તથા તેમની કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વારનો પડદો; 18 મંડપ તથા આંગણા માટેના ખીલા તથા દોરડાં; 19 વળી, પવિત્રસ્થાનમાં યજ્ઞકાર તરીકે સેવા કરતી વખતે આરોન તથા તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો.” લોકો અર્પણો લાવ્યા 20 સર્વ ઇઝરાયલીઓ મોશે પાસેથી ગયા 21 અને જેમના મનમાં આપવાની ઉત્કંઠા હતી તેઓ સૌ મુલાકાતમંડપ બનાવવા માટે પ્રભુ સમક્ષ અર્પણો લાવ્યા. સેવાકાર્ય તેમ જ યજ્ઞકારોનાં વસ્ત્રો બનાવવા તેઓ સર્વ જરૂરી વસ્તુઓ લાવ્યા. 22 જેટલાં સ્ત્રીપુરુષોના મનમાં આપવાની ઇચ્છા હતી તેઓ સૌ નથણીઓ, વાળીઓ, વીંટીઓ, ગળાના હાર અને સર્વ પ્રકારનાં સોનાનાં ઘરેણાં લાવ્યાં અને તેમણે તે પ્રભુને અર્પણ કર્યાં. 23 જેમની પાસે ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, બકરાના વાળનું બનાવેલ કાપડ, ઘેટાંના લાલ રંગેલાં ચામડાં અથવા ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડું હતું તે તેઓ લાવ્યા. 24 જેઓ ચાંદી અને તાંબુ આપી શકે તેવા લોકો પ્રભુ પાસે તેમનું તેવું અર્પણ લાવ્યા. જેઓ પાસે બાવળનાં લાકડાં હતાં તેઓ સૌ કંઈક ને કંઈક કામમાં આવે તે માટે બાવળનાં લાકડાં લાવ્યા. 25 સર્વ કુશળ સ્ત્રીઓ ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાઓના દોરા કાંતી લાવી. 26 તેઓ બકરાના વાળમાંથી પણ દોરીઓ કાંતી લાવી. 27 આગેવાનો પવિત્ર એફોદ તથા ઉરપત્રમાં જડવા માટે ગોમેદના પથ્થરો અને બીજાં રત્નો લાવ્યા. 28 વળી, તેઓ દીવાઓ માટે, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ માટે સુગંધીદ્રવ્યો અને તેલ લાવ્યા. 29 પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા. મુલાકાતમંડપ માટેના કારીગરો ( નિર્ગ. 31:1-11 ) 30 મોશેએ ઇઝરાયલીઓને કહ્યું, “યહૂદાના કુળમાંથી ઉરીના પુત્ર તથા હુરના પૌત્ર બસાલએલને પ્રભુએ પસંદ કર્યો છે. 31 ઈશ્વરે તેને પોતાના સામર્થ્યથી ભરપૂર કર્યો છે અને દરેક પ્રકારની કલાકારીગરી માટે તેને જ્ઞાન, કૌશલ્ય તથા સમજશક્તિ બક્ષ્યાં છે; 32 જેથી તે નિપુણતાથી નમૂનાઓ તૈયાર કરે અને તે પરથી સોના, ચાંદી અને તાંબાનું નકશીકામ કરે 33 અને રત્નો જડવા માટે તેના પહેલ પાડવામાં, લાકડાનું નકશીકામ કરવામાં અને હરેક જાતની કલાકારીગરી કરવામાં તે નિપુણ બને. 34 વળી, પ્રભુએ તેને તથા દાનના કુળમાંથી અહિસામાખના પુત્ર ઓહોલીઆબને આ કલાકારીગરી બીજાઓને શીખવવાની બાહોશી પણ બક્ષી છે, 35 કોતરણીની વિવિધ ભાતો રચવામાં, ભરતકામ કરવામાં, ઝીણાં કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાના તથા અન્ય પ્રકારના વસ્ત્રના વણાટકામમાં પ્રભુએ તેમને કૌશલ્ય બક્ષ્યું છે. તેઓ સર્વ પ્રકારનું કાર્ય કરી શકે છે અને વિવિધ ભાતો રચવામાં નિપુણ કલાકારો છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide