નિર્ગમન 32 - પવિત્ર બાઇબલ C.L.સોનાનો વાછરડો ( પુન. 9:6-29 ) 1 જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતાં ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, “અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવ.” 2 આરોને તેમને કહ્યું, “તમારી પત્નીઓ, તમારા પુત્રો અને તમારી પુત્રીઓના કાનમાંથી સોનાની વાળીઓ કાઢી લાવો.” 3 તેથી બધા લોકો પોતાની સોનાની વાળીઓ લઈ આવ્યા. 4 આરોને તે વાળીઓ લઈને પીગાળી નાખી અને ધાતુના બીબામાં ઢાળીને તેમાંથી સોનાનો વાછરડો બનાવ્યો. ત્યારે લોકોએ કહ્યું, “હે ઇઝરાયલ, આપણને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર ઈશ્વર આ છે!” 5 પછી આરોને સોનાના વાછરડાની આગળ વેદી બનાવીને જાહેર કર્યું, “આવતી કાલે પ્રભુના માનમાં પર્વ પાળવામાં આવશે.” 6 બીજે દિવસે સવારે તેમણે પશુઓ લાવીને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યાં. લોકો ખાવાપીવા બેઠા અને પછી ઊઠીને મોજમજા કરવા લાગ્યા. 7 ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે. 8 મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે. 9 આ લોકો કેવા હઠીલા છે તે હું જાણું છું. 10 હવે તું મને વારીશ નહિ; મારો ક્રોધ તેમના પર ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરી નાખીશ. પછી હું તને તથા તારા વંશજોને એક મહાન પ્રજા બનાવીશ.” 11 પરંતુ મોશેએ પોતાના ઈશ્વર પ્રભુને આજીજી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા આ લોકને તમે મહાન સામર્થ્ય અને બાહુબળથી ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો. તો હવે તમે તેમના પર શા માટે ક્રોધાયમાન થાઓ છો? 12 ઇજિપ્તીઓને એવું શા માટે કહેવા દેવું કે તમે તમારા લોકોને પર્વતો મધ્યે મારી નાખવા તથા પૃથ્વીના પટ પરથી તેમનો સંપૂર્ણ સંહાર કરવા ઇજિપ્તમાંથી લઈ ગયા? તેથી તમારો ગુસ્સો શમાવી દો; તમારો વિચાર બદલો અને તમારા લોક પર આફત લાવવાનું માંડી વાળો. 13 તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને યાદ કરો. વળી, તમે તેમને સમ ખાઈને આવું વચન આપ્યું હતું: ‘આકાશના તારાઓ જેટલાં હું તમારાં સંતાન વધારીશ. મારા કહ્યા પ્રમાણે આ આખો દેશ હું તમારા વંશજોને કાયમના વતન માટે આપીશ.” 14 તેથી પ્રભુએ પોતાનો વિચાર બદલ્યો અને લોકો પર તેમણે જે આફત લાવવા કહ્યું હતું તે તેમના પર લાવ્યા નહિ. 15 મોશે પર્વત પરથી નીચે ઊતરી આવ્યો. તેના હાથમાં સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ હતી. તે પાટીઓની બન્ને બાજુએ આજ્ઞાઓ લખેલી હતી. 16 ઈશ્વરે પોતે એ શિલાપાટીઓ બનાવી હતી અને તેમણે પોતે જ તેના પર આજ્ઞાઓ કોતરી હતી. 17 યહોશુઆએ લોકોની બૂમાબૂમ સાંભળીને મોશેને કહ્યું, “છાવણીમાં લડાઈનો કોલાહલ સંભળાય છે.” 18 મોશેએ કહ્યું, “એ તો વિજયનો જયનાદ કે પરાજયની પોક જેવો લાગતો નથી; પણ જાણે ગીતો ગવાતાં હોય તેવું લાગે છે.” 19 છાવણીની નજીક આવતાં મોશેએ વાછરડો જોયો અને લોકોને નાચતા જોયા. તેથી તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેણે ત્યાં પર્વતની તળેટીમાં જ શિલાપાટીઓ ફેંકી દઈને તેમને ભાંગી નાખી. 20 પછી તેમણે બનાવેલો વાછરડો તેણે આગમાં પીગાળી નાખ્યો. તેણે તેનો ભાંગીને ભૂક્કો કર્યો અને પાણીમાં મેળવી દઈને તે પાણી સર્વ ઇઝરાયલીઓને પીવડાવ્યું. 21 તેણે આરોનને કહ્યું, “લોકોએ તને શું કર્યું કે તેં તેમને આવા મોટા પાપમાં પ્રેર્યા?” 22 આરોને જવાબ આપ્યો, “મારા પર ગુસ્સે ન થઈશ; તું આ લોકોને તો ઓળખે છે કે તેઓ સ્વભાવે દુષ્ટ છે. 23 તેમણે મને કહ્યું, ‘અમને ઇજિપ્તમાંથી છોડાવી લાવનાર એ માણસ મોશેનું શું થયું તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરી જનાર દેવ બનાવ.’ 24 તેથી મેં તેમને સોનાનાં ઘરેણાં લાવવા કહ્યું. જેમની પાસે ઘરેણાં હતાં તે લાવ્યા. મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડો નીકળી આવ્યો!” 25 મોશેએ જોયું કે આરોને લોકોને છકી જવા દઈને દુશ્મનોની નજરમાં તેમને હાંસીપાત્ર બનાવ્યા હતા. 26 તેથી મોશેએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને કહ્યું, “જેઓ પ્રભુના પક્ષમાં હોય તેઓ અહીં આવે!” તેથી લેવીના સર્વ વંશજો તેની આસપાસ એકઠા થયા. 27 તેણે તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તમને આજ્ઞા કરે છે કે તમે પ્રત્યેક તમારી તલવાર લઈને આ પ્રવેશદ્વારથી બીજા પ્રવેશદ્વાર સુધી આખી છાવણીમાં ફરી વળીને પોતાના ભાઈઓને, મિત્રોને તથા પડોશીઓને મારી નાખો.” 28 લેવીના વંશજોએ મોશેના કહેવા પ્રમાણે તે દિવસે લગભગ ત્રણ હજાર માણસોને મારી નાખ્યા. 29 મોશેએ લેવીના વંશજોને કહ્યું, “તમે તમારા પુત્રો અને ભાઈઓને આજે મારી નાખીને યજ્ઞકાર તરીકેની સેવા માટે પ્રભુને પોતાનું સંપૂર્ણ સમર્પણ કર્યું છે. તેથી પ્રભુએ તમને આશિષ આપી છે.” 30 બીજે દિવસે મોશેએ લોકોને કહ્યું, “તમે અઘોર પાપ કર્યું છે. પરંતુ હું હવે ફરી પર્વત પર પ્રભુની પાસે જઈશ. કદાચ હું તમારા પાપનું પ્રાયશ્ર્વિત કરી શકું.” 31 પછી મોશેએ પ્રભુની પાસે પાછા જઈને કહ્યું, “આ લોકોએ અઘોર પાપ કર્યું છે. તેમણે સોનાનો દેવ બનાવીને તેની પૂજા કરી છે. 32 કૃપા કરી તેમના પાપની ક્ષમા કરો; પરંતુ તમે તેમનું પાપ માફ ન કરો તો તમારા લોકોની નામાવલિના તમારા પુસ્તકમાંથી મારું નામ કાઢી નાખો.” 33 પ્રભુએ કહ્યું, “હું તો મારી વિરુદ્ધ પાપ કરનારનું નામ મારા પુસ્તકમાંથી કાઢી નાખીશ. 34 તેથી હવે તું આ લોકોને મેં તને જે સ્થળ વિષે કહ્યું છે ત્યાં દોરી જા. યાદ રાખ, મારો દૂત તને દોરશે. પરંતુ એક એવો દિવસ આવશે કે જ્યારે હું આ લોકને તેમનાં પાપની સજા કરીશ.” 35 તેથી પ્રભુએ લોકો પર રોગચાળો મોકલ્યો. કારણ, તેમણે આરોનને સોનાનો વાછરડો બનાવવાની ફરજ પાડી હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide