નિર્ગમન 25 - પવિત્ર બાઇબલ C.L.મુલાકાતમંડપ માટે ભેટો ( નિર્ગ. 35:4-9 ) 1 પ્રભુએ મોશેને કહ્યું, 2 “તું મારે માટે ઇઝરાયલીઓને ભેટ લાવવા જણાવ. દરેક માણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમારે સ્વીકારવું. 3 તમારે આટલી વસ્તુઓની ભેટ ઉઘરાવવી: સોનું, રૂપું, તાંબુ; વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, 4 અળસી રેસાનું ઝીણું કાંતેલું કાપડ, બકરાના વાળ, 5 ઘેટાંનાં ચામડાં, ઉત્તમ મુલાયમ ચામડાં, બાવળનાં લાકડાં, 6 દીવાઓ માટે તેલ, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ માટે સુગંધીદ્રવ્યો, 7 મુખ્ય યજ્ઞકારના એફોદમાં અને તેના ઉરપત્રમાં જડવા માટે ગોમેદના પથ્થરો અને બીજાં રત્નો. 8 લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું. 9 હું તને જે નમૂનો દેખાડું તે જ પ્રમાણે તારે મંડપ તથા તેની સર્વ સાધનસામગ્રી બનાવવી. કરારપેટી ( નિર્ગ. 37:1-9 ) 10 “તારે બાવળના લાકડામાંથી 110 સેન્ટીમીટર લાંબી, 66 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી કરારપેટી બનાવવી. 11 તેને અંદરથી તેમજ બહારથી શુદ્ધ સોના વડે મઢી લેવી અને તેની ફરતે સોનાની કિનાર બનાવવી. 12 તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં ઢાળીને બનાવવાં. તે કડાંને કરારપેટીના ચાર પાયા સાથે જોડવાં; જેથી દરેક બાજુએ બે કડાં રહે. 13 તેને ઊંચકવા માટે બાવળના લાકડાના દાંડા બનાવીને તેમને સોનાથી મઢી લેવા, 14 અને દાંડા કરારપેટીની બાજુમાંના કડાંમાં પરોવી દેવા. 15 આ દાંડા કડાંમાં જ રહેવા દેવા અને તેમને બહાર કાઢવા નહિ. 16 પછી હું તને આજ્ઞા લખેલી જે બે શિલાપાટીઓ આપું તે સાક્ષ્યલેખની પાટીઓ કરારપેટીમાં મૂકવી. 17 “તારે 110 સેન્ટીમીટર લાંબું, અને 66 સેન્ટીમીટર પહોળું સોનાનું ઢાંકણ, એટલે દયાસન બનાવવું. 18 વળી, નક્કર સોનાના બે કરુબો બનાવવા. 19 દયાસનના બન્ને છેડા માટે એકએક કરુબ બનાવવો. આ ઢાંકણ અને કરુબો જાણે એક વસ્તુ હોય એ રીતે સળંગ બનાવવાં. 20 કરુબોનાં મુખ એકબીજાની સામસામે અને દયાસનના મધ્યભાગ તરફ રાખવાં. વળી, તેમની પાંખો દયાસન પર આચ્છાદન થાય એ રીતે ઊંચે ફેલાયેલી રાખવી. 21 સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ કરારપેટીમાં મૂકીને તેના પર દયાસન અર્થાત્ ઢાંકણ ઢાંકી દેવું. 22 હું તને ત્યાં મળીશ અને દયાસન ઉપરથી સાક્ષ્યપેટી પરના બે કરુબો વચ્ચેથી હું તને ઇઝરાયલીઓ માટેના મારા સર્વ નિયમો આપીશ. અર્પિત રોટલી માટેનું મેજ ( નિર્ગ. 37:17-24 ) 23 “તારે બાવળના લાકડામાંથી 88 સેન્ટીમીટર લાંબી, 44 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી મેજ બનાવવી. 24 તેને શુદ્ધ સોનાથી મઢી લેવી અને તેની ફરતે શુદ્ધ સોનાની કિનાર બનાવવી. 25 તેની આસપાસ 75 મિલિમીટર પહોળી ધાર બનાવીને તેની ફરતે સોનાની કિનાર મૂકવી. 26 તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવીને તેમને ચાર ખૂણે પાયાઓ સાથે જડી દેવાં. 27 મેજ ઊંચકવાના દાંડા પરોવવાનાં આ કડાં મેજની ધારની નજીક મૂકવાં. 28 બાવળના લાકડામાંથી દાંડા બનાવીને તેમને સોનાથી મઢી લેવા. 29 વળી, થાળીઓ, વાટકાઓ, બરણીઓ અને દ્રાક્ષાસવનાં પેયાર્પણો માટે વાપરવાનાં પ્યાલાં બનાવવાં. આ સર્વ વસ્તુઓ શુદ્ધ સોનામાંથી બનાવવી. 30 મેજ કરારપેટી આગળ મૂકવી અને તેના પર મને અર્પેલી પવિત્ર રોટલી હમેશાં મૂકેલી રાખવી. દીપવૃક્ષ 31 “તારે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવવું. તેની બેઠક તથા તેનો દાંડો સોનામાંથી ઘડતરકામ કરી બનાવવાં. તેનાં શોભાનાં ફૂલ, કળીઓ અને પાંખડીઓ તેની સાથે સળંગ જોડાયેલાં હોવાં જોઈએ. 32 દરેક બાજુએ ત્રણ એ રીતે તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળતી હોવી જોઈએ. 33 તેને દરેક શાખા પર બદામના ફૂલના આકારની કળીઓ અને પાંખડીઓવાળાં શોભાનાં ત્રણ ફૂલ હોય. 34 દીપવૃક્ષના મુખ્ય દાંડા પર બદામના ફૂલના આકારની કળીઓ અને પાંખડીઓ સહિતનાં શોભાનાં ચાર ફૂલ હોય. 35 શાખાઓની ત્રણેય જોડમાં દરેક જોડ નીચે એક એક કળી હોય. 36 કળીઓ, શાખાઓ અને આખું દીપવૃક્ષ સોનામાંથી ઘડેલું અને સળંગ હોવું જોઈએ. 37 વળી, દીપવૃક્ષ માટે સાત દીવા બનાવવા અને દીપવૃક્ષની મોખરે પ્રકાશ પડે એ રીતે તેમને ગોઠવવા. 38 તેનાં ચીપિયા અને તાસકો પણ શુદ્ધ સોનાનાં બનાવવાં. 39 દીપવૃક્ષ તથા તેનાં સર્વ સાધનો બનાવવા માટે 35 કિલોગ્રામ શુદ્ધ સોનું વાપરવું. 40 મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો હતો તે પ્રમાણે જ એ બધું બનાવવામાં આવે તેની કાળજી રાખવી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide