Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 21 - પવિત્ર બાઇબલ C.L.


દાસ પ્રત્યેનો વ્યવહાર
( પુન. 15:12-18 )

1 “તું ઇઝરાયલી લોકોને આ નિયમો જણાવ:

2 જો તમે કોઈ હિબ્રૂ માણસને દાસ તરીકે ખરીદો તો તે છ વરસ સુધી તારી સેવા કરે, અને સાતમે વરસે તારે તેને વિનામૂલ્યે મુક્ત કરવો.

3 તે દાસ તરીકે અપરણીત આવ્યો હોય, તો પોતાની પત્ની સહિત છૂટો ન થાય. પણ જો તે લગ્ન કરીને આવ્યો હોય તો તેની સાથે તેની પત્ની પણ મુક્ત થઈને જાય.

4 જો તેના માલિકે તેને પત્ની કરાવી આપી હોય અને એ પત્નીથી તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય તો તે સ્ત્રી તથા તેના બાળકો માલિકનાં છે, તેથી તે દાસ એકલો જ છૂટો થાય.

5 પરંતુ જો તે દાસ સ્પષ્ટ કહે કે તે પોતાના માલિક પર, પોતાની પત્ની પર તથા પોતાનાં સંતાનો પર પ્રેમ કરે છે અને મુક્ત થવા માગતો નથી,

6 તો પછી તેને ઈશ્વરની આગળ લઈ જવો. ત્યાં ભક્તિસ્થાનમાં તેને દ્વાર આગળ બારસાખ સરસો ઊભો રાખી તેનો કાન વીંધવો. તે પછી તે હંમેશના માટે તેના માલિકનો દાસ બનશે.

7 “જો કોઈ માણસે પોતાની પુત્રીને દાસી તરીકે વેચી હોય તો તેને દાસની જેમ મુક્ત કરવામાં ન આવે.

8 માલિકે તેને પોતાની પત્ની થવા માટે રાખી હોય અને પછી તે તેને પસંદ ન પડે તો તે સ્ત્રીના પિતા પાસેથી મૂલ્ય લઈને તેને મુક્ત કરવી. માલિક તેને કોઈ પારકાને વેચી શકે નહિ, કારણ, તેણે તેની સાથે બેવફાઈ કરી છે.

9 જો કોઈ માણસ પોતાના પુત્ર માટે કોઈ દાસી ખરીદે તો તેણે તેની સાથે પુત્રી જેવો વ્યવહાર રાખવો.

10 જો કોઈ પુરુષ બીજી પત્ની કરે, તો તે તેની પ્રથમ પત્નીને મળવાપાત્ર ખોરાક, વસ્ત્ર તથા પત્ની તરીકેના તેના બીજા હકમાં ઘટાડો કરી શકે નહિ.

11 જો તે તેના પ્રત્યે આ ફરજો બજાવી ન શકે તો તેણે તેને વિનામૂલ્ય મુક્ત કરવી.


હિંસક કાર્યોને લગતા કાયદા

12 “જે કોઈ માણસને મારી નાખે તેને નિશ્ર્વે મારી નાખવો.

13 પરંતુ મારી નાખવાનો ઈરાદો ન હોય પણ આકસ્મિક રીતે કોઈ બીજાને મારી નાખે તો ખૂન કરનાર વ્યક્તિ માટે હું જે સ્થાન પસંદ કરું ત્યાં તે નાસી જાય. ત્યાં તે સલામત રહેશે.

14 પરંતુ કોઈ માણસ ગુસ્સે ભરાઈને કોઈને મારી નાખે તો તેને નિશ્ર્વે મારી નાખવો; પછી તે રક્ષણને માટે મારી યજ્ઞવેદી પાસે દોડી આવે તો તેને ત્યાંથી કાઢીને પણ મારી નાખવો.

15 “જે કોઈ પોતાના પિતાને અથવા માતાને મારે તેને ચોક્કસ મારી નાખવો.

16 “જો કોઈ માણસ બીજાને વેચી નાખવા અથવા પોતાના દાસ તરીકે રાખવા ચોરીછૂપીથી ઉપાડી જાય તો તેવા મનુષ્યહરણ કરનારને મારી નાખવો.

17 “જે કોઈ પોતાના પિતાને અથવા માતાને શાપ દે તેને જરૂર મારી નાખવો.

18-19 “ઝઘડો થયો હોય ત્યારે એક માણસ બીજાને પથ્થર અથવા પોતાના મુક્કાથી મારે પરંતુ તે માણસ મરી ન જાય તો મારનાર માણસ સજાપાત્ર ન ઠરે. પણ માણસ ઘાયલ થવાથી તેને પથારીવશ રહેવું પડે, અને પાછળથી તે લાકડીના ટેકે હરીફરી શકે તો મારનાર વ્યક્તિ સમયની નુક્સાની ભરી આપે અને સારવારનો ખર્ચ ભોગવે.

20 “જો કોઈ માણસ પોતાના દાસ અથવા દાસીને લાકડીથી મારે અને તેથી તે સ્થળ પર જ મૃત્યુ પામે તો મારનારને સજા કરવી.

21 પણ જો તે એક કે બે દિવસ પછી મૃત્યુ પામે તો તેનો માલિક સજાપાત્ર ન ઠરે. કારણ, તે પોતાની મિલક્ત ગુમાવે એટલી સજા તેના માટે પૂરતી છે.

22 “માણસો લડતા હોય ત્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીને ઇજા થવાથી ગર્ભપાત થઈ જાય, પરંતુ તે સ્ત્રીને બીજી કોઈ ઇજા ન થાય તો તે સ્ત્રીનો પતિ ઠરાવે અને ન્યાયાધીશો તેને મંજૂરી આપે તેટલી નુક્સાની ઇજા પહોંચાડનાર વ્યક્તિ ભરી આપે.

23 પરંતુ તે સ્ત્રીને જો કંઈ ઈજા થાય તો આ પ્રમાણે સજા કરવી: જીવને બદલે જીવ,

24 આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,

25 ડામને બદલે ડામ, ઘાને બદલે ઘા અને સોળને બદલે સોળ- એ રીતે બદલો વાળવો.

26 “જો કોઈ માણસ પોતાના દાસ અથવા દાસીને આંખ પર મારીને તેની આંખ ફોડી નાખે તો આંખના મૂલ્ય તરીકે તેને મુક્ત કરે.

27 જો તે તેનો દાંત તોડી નાખે તો દાંતના મૂલ્ય તરીકે તેને તે મુક્ત કરે.


માલિકોની જવાબદારી

28 “જો કોઈ બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને શિંગડું મારીને મારી નાખે તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેનું માંસ ખાવું નહિ; પણ તેનો માલિક સજાપાત્ર ન ઠરે.

29 પરંતુ બળદને લોકોને શિંગડું મારવાની આદત હોય અને તેના માલિકને ચેતવણી આપવામાં આવી હોય પણ તેણે તેને બાંધવાની કાળજી રાખી ન હોય તો તે બળદને પથ્થરે મારવો અને તેના માલિકને પણ મારી નાખવો.

30 છતાં માલિકને પોતાનો જીવ બચાવવા દંડ ભરવા દેવામાં આવે તો તેણે નિયત દંડ પૂરેપૂરો ભરી આપવો.

31 બળદ કોઈ છોકરાને કે છોકરીને મારી નાખે તો પણ આ જ કાયદો લાગુ પડે છે.

32 જો બળદ કોઈ દાસ અથવા દાસીને મારી નાખે તો બળદનો માલિક દાસના માલિકને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવે અને તે બળદ પથ્થરે માર્યો જાય.

33 “જો કોઈ માણસ ખાડા પરનું ઢાંકણ ખસેડી નાખે અથવા ખાડો ખોદીને તેને ઢાંકે નહિ અને તેમાં બળદ કે ઘેટું પડીને મરી જાય,

34 તો માણસે તે પ્રાણીની કિંમત ચૂકવવી. તેણે તે રકમ પ્રાણીના માલિકને ચૂકવવી અને મરેલું પ્રાણી તેનું થાય.

35 જો કોઈનો બળદ બીજાના બળદને મારી નાખે તો તે બે માણસો જીવતા બળદને વેચીને તેના પૈસા વહેંચી લે. વળી, તેઓ મરી ગયેલા બળદનું માંસ પણ વહેંચી લે.

36 પરંતુ બળદને હુમલો કરવાની આદત હતી તેવું જાણમાં હોય અને તેનો માલિક તેને બાંધી રાખતો ન હોય તો તે બીજા માણસને જીવતો બળદ આપીને તેની નુક્સાની ભરી આપે, પણ મરી ગયેલું પ્રાણી તેનું થાય.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan