નિર્ગમન 33 - પવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ મોશેને કહ્યું, “તું અહીંથી નીકળીને જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છે તે લોકોને લઈને, જે દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબને શપથપૂર્વક કહ્યું હતું કે હું તે દેશ તેમના વંશજોને આપીશ તે દેશમાં જા. 2 તને દોરવણી આપવા હું મારા દૂતને મોકલીશ અને હું કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને કાઢી મૂકીશ. 3 તમારે તો દૂધમધની રેલમછેલવાળા દેશમાં જવાનું છે. પરંતુ હું પોતે તમારી સાથે આવીશ નહિ; કારણ, તમે હઠીલી પ્રજા છો અને કદાચ હું રસ્તામાં તમારો નાશ કરી બેસું.” 4 એ સાંભળીને લોકો રડવા લાગ્યા અને ત્યાર પછી તેમણે ઘરેણાં પહેર્યાં નહિ; 5 કારણ, પ્રભુએ લોકોને આ પ્રમાણે કહેવા આજ્ઞા આપી હતી: “તમે હઠીલા લોકો છો. જો હું તમારી સાથે થોડીવાર પણ આવું તો હું તમારો સંપૂર્ણ નાશ કરી બેસું. તેથી હવે તમારાં ઘરેણાં ઉતારી દો અને મારે તમારું શું કરવું તે હું પછી નક્કી કરીશ.” 6 તેથી હોરેબ પર્વત પાસેથી નીકળ્યા પછી ઇઝરાયલી લોકોએ કદી ઘરેણાં પહેર્યાં નહિ. મુલાકાતમંડપ 7 ઇઝરાયલીઓ જ્યાં જ્યાં પડાવ નાખતા ત્યાં મોશે છાવણીથી થોડે દૂર મંડપ ઊભો કરતો. તે મુલાકાતમંડપ કહેવાતો; કારણ, પ્રભુની દોરવણી શોધનાર પ્રત્યેક માણસ એ છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો. 8 જ્યારે મોશે છાવણીમાંથી નીકળીને મુલાકાતમંડપ પાસે જતો ત્યારે લોકો પોતાના તંબુના પ્રવેશદ્વાર પર ઊભા રહેતા અને જ્યાં સુધી તે મંડપમાં પ્રવેશે નહિ ત્યાં સુધી તેને જોઈ રહેતા. 9 મોશે મંડપમાં પ્રવેશે તે પછી મેઘસ્થંભ નીચે આવીને મંડપના દ્વાર પાસે થોભી જતો અને પ્રભુ મોશે સાથે વાત કરતા હતા. 10 મેઘસ્થંભને મંડપના પ્રવેશદ્વાર પાસે જોતાની સાથે જ લોકો પોતે પોતાના તંબુના પ્રવેશદ્વાર આગળ ધૂંટણિયે પડતા. 11 માણસ જેમ પોતાના મિત્ર સાથે વાત કરે તેમ પ્રભુ મોશે સાથે રૂબરૂ વાત કરતા. પછી મોશે છાવણીમાં પાછો આવતો. પરંતુ મોશેનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ તો મંડપમાં જ રહેતો. પ્રભુની સમક્ષતાનું વચન 12 મોશેએ પ્રભુને કહ્યું, “તમે મને કહ્યું છે કે આ લોકોને તે દેશમાં દોરી લઈ જા; પરંતુ તમે મારી સાથે કોને મોકલશો તે મને જણાવ્યું નથી. વળી, તમે મને કહ્યું છે કે તમે મને સારી રીતે ઓળખો છો, મારું નામ જાણો છો અને મારાથી તમે પ્રસન્ન પણ છો. હવે જો તમે મારા પર ખરેખર પ્રસન્ન થયા હો 13 તો તમારી યોજના મને જણાવો; જેથી હું તમારી સેવા કરું અને તમને પ્રસન્ન કરું. વળી, આ પ્રજાને તમે તમારા લોકો તરીકે પસંદ કર્યા છે તે વાત પણ લક્ષમાં રાખજો.” 14 પ્રભુએ કહ્યું, “હું તારી સાથે આવીશ અને તને વિજયી બનાવીશ.” 15 મોશેએ કહ્યું, “જો તમે અમારી સાથે ન આવો, તો અમને આ સ્થળેથી જવા ન દેશો. 16 જો તમે અમારી સાથે ન આવો, તો તમે તમારા લોકો ઉપર તથા મારા પર પ્રસન્ન થયા છો તે કેવી રીતે જાણી શકાય? અમારી સાથેની તમારી હાજરીથી જ અમે પૃથ્વીના બીજા લોકોથી અલગ તરી આવીએ છીએ.” 17 પ્રભુએ મોશેને કહ્યું, “તારા કહેવા પ્રમાણે હું કરીશ. કારણ, હું તને ઓળખું છું. તારું નામ પણ જાણું છું અને હું તારા પર પ્રસન્ન છું.” 18 પછી મોશેએ વિનંતી કરીને કહ્યું, “કૃપા કરીને મને તમારી સમક્ષતાના ગૌરવનું દર્શન કરાવો.” 19 પ્રભુએ તેને કહ્યું, “હું તને મારા ગૌરવનું દર્શન કરાવીશ અને તારી સમક્ષ મારું પવિત્ર નામ જાહેર કરીશ. હું પ્રભુ છું, અને જેમને હું પસંદ કરું છું તેમને મારી કૃપા તથા દયા દર્શાવું છું. 20 તું મારું મુખ જોઈ શકીશ નહિ; કારણ, મને જોઈને કોઈ વ્યક્તિ જીવતી રહી શક્તી નથી. 21 પરંતુ અહીં મારી નજીક એક જગ્યા છે; તું ત્યાં ખડક પર ઊભો રહી શકીશ. 22 જ્યારે મારું ગૌરવ તારી આગળથી પસાર થાય ત્યારે હું તને ખડકના પોલાણમાં રાખીશ અને હું પસાર થઈ જાઉં ત્યાં સુધી, મારા હાથ વડે તને ઢાંકી રાખીશ. 23 પછી હું મારો હાથ લઈ લઈશ એટલે તું મારી પીઠ જોઈ શકીશ, પરંતુ તું મારા મુખનાં દર્શન કરી શકીશ નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide