Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 19 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલીઓ સિનાઈ પર્વત પાસે

1-2 ઇઝરાયલીઓ રફીદીમ- માંથી નીકળ્યા, અને ઇજિપ્તમાંથી નીકળ્યાને ત્રીજા માસને પ્રથમ દિવસે તેઓ સિનાઈના રણપ્રદેશમાં આવ્યા. તેમણે સિનાઈ પર્વતની તળેટીમાં પડાવ નાખ્યો.

3 મોશે ઈશ્વરને મળવા સિનાઈ પર્વત પર ગયો. પ્રભુએ પર્વત પરથી મોશે સાથે બોલતાં કહ્યું, “યાકોબના વંશજો, એટલે ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે:

4 ‘મેં પ્રભુએ ઇજિપ્તીઓની જે દશા કરી તે તમે તમારી નજરે જોઈ છે. વળી, જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે તેમ હું તમને ઉપાડીને મારી પાસે લાવ્યો છું.

5 હવે જો તમે મને આધીન થશો અને મારો કરાર પાળશો તો તમે મારા અતિ મૂલ્યવાન લોક બની રહેશો. કારણ, સમસ્ત પૃથ્વી મારી છે.

6 વળી, તમે મારા રાજપદ નીચે સેવા કરનાર યજ્ઞકારો તરીકે મારું રાજ્ય તથા મને સમર્પિત થયેલા લોક બની રહેશો.”

7 તેથી મોશેએ નીચે જઈને લોકોના સર્વ આગેવાનોને એકત્ર કર્યા અને પ્રભુએ તેને આપેલી સર્વ આજ્ઞા કહી સંભળાવી.

8 ત્યારે લોકોએ એકીસાથે કહ્યું, “પ્રભુએ આપેલી સર્વ આજ્ઞાઓ અમે પાળીશું આજ્ઞાઓ.” મોશેએ જઈને લોકોની એ વાત પ્રભુને જણાવી.

9 પ્રભુએ મોશેને કહ્યું, “હું તારી પાસે ગાઢ વાદળમાં આવીશ; જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે અને તારા કહેવા પર હમેશાં વિશ્વાસ કરે.” મોશેએ પ્રભુને લોકોનો પ્રત્યુત્તર જણાવ્યો એટલે પ્રભુએ કહ્યું,

10 “લોકો પાસે જઈને તેમને કહે કે તેઓ આજે અને કાલે પોતાને ભક્તિ માટે શુદ્ધ કરે. વળી, તેઓ પોતાનાં વસ્ત્ર ધૂએ

11 અને ત્રીજા દિવસ માટે તૈયાર થાય. કારણ, તે દિવસે લોકો મને જુએ એ રીતે હું પર્વત પર ઊતરીશ.

12 તું લોકોને માટે પર્વતની ચારે બાજુએ હદ ઠરાવજે અને તેમને કહેજે કે કોઈ પર્વત પર ચડે નહિ કે તેની નજીક પણ ન આવે. જો કોઈ પર્વતને અડકે તો તે નિશ્ર્વે માર્યો જાય. તમારે તેવા માણસનો સ્પર્શ ન કરવો.

13 પણ તેને પથ્થરે મારવો અથવા તીરથી વીંધી નાખવો. માણસો અને પશુઓ સૌને આ લાગુ પડશે. એવાંને તમારે મારી નાખવાં. છતાં લોકો જ્યારે રણશિંગડું વાગે ત્યારે પર્વત પાસે આવે.”

14 પછી મોશેએ પર્વત પરથી નીચે આવીને લોકોને ભક્તિ માટે શુદ્ધ થવા કહ્યું. તેણે તેમને શુદ્ધ કર્યા અને તેમણે પોતાનાં વસ્ત્ર ધોયાં.

15 મોશેએ તેમને કહ્યું, “ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ. દરમ્યાનમાં, સ્ત્રીસમાગમથી દૂર રહેજો.”

16 ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.

17 પછી ઈશ્વરને મળવા માટે મોશે બધા લોકોને છાવણીમાંથી બહાર લાવ્યો. તેઓ સૌ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા.

18 આખો સિનાઈ પર્વત ધુમાડાથી છવાઈ ગયો. કારણ, પ્રભુ પર્વત પર અગ્નિ દ્વારા ઊતર્યા હતા. તે ધૂમાડો ભઠ્ઠીના ધૂમાડાની જેમ ઉપર ચડતો હતો. આખો પર્વત કંપી ઊઠયો.

19 રણશિંગડાનો અવાજ વધારે ને વધારે મોટો થતો ગયો. ત્યારે મોશે બોલ્યો અને પ્રભુએ તેને ગર્જના દ્વારા ઉત્તર આપ્યો.

20 પ્રભુ સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યા અને મોશેને પર્વતના શિખર પર બોલાવ્યો. તેથી મોશે પર્વત પર ચડી ગયો.

21 પ્રભુએ મોશેને કહ્યું, “નીચે જઈને લોકોને ચેતવણી આપ કે તેઓ સીમા ઓળંગીને મને જોવા માટે નજીક ન આવે; જો તેમ કરશે તો ઘણા મૃત્યુ પામશે.

22 વળી, જે યજ્ઞકારો મારી પાસે આવે તેઓ પણ પોતે શુદ્ધ થઈને આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”

23 મોશેએ પ્રભુને કહ્યું, “લોકો પર્વત પાસે આવી શકે તેમ નથી. કારણ, તમે અમને પર્વતની ચારે બાજુએ સીમા ઠરાવી તેને પવિત્ર રાખવા આજ્ઞા આપી છે.”

24 પ્રભુએ કહ્યું, “નીચે જઈને તારી સાથે આરોનને લઈ આવ. પરંતુ યજ્ઞકારો અને લોકો સીમા ઓળંગીને મારી પાસે ન આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”

25 પછી મોશેએ નીચે જઈને એ વાત લોકોને કહી સંભળાવી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan