નિર્ગમન 2 - પવિત્ર બાઇબલ C.L.મોશેનો જન્મ અને ઉછેર 1 એ અરસામાં લેવીકુળના એક પુરુષે પોતાના જ કુળની એક કન્યા સાથે લગ્ન કર્યાં. તે સ્ત્રીને ગર્ભ રહ્યો. 2 અને તેને પુત્ર જન્મ્યો. આ છોકરો ખૂબ સુંદર હતો. તેથી તેણે તેને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો. 3 પણ પછી તેને વધારે સમય સંતાડી રાખવાનું અશકાય હોવાથી તેણે તેને માટે નેતરની ટોપલી લઈને તેને ચીકણી રાળ અને ડામરથી લીંપી લીધી. પછી છોકરાને તેમાં મૂકીને તેને નદીકાંઠાના બરુઓ મધ્યે મૂકી આવી. 4 તેનું શું થાય છે તે જોવા માટે તેની બહેન દૂર ઊભી રહી. 5 એવામાં ફેરોની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ફરતી હતી. અચાનક કુંવરીએ બરુઓ મધ્યે પેલી ટોપલી જોઈ. તેણે તે લઈ આવવા પોતાની એક દાસીને મોકલી. 6 કુંવરીએ ટોપલી ખોલીને જોયું તો તેમાં એક છોકરો રડતો હતો. તેને તે છોકરા પર દયા આવી. તે બોલી, “જરૂર, આ કોઈ હિબ્રૂનો છોકરો છે.” 7 ત્યારે છોકરાની બહેને ફેરોની પુત્રીને કહ્યું, “આ છોકરાની સંભાળ લેવા હું કોઈ હિબ્રૂ ધાવને બોલાવી લાવું? તે તમારે માટે આને ધવડાવીને ઉછેરશે.” 8 ફેરોની પુત્રીએ કહ્યું, “જા.” તેથી તે છોકરી છોકરાની માતાને બોલાવી લાવી. 9 પછી ફેરોની પુત્રીએ તે સ્ત્રીને કહ્યું, “આ છોકરાને લઈ જા. તેને મારા તરફથી ધવડાવીને ઉછેરજે અને હું તને તે માટે પગાર આપીશ.” તેથી તે સ્ત્રી તે છોકરાને લઈ ગઈ અને તેને ધવડાવીને ઉછેર્યો. 10 તે છોકરો વૃદ્ધિ પામ્યો અને તે સ્ત્રી તેને ફેરોની પુત્રી પાસે લાવી અને તે ફેરોની પુત્રીનો પુત્ર બન્યો. “મેં તેને પાણીમાંથી ખેંચી કાઢયો છે,” એમ કહીને તેણે તેનું નામ મોશે (અર્થાત્ ખેંચી કાઢેલો) પાડયું. મોશેનું મિદ્યાનમાં નાસી છૂટવું 11 મોશે મોટો થયો. ત્યારે એકવાર પોતાના લોકોને મળવા તેમની પાસે ગયો. ત્યાં તેણે તેમના પર જુલમ થતો જોયો. તેણે એક ઇજિપ્તીને પોતાના હિબ્રૂ જાતભાઈને મારી નાખતાં પણ જોયો. 12 તેણે આસપાસ નજર ફેરવી અને કોઈને ન જોતાં પેલા ઇજિપ્તીને મારી નાખીને તેનો મૃતદેહ રેતીમાં સંતાડી દીધો. 13 પછી બીજે દિવસે તે ફરવા નીકળ્યો ત્યારે બે હિબ્રૂઓને એકબીજા સાથે લડતા જોયા. મોશેએ વાંક કરનાર માણસને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?” 14 તેણે કહ્યુ, “કોણે તને અમારા પર શાસક કે ન્યાયાધીશ બનાવ્યો છે? તેં જેમ પેલા ઇજિપ્તીને મારી નાખ્યો તેમ તું મને પણ મારી નાખવા માગે છે?” તેથી મોશે ગભરાઈ ગયો. તે બોલ્યો, “ચોક્કસ આ વાતની બધે ખબર પડી ગઈ છે.” 15 જ્યારે ફેરોને એ વાતની જાણ થઈ ત્યારે તેણે મોશેને મારી નાખવા પ્રયાસ કર્યો. પણ મોશે ફેરો પાસેથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એકવાર તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો. 16 એવામાં મિદ્યાનના યજ્ઞકારની સાત પુત્રીઓ ત્યાં આવી. તેમણે પોતાના પિતાના ઘેટાંબકરાંને પીવડાવવા પાણી ખેંચીને હવાડા ભર્યા. 17 ત્યારે કેટલાક ભરવાડો આવીને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મોશેએ ઊઠીને તેમને મદદ કરી અને તેમનાં ટોળાંને પાણી પણ પાયું. 18 તેઓ પોતાના પિતા રેઉએલ પાસે પાછી આવી ત્યારે તેણે પૂછયું, “તમે આજે આટલાં વહેલાં કેવી રીતે આવ્યાં?” 19 ત્યારે તેમણે કહ્યું, “એક ઇજિપ્તીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી. વળી, તેણે અમારે માટે પાણી ખેંચીને ટોળાંને પણ પાયું.” 20 રેઉએલે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? તમે એ માણસને મૂકી દઈને કેમ આવ્યાં? તેને જમવા માટે બોલાવી લાવો.” 21 એમ મોશે એ માણસને ત્યાં રાજીખુશીથી રહ્યો. રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાનાં લગ્ન મોશે સાથે કરાવ્યાં. 22 સિપ્પોરાને એક પુત્ર જન્મ્યો. “હું પરદેશમાં પ્રવાસી છું.” એમ કહીને મોશેએ તેનું નામ ગેર્શોમ (પરદેશી) પાડયું. 23 ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા. 24 તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. ઈશ્વરે તેમના નિસાસા સાંભળ્યા અને અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબ સાથે કરેલો પોતાનો કરાર તેમણે યાદ કર્યો. 25 ઈશ્વરે ઇઝરાયલીઓની ગુલામીની દશા જોઈ અને તેમણે તેમની દરકાર કરી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide