Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 3 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર મોશેને આમંત્રણ આપે છે

1 મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.

2 ત્યાં પ્રભુના દૂતે તેને એક છોડવા મધ્યે અગ્નિની જવાળામાં દર્શન આપ્યું. મોશેએ જોયું તો છોડવો સળગતો હતો, પણ બળીને ભસ્મ થતો નહોતો.

3 મોશે બોલ્યો, “હું આ ચમત્કારિક બનાવ પાસે જઈને જોઈશ કે છોડવો ભસ્મ કેમ થતો નથી.”

4 પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, “મોશે, મોશે.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”

5 ત્યારે તેમણે કહ્યું, “અહીં નજીક આવીશ નહિ. તારા પગમાંથી તારાં ચંપલ ઉતાર; કારણ, જ્યાં તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.”

6 વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.

7 પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.

8 તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.

9 ઇઝરાયલીઓનો વિલાપ મારી પાસે પહોંચ્યો છે. વળી, ઇજિપ્તના લોકો તેમના પર જે રીતનો જુલમ ગુજારે છે તે મેં જોયો છે.

10 તો ચાલ, તૈયાર થા. હું તને મારા ઇઝરાયલી લોકોને ઇજિપ્તમાંથી કાઢી લાવવા ફેરો પાસે મોકલું છું.”

11 પણ મોશેએ ઈશ્વરને કહ્યું, “ફેરો પાસે જઈને ઇઝરાયલી લોકોને છોડાવનાર હું કોણ?”

12 ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


ઈશ્વરની અંગત ઓળખ

13 મોશેએ ઈશ્વરને કહ્યું, “હું ઇઝરાયલી લોકો પાસે જઈને તેમને કહું કે, ‘તમારા પૂર્વજોના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે,’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે,’ તો હું તેમને શું કહું?” ઈશ્વરે મોશેને કહ્યું, “‘હું જે છું તે છું.’

14 ઇઝરાયલી લોકોને કહે જે કે ‘હું છું’ - એ મને તમારી પાસે મોકલ્યો છે.

15 તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. એ જ મારું સદાકાળનું નામ છે અને આવનાર બધી પેઢીઓ એ જ નામે મારું સ્મરણ કરશે.


મોશેને અપાયેલી સૂચનાઓ

16 “તું જઈને ઇઝરાયલીઓના આગેવાનોને એકઠા કરીને તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે, અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબના ઈશ્વરે મને દર્શન આપીને આમ કહ્યું છે: ‘મેં તમારી ખબર લીધી છે અને ઇજિપ્તમાં તમારા પર પડતાં દુ:ખો પણ જોયાં છે.

17 હું તમને ઇજિપ્તની વિપત્તિઓમાંથી છોડાવીને તમને દૂધમધની રેલમછેલવાળા દેશમાં એટલે કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી તથા યબૂસી જાતિઓના દેશમાં લઈ જવા વચન આપું છું.

18 “તેઓ તારી વાત માનશે. પછી તું તથા ઇઝરાયલી લોકોના આગેવાનો ઇજિપ્તના રાજા પાસે જઈને તેને કહો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યાહવેએ પોતાને અમારી સમક્ષ પ્રગટ કર્યા છે. હવે અમારા ઈશ્વર યાહવે આગળ યજ્ઞ કરવા માટે અમને મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર વેરાન પ્રદેશમાં જવા દો.’

19 હું જાણું છું કે મારું બાહુબળ બતાવ્યા વિના ઇજિપ્તનો રાજા તમને જવા નહિ દે.

20 તેથી હું તેને મારું સામર્થ્ય દેખાડીશ અને તેમની મધ્યે ચમત્કારો કરીને હું ઇજિપ્તને મારીશ. ત્યાર પછી જ તે તમને જવા દેશે.

21 “મારા લોક પર ઇજિપ્તના લોકોની રહેમનજર થાય એમ હું કરીશ. તેથી તમારે ત્યાંથી ખાલી હાથે નીકળવાનું નથી.

22 પ્રત્યેક ઇઝરાયલી સ્ત્રીએ પોતાની પડોશણ કે તેના ઘરમાં રહેતી સ્ત્રી પાસેથી સોનાચાંદીના દાગીના અને વસ્ત્રો માગી લેવાં અને તમારે તે તમારાં છોકરાંને પહેરાવવાં. એ રીતે તમે ઇજિપ્તીઓને લૂંટી શકશો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan