નિર્ગમન 17 - પવિત્ર બાઇબલ C.L.ખડકમાંથી પાણી ( ગણ. 20:2-13 ) 1 ઇઝરાયલનો આખો સમાજ સીનના રણપ્રદેશમાં નીકળીને પ્રભુની આજ્ઞાનુસાર એક સ્થળેથી બીજે સ્થળે મુસાફરી કરતાં કરતાં આગળ વધ્યો. પછી તેમણે રફીદીમમાં પડાવ નાખ્યો. પણ ત્યાં લોકોને પીવા માટે પાણી નહોતું. 2 તેથી લોકોએ મોશે સાથે તકરાર કરીને કહ્યું, “અમને પીવાને પાણી આપ.” મોશેએ કહ્યું, “તમે શા માટે મારી સાથે તકરાર કરો છો? તમે શા માટે પ્રભુની ક્સોટી કરો છો?” 3 પરંતુ લોકોને ખૂબ તરસ લાગી હતી. તેથી તેમણે તેમની કચકચ ચાલુ રાખી. તેમણે મોશેને કહ્યું, “તું શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો? તું શા માટે અમને, અમારાં સંતાનોને અને અમારાં ઢોરઢાંકને અહીં તરસે મારી નાખવા લાવ્યો છે?” 4 મોશેએ પ્રભુને આગ્રહથી પ્રાર્થના કરીને કહ્યું, “આ લોકો માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી ઉપર છે.” 5 પ્રભુએ મોશેને કહ્યું, “તું તારી સાથે ઇઝરાયલના કેટલાક આગેવાનોને લઈને લોકોની આગળ ચાલવા લાગ. નાઇલ નદી પર તેં જે લાકડી મારી હતી તે તારી સાથે લઈ લે. 6 જો, હું ત્યાં હોરેબ પર્વતના એક ખડક ઉપર તારી સામે ઊભો રહીશ. તું ખડકને મારજે, એટલે તેમાંથી લોકોને પીવા માટે પાણી નીકળશે.” મોશેએ ઇઝરાયલના આગેવાનોના દેખતાં તે પ્રમાણે કર્યું. 7 મોશેએ તે સ્થળનું નામ માસ્સા (ક્સોટી) અને મરીબા (તકરાર) પાડયું, કારણ, ઇઝરાયલીઓએ તકરાર કરી અને “શું પ્રભુ અમારી સાથે છે?” એમ કહીને તેમણે પ્રભુની ક્સોટી કરી. અમાલેકીઓ પર વિજય 8 અમાલેકીઓએ રફીદીમમાં આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો. 9 મોશેએ યહોશુઆને કહ્યું, “તું આપણામાંથી કેટલાક પુરુષો પસંદ કરીને આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું કાલે ઈશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.” 10 યહોશુઆ મોશેની આજ્ઞા પ્રમાણે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા ગયો. મોશે, આરોન તથા હુર પર્વતના શિખર ઉપર ગયા. 11 જ્યાં સુધી મોશે પોતાના હાથ ઊંચા રાખતો ત્યાં સુધી ઇઝરાયલીઓ વિજય પામતા, પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો ત્યારે અમાલેકીઓ જીતવા લાગતા. 12 મોશેના હાથ થાકી ગયા ત્યારે આરોન તથા હુરે મોશેને બેસવા માટે એક પથ્થર લાવીને મૂકયો, અને તેઓ તેના હાથ પકડીને બન્ને બાજુએ ઊભા રહ્યા. આમ, સૂર્યાસ્ત સુધી તેના હાથ સ્થિર રાખ્યા. 13 આ રીતે યહોશુઆએ અમાલેકીઓનો ભારે સંહાર કરીને તેમને હરાવ્યા. 14 પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.” 15 મોશેએ એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-નિસ્સી’ (યાહવે મારો વિજયધ્વજ) પાડયું. 16 તેણે કહ્યું, “પ્રભુનો વિજયધ્વજ ફરક્તો રહો! પ્રભુ હમેશા અમાલેકીઓ સાથે યુદ્ધ જારી રાખશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide