Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 28 - પવિત્ર બાઇબલ C.L.


યજ્ઞકારનાં વસ્ત્રો
( નિર્ગ. 39:1-7 )

1 “તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.

2 તારા ભાઈ આરોન માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવ; તે તેને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્રો બને.

3 મેં જેમને કળાકૌશલ્ય બક્ષ્યાં છે એવા કારીગરોને બોલાવીને તું તેમને આરોનનાં વસ્ત્ર બનાવવાનું કહે, એ માટે કે યજ્ઞકાર તરીકે સેવા કરવા માટે તમે આરોનનું સમર્પણ કરી શકો.

4 તું તેમને ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, ભરત ભરેલો ડગલો, પાઘડી અને કમરપટ્ટો બનાવવાનું કહે. તેઓ તારા ભાઈ આરોન તથા તેના પુત્રો માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવે; જેથી તેઓ મારી સન્મુખ યજ્ઞકાર તરીકે સેવા કરી શકે.

5 કારીગરો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા અળસીના ઝીણા કાંતેલા રેસા ઉપયોગમાં લે.


એફોદ

6 “તેઓ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા ઝીણા કાંતેલા અળસી રેસામાંથી એફોદ બનાવે અને નિપુણ ભરતકામથી તેને સુશોભિત કરે.

7 એફોદને બાંધવા માટે તેને બન્‍ને છેડે ખભા નજીક બે પટ્ટાઓ બનાવીને લગાડવા.

8 વળી, એ જ વસ્તુઓનો ઉપયોગ કરીને ગૂંથેલો પટ્ટો બનાવવો અને તે એફોદ સાથે એકરૂપ થઈ જાય એ રીતે તેને જોડવો.

9 ગોમેદના બે પથ્થરો લઈને તેના પર યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવાં.

10 એ નામ તેમની વયના ક્રમ પ્રમાણે એક પથ્થર પર છ તથા બીજા પથ્થર પર છ;

11 એ રીતે મુદ્રા બનાવનાર કારીગરના કૌશલથી કોતરવાં અને એ પથ્થરોને સોનાના ચોકઠામાં બેસાડવા.

12 તેમને એફોદના ખભા પરના પટ્ટાઓમાં ઇઝરાયલનાં બારે કુળોના સ્મરણ અર્થે જોડવા. એ રીતે આરોન તેમનાં નામ પોતાના ખભા પર ધારણ કરશે અને હું પ્રભુ મારા લોકને હમેશાં સ્મરણમાં રાખીશ.

13 સોનાનાં બે ચોકઠાં બનાવજો

14 અને વણેલી દોરીના જેવી સોનાની બે સાંકળીઓ બનાવીને આ ચોકઠાં સાથે લગાડજો.


ઉરપત્ર
( નિર્ગ. 39:8-21 )

15 “ઈશ્વરની ઇચ્છા શી છે તે નક્કી કરવા માટે મુખ્ય યજ્ઞકારને માટે ઉરપત્ર બનાવો. એફોદની જેમ ઉરપત્ર પણ સોનાના તાર, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા અને ઝીણા કાંતેલા અળસી રેસાનું બનાવવું. તેનું ભરતકામ પણ એફોદના જેવું જ હોવું જોઈએ.

16 તે ચોરસ અને બેવડું વાળેલું હોવું જોઈએ. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર રાખવી.

17 તેના પર કીમતી પથ્થરોની ચાર હાર જડવી: પહેલી હારમાં માણેક, પોખરાજ, લાલ;

18 બીજી હારમાં લીલમ, નીલમ, હીરો;

19 ત્રીજી હારમાં શનિ, અકીક, યાકૂત

20 અને ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ જડવા. તેમને સોનાના ચોકઠામાં જડવા.

21 દરેક પથ્થર પર યાકોબના એક એક પુત્રનું નામ કોતરજો; જેથી તે ઇઝરાયલનાં બારે કુળો માટે સ્મરણરૂપ બની રહે.

22 વળી, ઉરપત્ર માટે વણેલી દોરી જેવી શુદ્ધ સોનાની સાંકળીઓ બનાવજો.

23 સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના ઉપરના છેડા પર લગાડવી

24 અને સોનાની બે સાંકળીઓ આ બે કડીઓમાં જોડવી.

25 સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગલા ભાગમાં તેના ખભા ઉપરના પટ્ટાઓમાં લગાડવી.

26 પછી સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના નીચેના છેડે અંદરના ભાગમાં લગાડવી.

27 સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદના ખભા પરના પટ્ટાઓના નીચલા ભાગમાં આગળની બાજુએ સાંધાની નજીક, પણ નિપુણ કારીગરીથી ગૂંથેલા પટ્ટાની ઉપર લગાડવી.

28 પછી ઉરપત્રની કડીઓને વાદળી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધવી; જેથી ઉરપત્ર પટ્ટાની ઉપર જ રહે અને છૂટું પડી જાય નહિ.

29 “જ્યારે આરોન પવિત્રસ્થાનમાં પ્રવેશે ત્યારે ઇઝરાયલનાં બાર કુળોનાં નામ કોતરેલું ઉરપત્ર ધારણ કરશે, જેથી હું પ્રભુ મારા લોકોને હંમેશા સ્મરણમાં રાખીશ.

30 તારે ઉરીમ અને થુમ્મીમને ઉરપત્રમાં મૂકવા અને આરોન મારી પવિત્ર હાજરીમાં આવે ત્યારે તે તેમને પોતાની સાથે લાવે. તે હમેશાં ઉરપત્ર પહેરીને જ આવે, જેથી ઇઝરાયલીઓ માટે મારી શી ઇચ્છા છે તે તે જાણી શકે.


યજ્ઞકારોનાં બીજાં વસ્ત્રો
( નિર્ગ. 39:22-31 )

31 “એફોદ નીચે પહેરવાનો આખો ઝભ્ભો વાદળી રંગનો બનાવવો.

32 માથા પર થઈને ઝભ્ભો પહેરવા ઝભ્ભાનો ઉપરનો ભાગ ખુલ્લો હોવો જોઈએ. એ ભાગ ફાટી ન જાય તે માટે તેને ચામડાના કવચની જેમ ઓટી લીધેલો હોવો જોઈએ.

33-34 ઝભ્ભાની નીચલી કોરની ચારે તરફ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસામાંથી બનાવેલાં દાડમ લગાડવાં અને તેમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લટકાવવી; એટલે એક દાડમ, એક ધૂઘરી એ રીતે લગાડવાં.

35 આરોન યજ્ઞકાર તરીકે સેવા કરે ત્યારે તે આ ઝભ્ભો પહેરે. જ્યારે તે પવિત્રસ્થાનમાં મારી સન્મુખ આવે અથવા બહાર જાય ત્યારે ધૂઘરીઓનો અવાજ સંભળાશે અને તે માર્યો જશે નહિ.

36 “તું શુદ્ધ સોનાનું એક પાત્ર લે અને તારે તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતરવા: ‘યાહવેને સમર્પિત.’

37 તું તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ.

38 આરોન તેને પોતાના કપાળ પર પહેરી રાખે. ઇઝરાયલી લોકો દ્વારા ચડાવાતાં સર્વ પવિત્ર અર્પણોના સંબંધમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેનો દોષ આરોનના માથા પર રહે અને એમ હું તેમનો સ્વીકાર કરીશ.

39 “તું આરોનનો ડગલો ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેની પાઘડી પણ ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેનો કમરપટ્ટો ઝીણા અળસી રેસામાંથી અને ભરત ભરેલો બનાવ.

40 “તારે આરોનના પુત્રો માટે ડગલા, કમરપટ્ટા અને સાફા બનાવવા. એ વસ્ત્રો તેમને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્ર બને.

41 આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે.

42 વળી, તેમને માટે કમરથી જાંઘ સુધી પહોંચે એવા અળસી રેસામાંથી સફેદ જાંઘિયા બનાવવા, જેથી તેમની નગ્નતા દેખાય નહિ.

43 આરોન તથા તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા પવિત્રસ્થાનમાં યજ્ઞકારો તરીકે સેવા કરવા વેદી પાસે આવે ત્યારે તેઓ હમેશાં જાંઘિયા પહેરે; જેથી તેમની નગ્નતા ન દેખાય અને તેઓ માર્યા ન જાય. આરોન તથા તેના વંશજો માટે આ કાયમી નિયમ છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan