Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 22 - પવિત્ર બાઇબલ C.L.


મૂલ્ય ચૂકવવા સંબંધીના કાયદા

1 “જો કોઈ માણસ બળદ અથવા ઘેટું ચોરી લે અને પછી તેને મારી નાખે કે વેચી દે તો તેણે એક બળદના બદલામાં પાંચ બળદ અને એક ઘેટાના બદલામાં ચાર ઘેટાં પાછા આપવાં.

2-4 પોતે કરેલી ચોરીને બદલે તેણે દંડ ચૂકવવો. એ ચૂકવવા તેની પાસે કંઈ ન હોય તો ચોરીનો દંડ ભરવા માટે તેણે પોતાને દાસ તરીકે વેચવો. જો ચોરી કરેલ બળદ અથવા ઘેટું જીવતાં મળે તો એકના બદલામાં બે પ્રાણી પાછાં આપવાં. “જો કોઈ ચોર ઘરમાં રાત્રે ખાતર પાડતાં પકડાઈ જાય અને માર મારતાં મરી જાય તો તેને મારી નાખનાર તેના ખૂન માટે જવાબદાર નથી. પરંતુ સૂર્યોદય પછી દિવસ દરમ્યાન એવું બને તો મારનાર વ્યક્તિ ખૂન માટે જવાબદાર છે.

5 “જો કોઈ પોતાનું ઢોર બીજા કોઈના ખેતરમાં અથવા દ્રાક્ષવાડીમાં છૂટું મૂકે અને તે ઢોર તેની ઊપજ ખાઈ જાય તો ઢોરનો માલિક પોતાના ખેતર અથવા દ્રાક્ષવાડીની સૌથી ઉત્તમ પેદાશમાંથી નુક્સાની ભરી આપે.

6 “જો કોઈ પોતાના ખેતરમાં આગ સળગાવે અને તે આગ બીજાના ખેતરમાં ફેલાય અને તેનો ઊભો પાક, કાપેલો પાક અથવા સંગ્રહ કરેલા પૂળા બળી જાય તો આગ સળગાવનાર તે નુક્સાની ભરી આપે.

7 “જો કોઈ માણસ બીજાના પૈસા કે કિંમતી વસ્તુઓ સાચવવા માટે રાખે અને તેના ઘરમાંથી તે ચોરાઈ જાય, અને જો ચોર પકડાય તો ચોર તે માણસને બમણું પાછું આપે.

8 પરંતુ ચોર ન પકડાય તો થાપણ સાચવનાર માણસને પવિત્રસ્થાનમાં ઈશ્વરની સમક્ષ લાવવામાં આવે અને તે ત્યાં શપથ લે કે તેણે પોતે પેલા માણસની થાપણ ચોરી નથી.

9 “મિલક્ત અંગેના વિવાદમાં, પછી તે ઢોરઢાંક, ગધેડાં, ઘેટાં, વસ્ત્રો અથવા ખોવાયેલી બીજી કોઈપણ વસ્તુ સંબંધીનો હોય અને બે વ્યક્તિઓ તે મિલક્ત સંબંધી દાવો કરતી હોય તો તેમને પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ લાવવામાં આવે. ઈશ્વર જેને દોષિત જાહેર કરે તે વ્યક્તિ બીજી વ્યક્તિને બમણું પાછું આપે.

10 “જો કોઈ માણસ બીજાનું ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ ઢોર સાચવવા રાખે અને તે ઢોર મરી જાય અથવા તેને ઇજા થાય અથવા તેને કોઈ ઉપાડી જાય અને કોઈ સાક્ષી ન હોય;

11 તો તે માણસ પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ જાય અને શપથ લે કે તેણે પેલા માણસનું ઢોર ચોર્યું નથી. જો ઢોર ચોરાયું ન હોય તો માલિક તેનું નુક્સાન સ્વીકારી લે અને પેલા માણસે તેને ભરપાઈ કરવાની જરૂર નથી.

12 પણ ઢોર ચોરાયું હોય તો સાચવનારે ઢોરના માલિકને નુક્સાન ભરી આપવું.

13 જો તે ઢોરને હિંસક પ્રાણીઓએ ફાડી ખાધું હોય તો તે માણસ ઢોરના બચેલાં અંગો રજુ કરે; એવા ઢોર માટે તેણે માલિકને નુક્સાન ભરી આપવાની જરૂર નથી.

14 “જો કોઈ માણસ બીજા પાસેથી ઢોર ઉછીનું લે અને ઢોરને તેના માલિકની ગેરહાજરીમાં ઇજા થાય અથવા તે મરી જાય તો તેને ઉછીનું લેનાર માણસ તેની નુક્સાની ભરી આપે.

15 પરંતુ ઢોરના માલિકની હાજરીમાં એવું બને તો પેલા માણસે નુક્સાન ભરપાઈ કરવાની જરૂર નથી. પરંતુ તે ઢોર ભાડે લેવાયું હોય તો નુક્સાની વળી ગયેલી સમજવી.


નૈતિક અને ધાર્મિક કાયદાઓ

16 “જો કોઈ પુરુષ સગાઈ કર્યા વગરની કુમારિકાને ફસાવીને તેની સાથે સમાગમ કરે તો તેણે દહેજની રકમ આપીને તેની સાથે લગ્ન કરવાં.

17 પરંતુ કન્યાને તેનો પિતા એ પુરુષ સાથે લગ્નની મના કરે તો તે પુરુષે કન્યાના પિતાને એ રકમ ચૂકવવી.

18 “જો કોઈ સ્ત્રી જાદુક્રિયા કરતી હોય તો તેને મારી નાખવી.

19 “જો કોઈ વ્યક્તિ પશુ સાથે સમાગમ કરે તો તેને મારી નાખવી.

20 “પ્રભુ, એટલે મારા સિવાય બીજા કોઈ દેવને અર્પણ ચડાવનારને તમારે મારી નાખવો.

21 તમારી સાથે વસતા પરદેશીને તમે પરેશાન ન કરો અથવા તેના પર જુલમ ન ગુજારો. યાદ રાખો કે તમે પણ ઇજિપ્તમાં પરદેશી હતા.

22 વિધવા અથવા અનાથને દુ:ખ ન દો.

23 જો તમે તેમને દુ:ખ દેશો અને તેઓ મને મદદને માટે પોકારશે ત્યારે હું પ્રભુ તેમને પ્રત્યુત્તર આપીશ.

24 હું તમારા પર ક્રોધાયમાન થઈશ અને તમારો તલવારથી તમારી સંહાર કરી નાખીશ. પત્ની વિધવા બનશે અને તમારાં સંતાનો નબાપાં બનશે.

25 “જો તમે મારા લોકમાંથી કોઈ ગરીબને નાણાં ધીરો તો તમે તેની સાથે ધીરધાર કરનારના જેવું વર્તન ન દાખવશો. અને તેની પાસેથી વ્યાજ ન લેશો.

26 જો તમે કોઈનું વસ્ત્ર ગીરવે રાખો તો સૂર્યાસ્ત પહેલાં તે તેને પાછું આપો.

27 કારણ, તેની પાસે એક જ વસ્ત્ર છે. એ જ વસ્ત્ર તે પહેરે છે અને એ જ તે ઓઢે છે. તેની પાસે ઓઢીને સૂવાનું બીજું વસ્ત્ર જ કયાં છે? તેથી જ્યારે તે મને મદદને માટે પોકાર કરે ત્યારે હું તેનું સાંભળીશ. કારણ, હું કૃપાળુ છું.

28 “ઈશ્વરની નિંદા ન કરો અને લોકોના આગેવાનોને શાપ ન દો.

29 “જ્યારે તમારું અનાજ પાકે અને દ્રાક્ષ તથા ઓલિવ ફળ પિલાય ત્યારે તેમાંથી તમે મને અર્પણ ચડાવો. “તમારા પ્રથમજનિત પુત્રોનું મને સમર્પણ કરો.

30 તમારાં ઢોર અને તમારાં ઘેટાંના પ્રથમજનિત બચ્ચાંનું મને અર્પણ કરો. પ્રથમજનિત નર સાત દિવસ સુધી પોતાની મા સાથે રહે, પરંતુ આઠમે દિવસે તમે મને તેમનું અર્પણ કરો.

31 “તમે મારા લોક છો; તેથી તમારે હિંસક પશુઓએ ફાડી ખાધેલા ઢોરનું માંસ ખાવું નહિ; એને કૂતરાંને નાખી દો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan