નિર્ગમન 34 - પવિત્ર બાઇબલ C.L.શિલાપાટીઓની બીજી જોડ ( પુન. 10:1-5 ) 1 પ્રભુએ મોશેને કહ્યું, “પહેલાંની શિલાપાટીઓ જેવી બે શિલાપાટીઓ ઘડી લાવ, અને તેં ભાંગી નાખેલી શિલાપાટીઓ પર જે લખાણ હતું તે હું આ પાટીઓ પર લખીશ. 2 આવતી કાલે સવારે તૈયાર થઈને સિનાઈ પર્વતના શિખર પર આવીને ત્યાં મને મળજે. 3 કોઈ તારી સાથે ઉપર ન આવે; વળી, પર્વત પર કોઈ માણસ જોવા ન મળે; અને ઘેટાંબકરાં કે ઢોરઢાંક પણ પર્વતની તળેટીમાં ચરવા ન આવે.” 4 તેથી મોશેએ પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી કાઢી અને બીજે દિવસે સવારે વહેલો ઊઠીને પ્રભુની આજ્ઞા અનુસાર તે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પર ગયો. 5 ત્યારે પ્રભુ ત્યાં વાદળામાં નીચે ઊતર્યા, તેની સાથે ઊભા રહ્યા અને પોતાનું પવિત્ર નામ યાહવે ઉચ્ચાર્યું. 6 પછી પ્રભુ તેની આગળ થઈને પસાર થયા અને પોકાર્યું, “યાહવે, યાહવે, હું કૃપા તથા દયાથી ભરપૂર ઈશ્વર છું. હું મંદરોષી તથા કરુણા અને નિષ્ઠાનો ભર્યો ભંડાર છું. 7 હું હજારો પેઢીઓ સુધી મારું વચન પાળનાર અને દુષ્ટતા તથા પાપની માફી આપનાર છું. છતાં માતપિતાનાં પાપોને લીધે ત્રીજીચોથી પેઢી સુધી સંતાનોનાં સંતાનોને શિક્ષા કરું છું.” 8 મોશેએ તરત જ જમીન સુધી નમીને ઈશ્વરની આરાધના કરી. 9 તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.” કરારની પુન: સ્થાપના ( નિર્ગ. 23:14-19 ; પુન. 7:1-5 ; 16:1-17 ) 10 પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું. આ પૃથ્વી પર કોઈપણ પ્રજામાં ન થયાં હોય એવાં મહાન કાર્યો હું આ લોકો સમક્ષ કરીશ. હું પ્રભુ કેવાં મહાન કાર્યો કરી શકું છું તે સર્વ લોકો જોશે; કારણ, હું તમારે માટે અજાયબ કાર્યો કરવાનો છું. 11 હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું તેનું તમારે પાલન કરવાનું છે. હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરીઝીઓને, હિવ્વીઓને અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢીશ. 12 તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે. 13 તેથી તમારે તો તેમની વેદીઓ તોડી પાડવી, તેમના ધાર્મિકસ્તંભોનો નાશ કરવો અને તેમની દેવી અશેરાની મૂર્તિઓ કાપી નાખવી. 14 “તમારે બીજા કોઈ દેવની પૂજા કરવી નહિ. કારણ, હું યાહવે મારા કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતો નથી. 15 તમારે તે દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો સંધિ-કરાર કરવો નહિ. કારણ, જ્યારે તેઓ તેમના દેવતાઓની પૂજા કરશે અને તેમને બલિદાનો ચડાવશે ત્યારે તેઓ તમને તેમની સાથે ભાગીદાર થવા આમંત્રણ આપશે અને તમે તેમના દેવોને ચડાવેલો પ્રસાદ ખાવાની લાલચમાં પડશો. 16 વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે. 17 “તમે ધાતુના ઢાળેલા દેવો ન બનાવશો અને તેમની પૂજા પણ ન કરશો. 18 “તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું. મેં તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં સાત દિવસ સુધી ખમીર વગરની રોટલી ખાવી; કારણ, આબીબ માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળ્યા હતા. 19 “પ્રત્યેક પ્રથમજનિત પુત્ર અને તમારાં પશુઓના પ્રથમજનિત નર મારા છે. 20 પરંતુ પ્રત્યેક પ્રથમજનિત ગધેડું તમારે ઘેટાનું અર્પણ આપીને છોડાવી લેવું. જો તમે તેને એ રીતે મૂલ્ય ચૂકવી છોડાવી ન શકો તો તમારે તેની ગરદન ભાંગી નાખવી. પ્રત્યેક પ્રથમજનિત પુત્ર પણ તમારે મૂલ્ય આપીને છોડાવી લેવો. “મારી સમક્ષ આવનાર પ્રત્યેક જણે અર્પણ લીધા સિવાય આવવું નહિ. 21 “છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કાર્ય કરવું પરંતુ સાતમે દિવસે તમારે કંઈ કાર્ય ન કરવું. જમીન ખેડવાના સમયે અથવા કાપણીના સમયે પણ તમારે સાતમે દિવસે કાર્ય કરવું નહિ. 22 “તમારા ઘઉંના પ્રથમફળની કાપણીની શરૂઆતે તમારે કાપણીનું પર્વ ઊજવવું અને પાનખર ઋતુમાં જ્યારે તમે તમારો પાક એકત્ર કરો ત્યારે તમારે સંગ્રહનું પર્વ પાળવું. 23 “વર્ષમાં ત્રણવાર તમારા સર્વ પુરુષોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુની એટલે મારી ભક્તિ કરવા માટે આવવું. 24 હું તમારી આગળથી અન્ય પ્રજાઓને હાંકી કાઢીશ અને તમારી સીમાઓ વધારીશ. એ ત્રણ પર્વો દરમ્યાન કોઈ તમારા દેશ પર આધિપત્ય જમાવવા પ્રયત્ન કરશે નહિ. 25 “જ્યારે તું મને પ્રાણીનું અર્પણ કરે ત્યારે તારે ખમીરવાળી રોટલીનું અર્પણ કરવું નહિ. વળી, પાસ્ખાપર્વની ઉજવણી વખતે કાપેલ હલવાનનો કોઈપણ ભાગ સવાર સુધી રહેવા દઈશ નહિ. 26 “દર વરસે તારે તારી કાપણીનું પ્રથમ ફળ તારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવવું. “તારે ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફવું નહિ.” 27 પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ કથનો લખી લે; કારણ, આ કથનો પ્રમાણે હું તારી સાથે તથા ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું.” 28 મોશે ત્યાં પ્રભુ સાથે ચાળીસ દિવસ અને ચાળીસ રાત રહ્યો; તેણે એ સમય દરમ્યાન કંઈ ખોરાક ખાધો નહોતો કે પાણી પીધું નહોતું. તેણે શિલાપાટીઓ પર કરારનાં વચનો અર્થાત્ દસ આજ્ઞાઓ લખી લીધી. મોશે સિનાઈ પર્વત પરથી પાછો આવે છે 29 મોશે જ્યારે સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે આવ્યો ત્યારે પ્રભુની સાથે વાત કર્યાને લીધે તેનું મુખ પ્રકાશતું હતું; જો કે મોશેને તેની ખબર નહોતી. 30 આરોન તથા સર્વ લોકોએ મોશે સામે જોયું અને તેનું મુખ પ્રકાશતું જોઈને તેમને તેની પાસે જતાં ડર લાગ્યો. 31 પરંતુ મોશેએ તેમને બોલાવ્યા ત્યારે આરોન તથા સમાજના સર્વ આગેવાનો તેની પાસે ગયા અને મોશેએ તેમની સાથે વાત કરી. 32 પછી સર્વ ઇઝરાયલીઓ પણ મોશે પાસે એકઠા થયા. પ્રભુએ સિનાઈ પર્વત પર આપેલા સર્વ નિયમો મોશેએ લોકોને કહી સંભળાવ્યા. 33 મોશેએ તેમની સાથે વાત પૂરી કરી એટલે તેણે વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું. 34 મોશે જ્યારે જ્યારે પ્રભુ સાથે વાત કરવા મુલાકાતમંડપમાં જતો ત્યારે તે એ વસ્ત્ર કાઢી નાખતો, પણ તે પાછો બહાર આવતો ત્યારે પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ ઇઝરાયલીઓને કહી સંભળાવતો. 35 તે વખતે એ લોકો તેનો પ્રકાશતો ચહેરો જોતા. પછી મોશે પ્રભુ સાથે ફરીથી વાત કરવા જાય ત્યાં સુધી તે પોતાનું મુખ ઢાંકી રાખતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide