નિર્ગમન 29 - પવિત્ર બાઇબલ C.L.આરોન તથા તેના પુત્રોની દીક્ષા ( લેવી. 8:1-36 ) 1 “આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવાને માટે સમર્પણ કરવા તારે આ પ્રમાણે ક્રિયા કરવી. એક વાછરડો અને ખોડખામી વિનાના બે ઘેટા લેવા. 2 ખમીરનો જરાપણ ઉપયોગ કર્યા વિના કેટલીક ઓલિવ તેલવાળી રોટલી, કેટલીક ભાખરી તથા કેટલાક તેલ ચોપડેલા ખાખરા બનાવવાં. 3 પછી તેમને ટોપલીમાં મૂકવાં અને જ્યારે તું મને વાછરડાંનું તથા બે ઘેટાનું બલિદાન ચડાવે ત્યારે મને તેનું અર્પણ કરવું. 4 “તારે આરોન તથા તેના પુત્રોને મુલાકાતમંડપના દ્વાર પાસે લાવવા અને તેમને વિધિગત રીતે સ્નાન કરવા જણાવવું. 5 પછી આરોનને યજ્ઞકારનાં વસ્ત્રો, એટલે ડગલો, એફોદ નીચે પહેરવાનો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને નિપુણ કારીગીરીથી ગૂંથેલો કમરપટ્ટો પહેરાવવાં. 6 પછી તેને પાઘડી પહેરાવીને તેના પર ‘યાહવે સમર્પિત’ એવા શબ્દો કોતરેલ પવિત્ર મુગટ પહેરાવવો. 7 પછી અભિષેક કરવાનું તેલ લઈને તેના માથા પર રેડીને તેનો અભિષેક કરવો. 8 “વળી, તેમના પુત્રોને લાવીને તેમને ડગલા પહેરાવવા; 9 તેમની કમર પર કમરપટ્ટા અને માથા પર ફાળિયાં બાંધવાં. એ રીતે તારે આરોન તથા તેના પુત્રોને દીક્ષા આપવી. તેઓ તથા તેમના વંશજો યજ્ઞકારો તરીકે મારી હમેશાં સેવા કરશે. 10 “મુલાકાતમંડપના આગળના ભાગમાં વાછરડો લાવીને તારે આરોન તથા તેના પુત્રોને તે વાછરડાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું. 11 ત્યાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા પવિત્ર સાનિધ્યમાં તારે વાછરડાને કાપવો. 12 વાછરડાના રક્તમાંથી થોડું રક્ત લઈને તારી આંગળી વડે વેદીના શિંગ ઉપર લગાડવું. પછી બાકીનું રક્ત વેદીના પાયા આગળ રેડી દેવું. 13 તે પછી, અંદરના અવયવો પરની બધી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડ તથા તે પરની બધી ચરબી લઈને તેનું વેદી પર દહન કરવું. 14 પરંતુ વાછરડાનું માંસ, ચામડું અને તેનાં આંતરડાંને છાવણી બહાર અગ્નિમાં બાળી નાખવાં. એ તો યજ્ઞકારો માટેનો પ્રાયશ્ર્વિત બલિ છે. 15 “પછી તારે એક ઘેટો લેવો. આરોન તથા તેના પુત્રોને ઘેટાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું. 16 પછી ઘેટાને કાપીને તેનું રક્ત લઈને વેદીની ચોગરદમ છાંટવું. 17 તે પછી, એ ઘેટાને કાપીને તેના કટકા કરવા અને તેના આંતરિક અવયવો તથા તેના પાછળના પગ ધોઈ નાખીને તેમને બીજા કટકા તથા માથા સાથે મૂકવા. 18 તારે વેદી પર આખા ઘેટાનું દહન કરવું. એ તો મને પ્રભુને ચડાવેલ દહનબલિ છે. એના અર્પણની સુવાસ મને પ્રભુને પ્રસન્ન કરે છે. 19 “તે પછી બીજો દીક્ષાબલિનો ઘેટો લેવો અને આરોન તથા તેના પુત્રોને ઘેટાના માથા ઉપર પોતાના હાથ મૂકવા કહેવું. 20 ઘેટાને કાપવો અને તેનું થોડું રક્ત લઈને આરોન તથા તેના પુત્રોના જમણા કાનની ટીશી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડવું; બાકીનું રક્ત વેદીની ચોગરદમ રેડી દેવું. 21 વેદી પરના રક્તમાંથી તથા અભિષેક કરવાના તેલમાંથી થોડું લઈને આરોન તથા તેનાં વસ્ત્રો પર અને તેના પુત્રો તથા તેમનાં વસ્ત્રો પર છંટકાવ કરવો. એથી આરોન, તેના પુત્રો તથા તેમનાં વસ્ત્રો મારે માટે સમર્પિત થશે. 22 “વળી, તારે ઘેટાની ચરબી, પૂંછડી તથા આંતરિક અવયવો પરની ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડ તથા તેમના પરની ચરબી અને જમણી જાંઘ કાપી લેવાં. 23 મને અર્પણ કરેલી ખમીરરહિત રોટલીની ટોપલીમાંથી તારે દરેક પ્રકારની એકએક રોટલી, એટલે ઓલિવ તેલવાળી એક રોટલી, એક ભાખરી અને તેલ ચોપડેલો એક ખાખરો લેવાં. 24 એ બધું તારે આરોન તથા તેના પુત્રોના હાથમાં મૂકવું અને મને તે સર્વનું આરતીરૂપે અર્પણ કરવા તેમને કહેવું. 25 પછી એ બધું તેમના હાથમાંથી લઈને તારે તેમને વેદી પરના દહનબલિ ઉપર મૂકીને તેમનું અગ્નિબલિ તરીકે દહન કરવું. એ તો મને પ્રભુને પ્રસન્ન કરનાર સુવાસિત અર્પણ છે. 26 “પછી દીક્ષાબલિના ઘેટાનો સીનો લઈને તું તેનું આરતીરૂપે મને અર્પણ કર. પ્રાણીઓનો એ ભાગ તારો હિસ્સો થશે. 27 “જ્યારે યજ્ઞકારની દીક્ષા થાય ત્યારે દીક્ષામાં વપરાતા ઘેટાનો સીનો અને તેની જાંઘ મને આરતીરૂપે અર્પણ કરવામાં આવે અને તે પછી આરોન તથા તેના પુત્રો એટલે યજ્ઞકારો માટે તે અલગ કરવામાં આવે. 28 જ્યારે મારા ઇઝરાયલી લોકો મને સંગતબલિ ચડાવે ત્યારે બલિના સીનાનો અને જાંઘનો ભાગ યજ્ઞકારોને ફાળે જાય; આ મારી કાયમી વ્યવસ્થા છે. એ તો લોકોએ મને પ્રભુને ચડાવેલી ભેટ છે. 29 “આરોનના મૃત્યુ પછી તેનાં યજ્ઞકારનાં વસ્ત્રો તેના પુત્રોને આપવામાં આવે; જેથી તેમની અભિષેકપૂર્વકની દીક્ષા વખતે તેઓ તે પહેરે. 30 આરોન પછી તેને સ્થાને યજ્ઞકાર બનીને મુલાકાતમંડપમાં પવિત્રસ્થાનમાં સેવા કરવા જનાર તેનો પુત્ર સાત દિવસ સુધી એ વસ્ત્રો પહેરે. 31 “આરોન તથા તેના પુત્રોની દીક્ષા માટે વપરાયેલા ઘેટાનું માંસ લઈને તારે પવિત્ર જગ્યામાં બાફવું. 32 તેઓ એ માંસ ટોપલીમાં બાકી રહેલી રોટલીઓ સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બેસીને ખાય. 33 તેમની દીક્ષામાં પાપોની માફીની વિધિ માટે જે કંઈ વપરાયું હોય તે તેઓ ખાય. 34 દીક્ષાબલિના માંસમાંથી અથવા રોટલીઓમાંથી સવાર સુધી કંઈપણ બાકી રહે તો તેને બાળી નાખવું, તેને ખાવું નહિ, કારણ કે તે પવિત્ર છે. 35 “મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે આરોન તથા તેના પુત્રોનો દીક્ષાવિધિ તારે સાત દિવસ પાળવો. 36 તારે તેમનાં પાપની ક્ષમા અર્થે દરરોજ વાછરડાનો બલિ ચડાવવો. તેથી વેદી શુદ્ધ થશે. પછી વેદીનું સમર્પણ કરવા માટે તેનો ઓલિવ તેલ વડે અભિષેક કરવો. 37 સાત દિવસ સુધી તારે એ પ્રમાણે કરવું. તે પછી વેદી સંપૂર્ણ રીતે પવિત્ર બનશે અને જે કંઈ તેને અડકે તે પવિત્ર બની જશે. દૈનિક અર્પણો ( નિર્ગ. 38:1-8 ) 38 “તારે કાયમને માટે દરરોજ એક વર્ષની વયના બે હલવાનનું વેદી પર અર્પણ કરવું. 39 એક હલવાન સવારે અને બીજું સાંજે ચડાવવું. 40 પ્રથમ હલવાન સાથે એક લીટર શુદ્ધ ઓલિવ તેલમાં મોહેલો ઘઉંનો ઝીણો લોટ ચડાવવો અને પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષાસવ રેડવો. 41 બીજું હલવાન સાંજે ચડાવવું, અને તેની સાથે તેટલા જ માપના તેલથી મોહેલો તેટલો જ લોટ અને તેટલો જ દ્રાક્ષાસવ ચડાવવો. એ તો મને પ્રભુને ચડાવેલ ધાન્ય અર્પણ છે અને તેની સુવાસ મને પ્રસન્ન કરે છે. 42 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા સાંનિધ્યમાં આ દહનબલિ મને પેઢી દર પેઢી ચડાવવામાં આવે. ત્યાં હું તને મળીશ અને તારી સાથે વાત કરીશ. 43 ત્યાં હું મારા ઇઝરાયલી લોકને મળીશ અને મારા ગૌરવની હાજરીથી તે સ્થાન પવિત્ર બની જશે. 44 હું મંડપ તથા વેદીને પવિત્ર કરીશ અને આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવા બજાવવા માટે હું અલગ કરીશ. 45 હું ઇઝરાયલી લોકોની વચમાં રહીશ અને તેમનો ઈશ્વર થઈશ. 46 તેઓ જાણશે કે હું પ્રભુ તેમનો ઈશ્વર છું અને હું તેમની વચમાં રહું તે માટે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. હું તેમનો ઈશ્વર પ્રભુ છું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide