નિર્ગમન 18 - પવિત્ર બાઇબલ C.L.યિથ્રો અને મોશેની મુલાકાત 1 હવે ઈશ્વરે મોશે માટે તથા ઇઝરાયલી લોકો માટે જે જે કર્યું હતું તે બધું તથા તેમણે કેવી રીતે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તે બધું મોશેના સસરા, એટલે મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોએ સાંભળ્યું. 2-3 તેથી યિથ્રો મોશેની પત્ની સિપ્પોરા તથા તેના બન્ને પુત્રોને લઈને આવ્યો. કારણ, મોશેએ તેમને મિદ્યાનમાં જ રાખ્યા હતા. 4 મોશેએ કહ્યું હતું, “હું અજાણ્યા દેશમાં પરદેશી થયો છું.” તેથી તેણે એક પુત્રનું નામ ગેર્શોમ (પરદેશી) પાડયું હતું. તેણે એવું પણ કહ્યું, “મારા પિતાના ઈશ્વરે મને સહાય કરીને ફેરોની તલવારથી બચાવ્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એલિએઝેર (ઈશ્વર મારા મદદગાર) પાડયું. 5 યિથ્રો મોશેની પત્ની તથા તેના બન્ને પુત્રોને લઈને ઈશ્વરના પર્વત પાસે જ્યાં મોશેની છાવણી હતી ત્યાં રણપ્રદેશમાં મોશે પાસે આવ્યો. 6 તેણે પોતાના આગમનની ખબર મોશેને મોકલી, 7 એટલે મોશે તેમને મળવા બહાર આવ્યો. મોશેએ તેને પ્રણામ કર્યા અને ચુંબન કર્યું. તેમણે એકબીજાના ખબરઅંતર પૂછયા પછી તેઓ મોશેના તંબુમાં ગયા. 8 ઇઝરાયલીઓને છોડાવવા પ્રભુએ ફેરો તથા ઇજિપ્તના લોકોના જે હાલહવાલ કર્યા હતા તે બધું મોશેએ યિથ્રોને કહ્યું. વળી, માર્ગમાં લોકોને જે કષ્ટ પડયું તથા પ્રભુએ તેમને કેવી રીતે બચાવ્યા તે પણ તેણે કહી સંભળાવ્યું. 9 પ્રભુએ ઇઝરાયલીઓને ઇજિપ્તીઓના હાથમાંથી છોડાવીને જે ભલાઈ દર્શાવી હતી તેને લીધે યિથ્રોને આનંદ થયો. 10 તેણે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ; કારણ, તેમણે પોતાના લોકોને ગુલામગીરીમાંથી છોડાવ્યા છે! 11 હવે હું જાણું છું કે પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. કારણ, ઇજિપ્તીઓ ઇઝરાયલીઓ પ્રત્યે તુમાખીભર્યો વર્તાવ કરતા હતા ત્યારે જ તેમણે તેમના પર વિજય મેળવ્યો છે.” 12 પછી યિથ્રોએ ઈશ્વરને સંપૂર્ણ દહનબલિ તથા અન્ય અર્પણો ચડાવ્યાં અને આરોન તથા ઇઝરાયલના બીજા આગેવાનો યિથ્રોની સાથે ઈશ્વરની સમક્ષ પવિત્ર ભોજન લેવા આવ્યા. ન્યાયાધીશોની નિમણૂક ( પુન. 1:9-18 ) 13 બીજે દિવસે મોશે લોકોનો ન્યાય કરવા બેઠો અને તેમાં સવારથી સાંજ સુધી રોક્યેલો રહ્યો. 14 મોશે લોકો માટે જે કામ કરતો હતો તે યિથ્રોએ જોયું ત્યારે તેણે કહ્યું, “લોકોને માટે તું આ કામ કરે છે? તું એકલો જ આ બધું કામ કરે છે અને લોકો તારી સલાહ લેવા સવારથી સાંજ સુધી તારી પાસે આવ્યા કરે છે?” 15 મોશેએ કહ્યું, “મારે આ બધું કરવું પડે છે. કારણ, લોકો ઈશ્વરની ઇચ્છા જાણવા માટે મારી પાસે આવે છે. 16 જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ વાદવિવાદ હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે. હું તેમના ઝઘડાનો નિકાલ લાવું છું અને તેમને ઈશ્વરની આજ્ઞાઓ તથા ફરમાન જણાવું છું.” 17 ત્યારે યિથ્રોએ કહ્યું, “તું આ કંઈ બરાબર કરતો નથી. 18 કારણ, આ રીતે તો તું તથા આ લોકો જલદી થાકી જશો. તારા એકલાથી આ કામનો બોજ ઉપાડી શકાય નહિ અને તું એકલો આટલું બધું કામ કરી શકે નહિ. 19 હવે મારી સલાહ માન અને ઈશ્વર તારી સહાય કરશે. તું લોકોના પ્રતિનિધિ તરીકે ઈશ્વર પાસે જાય તે બરાબર છે. તું જરૂર તેમની ફરિયાદો ઈશ્વર સમક્ષ લઈ જા. 20 વળી, તું તેમને ઈશ્વરની આજ્ઞાઓ શીખવ અને તેમણે કેવી રીતે જીવવું તથા શું કરવું તે પણ તેમને સમજાવ. 21 પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ. 22 તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરે. પ્રત્યેક અઘરો પ્રશ્ર્ન તેઓ તારી પાસે લાવે; પરંતુ નાના નાના પ્રશ્ર્નોનો તો તેઓ પોતે જ ન્યાય કરે. આમ, તારું કામ સરળ બનશે. 23 જો તું ઈશ્વરની આજ્ઞા પાળી એ પ્રમાણે કરીશ તો તું નભી શકીશ અને લોકો પણ પોતાના મનમાં સંતોષ પામીને પોતપોતાને ઘેર જશે.” 24 મોશેએ યિથ્રોની સલાહનો અમલ કર્યો. 25 અને ઇઝરાયલીઓમાંથી હોશિયાર આગેવાનો પસંદ કર્યા. તેમણે તેમને હજાર હજારના, સો સોના, પચાસ પચાસના અને દસદસના જૂથ પર આગેવાનો નીમ્યા. 26 તેઓ સર્વ પ્રસંગે લોકોના પ્રશ્ર્નોનો ન્યાય ચૂકવવાનું કામ કરતા. તેઓ જટિલ પ્રશ્ર્નો મોશે પાસે લાવતા, પણ નાના નાના પ્રશ્ર્નોનું જાતે નિરાકરણ કરતા. 27 પછી મોશેએ યિથ્રોને વિદાય આપી. યિથ્રો પોતાના દેશમાં પાછો ગયો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide