Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 23 - પવિત્ર બાઇબલ C.L.


ન્યાય અને સમભાવી વ્યવહાર

1 “તમારે અફવા ફેલાવવી નહિ. ખોટી જુબાની આપીને તમારે દુષ્ટ માણસને સાથ આપવો નહિ.

2 બહુમતી ખોટું કરવાની તરફેણમાં હોય અને ન્યાયને મરડી નાખવા જૂઠી સાક્ષી આપે ત્યારે તમારે તેનાથી દોરવાઈ જઈને ખોટું કરવું નહિ.

3 અદાલતમાં ગરીબ માણસના કેસમાં તમારે પક્ષપાત કરવો નહિ.

4 “જો તમે તમારા દુશ્મનના બળદને અથવા ગધેડાને છૂટા રખડતા જુઓ તો તમે તેમને તેની પાસે પાછા લઈ જાઓ.

5 જો તેનું ગધેડું ભારથી નીચે પડી ગયું હોય તો તેને ઊભું કરવામાં સહાય કરો; ત્યાંથી તેની અવગણના કરીને ચાલ્યા જશો નહિ.

6 “ગરીબ માણસ અદાલતમાં હાજર થાય ત્યારે તેને અન્યાય થવા દેશો નહિ.

7 તમે જૂઠાં તહોમત મૂકીને નિર્દોષ વ્યક્તિને મારી નંખાવશો નહિ. કારણ, એવું દુષ્ટ કાર્ય કરનારને હું સજા કરીશ.

8 તમે લાંચ ન લો; કારણ, લાંચ લોકોને સત્ય પ્રત્યે આંધળા બનાવે છે અને નિર્દોષના દાવાને નિરર્થક બનાવે છે.

9 “તમારી સાથે વસતા પરદેશીને પરેશાન કરશો નહિ. પરદેશી હોવું કેવું લાગે છે તે તમે જાણો છો, કારણ, તમે ઇજિપ્તમાં પરદેશી હતા.


સાતમું વર્ષ અને સાતમો દિવસ

10 “છ વર્ષ સુધી તમારા ખેતરમાં વાવેતર કરો અને તેની સર્વ ઊપજ ભેગી કરો.

11 પરંતુ સાતમે વર્ષે તેને આરામ આપો અને તેમાં જે કંઈ ઊગી નીકળે તેની કાપણી કરશો નહિ. જે કંઈ ઊગ્યું હોય તે ગરીબોને ખાવા દો અને જે કંઈ વધે તે વનવગડાનાં પશુઓને ખાવા દો. તમારી દ્રાક્ષવાડીઓ અને ઓલિવવાડીઓના સંબંધમાં પણ એવું જ કરો.

12 “તમે સપ્તાહના છ દિવસ કામ કરો, પરંતુ સાતમે દિવસે કંઈ કામ કરશો નહિ; એ માટે કે તમારે માટે કામ કરતાં દાસદાસીઓ તથા પરદેશીઓને તથા તમારાં ઢોરઢાંકને આરામ મળે.

13 “હું પ્રભુ તમને જે કહું છું તે સર્વ પર લક્ષ આપો. તમે બીજા દેવોની પ્રાર્થના કરશો નહિ; તેમજ તમારે મોંઢે તેમનાં નામ પણ ઉચ્ચારશો નહિ.


ત્રણ મહત્ત્વનાં પર્વો
( નિર્ગ. 34:18-26 ; પુન. 16:1-17 )

14 “તમે મારા માનાર્થે વર્ષમાં ત્રણ પર્વ ઊજવો.

15 આબીબ માસ, એટલે જે માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા તેમાં, મેં તમને આપેલી આજ્ઞા પ્રમાણે ખમીરરહિત રોટલીનું પર્વ ઊજવો. પર્વના સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. વળી, તમે મારી ભક્તિ કરવા આવો, તો અર્પણો લીધા વિના આવશો નહિ.

16 “તમારા ખેતરમાં વાવેલું પાકે ત્યારે પાકના પ્રથમ ઉતારથી તમે કાપણીનું પર્વ ઊજવો. “પાનખર ઋતુમાં તમે તમારી વાડીઓમાંથી ફળ એકઠાં કરો ત્યારે સંગ્રહપર્વ પાળો.

17 “દર વરસે આ ત્રણે પર્વો વખતે તમારા સર્વ પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરવા આવવું.

18 “જ્યારે તમે મને પ્રાણીનું બલિદાન ચડાવો ત્યારે તેની સાથે ખમીરવાળી રોટલીનું અર્પણ કરશો નહિ. આ પર્વો દરમ્યાન મને ચડાવવામાં આવતાં પ્રાણીઓની ચરબી બીજા દિવસની સવાર સુધી રાખી મૂકશો નહિ.

19 “દર વરસે તમારી કાપણીનું પ્રથમ ફળ તમારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવો. “ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફશો નહિ.


વચનો અને સૂચનો

20 “તમને મુસાફરીમાં સંભાળવા અને મેં તૈયાર કરેલી જગ્યામાં તમને લઈ જવા હું તમારી આગળ મારા દૂતને મોકલું છું.

21 તેની વાત પર ધ્યાન આપજો અને તેની આજ્ઞા માનજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ. કારણ, મેં તેને મોકલ્યો છે અને તે આવા કોઈ બળવાની ક્ષમા આપશે નહિ.

22 પરંતુ તમે જો તેની આજ્ઞા માનશો અને મારી આજ્ઞા પ્રમાણે બધું કરશો તો હું તમારા સર્વ દુશ્મનોની સાથે લડીશ.

23 મારો દૂત તમારી આગળ જશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જશે અને હું તેમનો નાશ કરીશ.

24 તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.

25 જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરશો તો હું તમારાં અન્‍નજળ પર આશિષની વૃષ્ટિ કરીશ. વળી, હું તમારી સર્વ બીમારીઓ દૂર કરીશ.

26 તમારા દેશમાં કોઈ સ્ત્રીને કસુવાવડ થશે નહિ કે કોઈ વંધ્યા રહેશે નહિ. હું તમને દીર્ઘાયુષ્ય આપીશ.

27 “જે પ્રજા તમારો વિરોધ કરશે તેમને હું ભયભીત કરીશ. હું તમારા સર્વ દુશ્મનોને તમારી આગળથી નસાડી મૂકીશ.

28 તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ હું હિવ્વીઓને, કનાનીઓને અને હિત્તીઓને ભમરીઓ મોકલીને હાંકી કાઢીશ.

29 હું તેમને એક જ વર્ષમાં હાંકી કાઢીશ નહિ; જો હું એવું કરું તો તો દેશ ઉજ્જડ થઈ જાય અને તમારી સામે હિંસક પશુઓ ખૂબ વધી જાય.

30 એને બદલે, તમે દેશનો સંપૂર્ણ વારસો લઈ લેવા આગળ વધતા રહો તેમ હું તેમને ધીમે ધીમે હાંકી કાઢીશ.

31 “હું તમારા દેશની સરહદ અકાબાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને રણપ્રદેશથી યુફ્રેટિસ નદી સુધી વિસ્તારીશ. હું દેશના રહેવાસીઓ પર પ્રબળ થઈશ. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમને હાંકી કાઢશો.

32 તમે તેમની સાથે અથવા તેમના દેવો સાથે કંઈ સંધિ-કરાર કરશો નહિ.

33 તે લોકોને તમારા દેશમાં રહેવા દેશો નહિ; જો તમે તેમને રહેવા દેશો તો તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવશે. જો તમે તેમના દેવોની પૂજા કરશો તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan