Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 30 - પવિત્ર બાઇબલ C.L.


ધૂપવેદી
( નિર્ગ. 37:25-28 )

1 “તારે ધૂપ સળગાવવા માટે બાવળના લાકડામાંથી વેદી બનાવવી.

2 તે વેદી ચોરસ બનાવવી. તેની લંબાઈ 45 સેન્ટીમીટર, પહોળાઈ 45 સેન્ટીમીટર અને ઊંચાઈ 90 સેન્ટીમીટર હોવી જોઈએ. વેદી સાથે એકરૂપ હોય એવા વેદીના ચાર ખૂણા પર ચાર શિંગ બનાવવાં.

3 વેદીની ઉપરનો ભાગ, તેની ચારે બાજુઓ અને તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં. તારે તેની આસપાસ સોનાની કિનાર બનાવવી.

4 સોનાનાં બે કડાં બનાવીને કિનારની નીચે વેદીની બન્‍ને બાજુઓ પર લગાડવાં; જેથી વેદી ઊંચકવા માટેના દાંડા તેમાં પરોવી શકાય.

5 આ દાંડાઓ બાવળના લાકડામાંથી બનાવીને તેમને સોનાથી મઢી લેવા.

6 વેદીને પડદા આગળ સાક્ષ્યલેખની કરારપેટીને મોખરે એટલે મેં તને જ્યાં મળવાનું ઠરાવ્યું છે તે સાક્ષ્યલેખને ઢાંકનાર દયાસનની સામે મૂકવી.

7 આરોન દર સવારે દીવાની સાફસૂફી કરવા આવે ત્યારે તે આ વેદી પર સુગંધીદાર ધૂપ બાળે.

8 સાંજે પણ તે દીવા પેટાવવા આવે ત્યારે એ જ પ્રમાણે કરે. ધૂપનું આ અર્પણ પેઢી દર પેઢી નિત્ય કરવાનું છે.

9 આ વેદી પર મના કરેલ કોઈપણ ધૂપ, કોઈ પશુબલિ અથવા ધાન્યાર્પણ ચડાવવાં નહિ. તેના પર દ્રાક્ષાસવનું પેયાર્પણ પણ રેડવું નહિ.

10 વર્ષમાં એકવાર આરોને આ વેદીના શુદ્ધિકરણનો વિધિ કરવો. પ્રાયશ્ર્વિત બલિના રક્તમાંથી થોડું રક્ત લઈને વેદીનાં ચાર શિંગો પર લગાડીને આ વિધિ કરવો, દર વર્ષે પેઢી દર પેઢી એ પ્રમાણે કરવું. આ વેદી સંપૂર્ણ પવિત્ર અને મને પ્રભુને સમર્પિત છે.”


મુલાકાતમંડપની સેવાર્થે પ્રાયશ્ર્વિત મૂલ્ય

11 પ્રભુએ મોશેને કહ્યું,

12 “જ્યારે તું ઇઝરાયલી લોકોની વસ્તી ગણતરી કરે ત્યારે દરેક પુરુષ પોતાના જીવને માટે મને કિંમત ચૂકવે; જેથી વસ્તી ગણતરી દરમ્યાન તેના પર કોઈ આફત આવી પડે નહિ.

13 વસ્તી ગણતરીમાં જેમની ગણતરી થાય તે દરેક જણે મુલાકાતમંડપના નિયત વજનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ એટલે છ ગ્રામ જેટલું રૂપું આપવું.

14 જેની ગણતરી થાય એવો વીસ કે તેથી વધુ ઉંમરનો દરેક પુરુષ મને તે અર્પણ તરીકે ચૂકવે.

15 પોતાના જીવને માટે આ પ્રાયશ્ર્વિતનું મૂલ્ય ચૂકવતી વખતે શ્રીમંત માણસ વધારે ન ચૂકવે અને ગરીબ માણસ ઓછું ન ચૂકવે.

16 ઇઝરાયલી લોકો પાસેથી આ રકમ તેમના પ્રાયશ્ર્વિતના મૂલ્ય તરીકે ઉઘરાવવી અને તેનો ઉપયોગ મુલાકાતમંડપના સેવાકાર્ય માટે કરવો. એ રકમ તો તેમના જીવના પ્રાયશ્ર્વિતનું મૂલ્ય છે; એને લીધે હું તેમનું રક્ષણ કરવાનું યાદ રાખીશ.”


તાંબાનો જળકુંડ

17 પ્રભુએ મોશેને કહ્યું,

18 “તારે તાંબાની બેઠકવાળો તાંબાનો જળકુંડ બનાવવો. તેને મુલાકાતમંડપ અને યજ્ઞવેદીની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

19-20 આરોન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા યજ્ઞવેદી પર અર્પણો ચડાવવા આવે તે પહેલાં તેમણે પોતાના હાથપગ ધોવા માટે આ પાણી વાપરવું; જેથી તેઓ માર્યા જાય નહિ.

21 તેમણે પોતાના હાથપગ ધોવા; એ માટે કે તેઓ માર્યા જાય નહિ. તેમણે તથા તેમના વંશજોએ પાળવાનો આ કાયમી નિયમ છે.”


અભિષેકનું તેલ

22 પ્રભુએ મોશેને કહ્યું,

23 “ઉત્તમ તેજાના એટલે છ કિલોગ્રામ પ્રવાહી બોળ, ત્રણ કિલોગ્રામ સુગંધીદાર તજ, ત્રણ કિલોગ્રામ સુગંધીદાર બરુ

24 અને છ કિલોગ્રામ દાલચીની લે. (એ સર્વ મુલાકાતમંડપના નિયત તોલના શેકેલ પ્રમાણે છે.) તેમાં ચાર લિટર ઓલિવ તેલ ઉમેર.

25 અત્તરના જેવી મેળવણી કરીને તું અભિષેક કરવાનું તેલ બનાવ.

26-28 તું મંડપ, સાક્ષ્યલેખની કરારપેટી, મેજ તથા તેની સર્વ સામગ્રી, દીપવૃક્ષ તથા તેની સર્વ સામગ્રી, ધૂપવેદી, યજ્ઞવેદી તથા તેની સર્વ સામગ્રી અને જળકુંડ તથા તેની સર્વ સામગ્રીનો અભિષેક કરવા માટે એ તેલનો ઉપયોગ કર.

29 આ વસ્તુઓનું એ રીતે સમર્પણ કર એટલે તેઓ સંપૂર્ણ પવિત્ર બનશે; જે કંઈ તેમને અડકે તે પણ પવિત્ર બની જશે.

30 પછી આરોન અને તેના પુત્રોનો અભિષેક કર અને મારી સેવામાં તેમને યજ્ઞકાર તરીકે દીક્ષા આપ.

31 ઇઝરાયલીઓને કહે કે અભિષેક કરવાનું આ પવિત્ર તેલ પેઢી દરપેઢી મારી સેવામાં વાપરવું.

32 આ તેલ સામાન્ય માણસો પર રેડવામાં આવે નહિ અને કોઈપણ અન્ય મિશ્રણ બનાવવા માટે મેળવણીના આ પ્રમાણનો ઉપયોગ કરવો નહિ. તે પવિત્ર છે અને તારે તેને પવિત્ર તેલ તરીકે જ વાપરવું.

33 જો કોઈ વ્યક્તિ તેના જેવું તેલ બનાવે અથવા યજ્ઞકાર સિવાયની વ્યક્તિ માટે તેનો ઉપયોગ કરે તો તે મારા લોકમાંથી દૂર કરાશે.”


ધૂપ

34 પ્રભુએ મોશેને કહ્યું, “તું નાટાફ, શહેલેથ અને હેલ્બાના એ ખુશબોદાર તેજાનાઓ સરખા ભાગે લે. વળી, ચોખ્ખું લોબાન લે.

35 પછી અત્તરની જેમ મેળવણી કરીને તેમાંથી ધૂપ બનાવ. ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે તેમાં મીઠું ઉમેર.

36 તેમાંથી થોડુંક લઈને ઝીણું ખાંડી નાખ અને પછી તેને મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટી આગળ મૂક. આ ધૂપને સંપૂર્ણ પવિત્ર ગણવો.

37 તમારે માટે અન્ય ધૂપ બનાવવા તમારે આ ધૂપની મેળવણીના પ્રમાણનો ઉપયોગ કરવો નહિ. તમારે તેને પવિત્ર અને મને સમર્પિત થયેલો ગણવો.

38 સુગંધી તરીકે ઉપયોગમાં લેવા કોઈપણ વ્યક્તિ તેના જેવો ધૂપ બનાવે તો તે મારા લોકોમાંથી દૂર કરાશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan