નિર્ગમન 20 - પવિત્ર બાઇબલ C.L.દસ આજ્ઞાઓ ( પુન. 5:1-21 ) 1 પછી ઈશ્વર આ સર્વ આજ્ઞાઓ બોલ્યા: 2 “તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું. 3 “મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો. 4 “તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો. 5 તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું; 6 પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું. 7 “તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી. 8 “સાબ્બાથદિન યાદ રાખીને તેની પવિત્રતા જાળવો. 9 છ દિવસ તમે શ્રમપૂર્વક તમારાં બધાં કામ કરો, 10 પરંતુ સાતમો દિવસ તો મારે માટે અલગ કરેલો સાબ્બાથદિન છે. તમે, તમારાં સંતાનો, તમારાં દાસદાસી, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં રહેનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરે. 11 મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો. 12 “તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય. 13 “તમે ખૂન ન કરો. 14 “તમે વ્યભિચાર ન કરો. 15 “તમે ચોરી ન કરો. 16 “તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો. 17 “તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેનાં દાસદાસીઓનો, તેનાં ઢોરઢાંકનો, તેનાં ગધેડાંનો અથવા તેની માલિકીની કોઈપણ વસ્તુનો લોભ ન રાખો.” લોકો ભયભીત થયા ( પુન. 5:22-33 ) 18 “જ્યારે લોકોએ ગર્જના તથા રણશિંગડાનો અવાજ સાંભળ્યો અને પર્વત પર વીજળી અને ધૂમાડો જોયાં ત્યારે તેઓ બીકથી ધ્રૂજી ઊઠયા અને પર્વતથી દૂર ઊભા રહ્યા. 19 તેમણે મોશેને કહ્યું, “જો તું અમારી સાથે વાત કરશે તો અમે તારું સાંભળીશું, પરંતુ ઈશ્વર પોતે અમારી સાથે સીધા વાત ન કરે, નહિ તો અમે ચોક્કસ માર્યા જઈશું.” 20 મોશેએ કહ્યું, “ગભરાશો નહિ; કારણ, ઈશ્વર માત્ર તમારી ક્સોટી કરવા જ આવ્યા છે; જેથી તમે તેમનો ડર રાખો અને પાપ ન કરો.” 21 પરંતુ લોકો પર્વતથી ઘણે દૂર ઊભા રહ્યા અને ફક્ત મોશે જ જેમાં ઈશ્વર હતા તે ગાઢ વાદળ પાસે ગયો. વેદી સંબંધી નિયમો 22 પ્રભુએ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહેવા મોશેને આજ્ઞા કરી: “મેં પ્રભુએ તમારી સાથે આકાશમાંથી વાત કરી છે તે તમે પોતે જોયું છે. 23 મારી ભક્તિ કરવાની સાથે સાથે તમે ભક્તિ કરવા પોતાને માટે સોનારૂપાના દેવો ઘડશો નહિ. 24 મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ. 25 જો તમે મારે માટે પથ્થરની વેદી બનાવો તો ઘડેલા પથ્થરની ન બનાવશો. કારણ, પથ્થર પર છીણી વાપરવાથી તમે તે પથ્થરને મારે માટે નિરુપયોગી બનાવો છો. 26 વળી, તમે વેદી ઉપર સીડી દ્વારા ચડશો નહિ; કારણ, એમ કરવા જતાં કદાચ તમારી નગ્નતા દેખાય.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide