Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 31 - પવિત્ર બાઇબલ C.L.


મુલાકાતમંડપના કારીગરો
( નિર્ગ. 35:30—36:1 )

1-2 પ્રભુએ મોશેને કહ્યું, “મેં યહૂદાના કુળમાંથી ઊરીના પુત્ર તથા હોરીના પૌત્ર બસાલએલની નામ દઈને પસંદગી કરી છે

3 મેં તેને ઈશ્વરના આત્મા દ્વારા દરેક પ્રકારની કલાકારીગીરી માટે બુદ્ધિ, સમજ, જ્ઞાન તથા કૌશલ્યથી ભરપૂર કર્યો છે.

4 એ માટે કે સોનું, ચાંદી અને તાંબાના નકશીકામ માટે તે વિવિધ પ્રકારની ભાત બનાવવામાં,

5 કીમતી પથ્થરોના જડાવકામ માટે, પાસા પાડવામાં તેમ જ લાકડાનું નકશીકામ કરવામાં તે નિપુણ બને.

6 વળી, બસાલએલની સાથે કામ કરવા માટે મેં દાનના કુળમાંથી અહિસામાખના પુત્ર ઓહોલીઆબનો પણ મારા આત્માથી અભિષેક કર્યો છે. મેં સર્વે કુશળ કારીગરોને પણ ઉત્તમ કાર્યદક્ષતા બક્ષી છે; જેથી તેઓ સૌ મારી આજ્ઞા પ્રમાણે આ બધી વસ્તુઓ બનાવે:

7 મુલાકાતમંડપ, સાક્ષ્યલેખની કરારપેટી અને તે પરનું દયાસન, મંડપનો સર્વ સરસામાન,

8 મેજ તથા તેની સઘળી સામગ્રી, શુદ્ધ સોનાનું દીપવૃક્ષ અને તેની સામગ્રી, ધૂપવેદી,

9 યજ્ઞવેદી તથા તેની સામગ્રી, જળકુંડ તથા તેની બેઠક

10 તથા યજ્ઞકારના સેવાકાર્ય માટે આરોન યજ્ઞકાર તથા તેના પુત્રોનાં પવિત્ર વસ્ત્રો,

11 અભિષેક કરવા માટેનું તેલ અને પવિત્રસ્થાન માટે સુગંધીદાર ધૂપ. મેં તને ફરમાવ્યું છે બરાબર તે જ પ્રમાણે તેઓ તે સઘળું બનાવે.”

12-13 પ્રભુએ ઇઝરાયલી લોકોને આવું ફરમાવવા મોશેને આદેશ કર્યો: “તમારે સાબ્બાથ એટલે મારા વિશ્રામનો દિવસ નિશ્ર્વે પાળવો. કારણ, તે મારી તથા તમારી વચ્ચે પેઢી દરપેઢીનું પ્રતીક છે. એ પરથી તમને યાદ આવશે કે મેં પ્રભુએ તમને મારા પોતાના લોક થવા માટે અલગ કર્યા છે.

14 તેથી તમારે સાબ્બાથદિન જરૂરથી પાળવો; કારણ કે તે પવિત્ર છે. સાબ્બાથદિન નહિ પાળતાં તે દિવસે કામ કરનારને નિશ્ર્વે મારી નાખવો.

15 છ દિવસ તમારે તમારાં સર્વ કામ કરવાં, પરંતુ સાતમો દિવસ સંપૂર્ણ આરામનો દિવસ છે અને મારે માટે અલગ કરાયેલો છે. સાબ્બાથદિને કાર્ય કરનાર નિશ્ર્વે માર્યો જાય.

16 ઇઝરાયલી લોકો આ દિવસને કરારના ચિહ્ન તરીકે પાળે.

17 એ સાબ્બાથદિન ઇઝરાયલી લોકો અને મારી વચ્ચેનું કાયમનું ચિહ્ન છે. કારણ, મેં પ્રભુએ છ દિવસમાં આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું અને સાતમે દિવસે મેં કંઈ કાર્ય ન કરતાં આરામ કર્યો.”

18 સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે મોશેની સાથેની વાત પૂરી કરીને તેમણે તેને પોતાની આંગળીથી આજ્ઞાઓ લખેલા સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ આપી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan