નિર્ગમન 24 - પવિત્ર બાઇબલ C.L.કરાર મુદ્રાંક્તિ કરાયો 1 પ્રભુએ મોશેને કહ્યું, “તું, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંથી સિત્તેર આગેવાનો મારી પાસે ઉપર આવો. તમે આવો, ત્યારે થોડે દૂર રહીને ભક્તિપૂર્વક નમન કરો. 2 મોશે તું એકલો જ મારી પાસે આવ અને બીજા કોઈ પાસે આવે નહિ; લોકો તો પર્વત પાસે પણ ન આવે.” 3 મોશેએ જઈને લોકોને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ કહી સંભળાવ્યાં, અને સર્વ લોકોએ પ્રત્યુત્તર આપ્યો, “પ્રભુએ જે કહ્યું છે તે બધું અમે કરીશું.” 4 મોશેએ પ્રભુની સર્વ આજ્ઞાઓ લખી લીધી. બીજે દિવસે વહેલી સવારે તેણે પર્વતની તળેટીમાં વેદી બનાવી. તેણે ત્યાં પ્રત્યેક કુળ માટે એક એમ ઇઝરાયલનાં બાર કુળો માટે બાર પથ્થરો ઊભા કર્યા. 5 પછી તેણે કેટલાક જુવાનોને મોકલ્યા અને તેમણે પ્રભુને દહનબલિ તથા સંગતબલિ તરીકે કેટલાંક પ્રાણીઓનું અર્પણ કર્યું. 6 મોશેએ અડધું રક્ત લઈને કટોરામાં ભર્યું, જ્યારે બાકીનું રક્ત વેદી ઉપર છાંટી દીધું. 7 પછી તેણે કરારનું પુસ્તક, જેમાં તેણે પ્રભુની આજ્ઞાઓ લખી હતી તે લીધું અને લોકો સમક્ષ મોટે અવાજે વાંચી સંભળાવ્યું. તેમણે કહ્યું, “અમે પ્રભુને આધીન રહીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.” 8 પછી મોશેએ કટોરામાંથી રક્ત લઈને લોકો પર છાંટતાં કહ્યું, “આ રક્ત તો પ્રભુએ તમને આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે કરેલા કરારની મહોરમુદ્રા છે.” 9 મોશે, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંના સિત્તેર આગેવાનો પર્વત પર ગયા; અને તેમણે ઇઝરાયલના ઈશ્વરને જોયા. 10 તેમના પગ નીચે જાણે કે નીલમના જેવી ફરસબંધી હતી અને તે સ્વચ્છ આકાશ જેવી આસમાની રંગની હતી. 11 ઈશ્વરે ઇઝરાયલના આગેવાનોને કંઈ ઈજા કરી નહિ; તેમણે ઈશ્વરને જોયા અને પછી તેમણે સાથે ખાધુંપીધું. મોશે સિનાઈ પર્વત પર 12 પ્રભુએ મોશેને કહ્યું, “તું મારી પાસે પર્વતના શિખર પર આવ. તું ત્યાં ઊભો હોઈશ ત્યારે હું તને બે શિલાપાટીઓ આપીશ. લોકોને શિક્ષણ માટે આ શિલાપાટીઓ પર મેં નિયમો તથા આજ્ઞાઓ લખેલાં છે.” 13 મોશે તથા તેનો મદદનીશ યહોશુઆ તૈયાર થયા અને મોશે ઈશ્વરના પર્વત પર જવા ઉપડયો. 14 મોશેએ આગેવાનોને કહ્યું, “અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં જ રહેજો. આરોન તથા હૂર તમારી સાથે છે અને જો કોઈને કંઈ તકરાર થાય તો તેના નિરાકરણ માટે તેમની પાસે જાય.” 15 મોશે સિનાઈ પર્વત પર ગયો અને વાદળે આવીને પર્વતને ઢાંકી દીધો. પ્રભુ તેમના તેજોમય ગૌરવમાં પર્વત પર ઊતર્યા. 16-17 ઇઝરાયલીઓને પર્વતના શિખર પરનું પ્રભુનું ગૌરવ ભસ્મ કરનાર અગ્નિ જેવું લાગ્યું. વાદળે છ દિવસ સુધી પર્વતને ઢાંકી રાખ્યો અને સાતમે દિવસે પ્રભુએ વાદળમાંથી મોશેને બોલાવ્યો. 18 મોશે વાદળમાં પ્રવેશીને પર્વત પર ચડી ગયો. મોશે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide