નિર્ગમન 16 - પવિત્ર બાઇબલ C.L.માન્ના અને લાવરીઓ 1 પછી ઇઝરાયલનો સમગ્ર સમાજ એલીમથી ચાલી નીકળ્યો. ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા માસના પંદરમે દિવસે તેઓ એલીમ તથા સિનાઈ પર્વત વચ્ચે આવેલા સીન નામના રણપ્રદેશમાં આવી પહોંચ્યા. 2 અહીં રણપ્રદેશમાં સર્વ ઇઝરાયલી લોકો મોશે તથા આરોન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. 3 ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.” 4 ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું તમારે માટે આકાશમાંથી ખોરાક વરસાવીશ; લોકો રોજ બહાર જઈને તે દિવસ પૂરતો ખોરાક એકઠો કરે. આ રીતે હું તેમની ક્સોટી કરીશ કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ. 5 પરંતુ છઠ્ઠે દિવસે તેઓ દરરોજના કરતાં બમણો ખોરાક એકઠો કરીને રાંધી રાખે.” 6 તેથી મોશે તથા આરોને સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “આજે સાંજે તમે જાણશો કે તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ છે. 7 સવારે તમે પ્રભુના ગૌરવને જોશો. તેમની વિરુદ્ધની તમારી કચકચ તેમણે સાંભળી છે. તમારી કચકચ તેમની વિરુદ્ધની છે; કારણ, અમારી શી વિસાત કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો?” 8 પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?” 9 મોશેએ આરોનને કહ્યું, “ઇઝરાયલના આખા સમાજને પ્રભુ આગળ હાજર થવા જણાવ; કારણ, પ્રભુએ તેમની કચકચ સાંભળી છે.” 10 આરોન ઇઝરાયલના આખા સમાજ આગળ બોલી રહ્યો હતો ત્યારે તેમણે રણપ્રદેશ તરફ દૃષ્ટિ કરી તો તેમને એકાએક પ્રભુનું ગૌરવ વાદળમાં દેખાયું. 11 પ્રભુએ મોશેને કહ્યું, “મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. 12 તેમને કહે કે સાંજે તમે માંસ ખાશો અને સવારે ધરાઈને રોટલી ખાશો; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” 13 સાંજના સમયે લાવરીઓનાં મોટાં ટોળાં આવ્યાં, અને તેમણે આખી છાવણી ઢાંકી દીધી. વળી, સવારે છાવણીની આસપાસ ઝાકળ પડયું, 14 અને જ્યારે ઝાકળ ઊડી ગયું ત્યારે રણપ્રદેશમાં જમીનની સપાટી પર હિમ જેવો બારીક, નાનો ગોળ પદાર્થ પડેલો હતો. 15 ઇઝરાયલીઓ તે જોઈને પૂછવા લાગ્યા, “માન્ના,” અર્થાત્ “આ શું છે?” કારણ, એ શું હતું તે તેઓ જાણતા નહોતા. મોશેએ તેમને કહ્યું, “આ તો પ્રભુએ તમને ખાવા માટે આપેલો ખોરાક છે. 16 પ્રભુએ આજ્ઞા આપી છે કે તમારે સૌએ તમારા તંબુમાં રહેનાર તમારા ઘરકુટુંબની જરૂરિયાતના પ્રમાણમાં સભ્યદીઠ એક ઓમેરભર એટલે લગભગ બે કિલો જેટલું એકઠું કરવું.” 17 ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું. કેટલાકે વધારે તો કેટલાકે ઓછો ખોરાક એકઠો કર્યો. 18 પરંતુ જ્યારે તેમણે તે ઓમેરથી માપ્યો, તો જેમણે વધારે ખોરાક એકઠો કર્યો હતો તેમની પાસે વધી પડયો નહિ અને જેમણે ઓછો એકઠો કર્યો તેમની પાસે ખૂટી પડયો નહિ. દરેક પાસે પોતાની જરૂરિયાત જેટલો જ ખોરાક એકઠો થયો હતો. 19 મોશેએ કહ્યું, “કોઈએ આવતી કાલ માટે ખોરાક રાખી મૂકવો નહિ.” 20 પરંતુ કેટલાકે મોશેનું કહેવું સાંભળ્યું નહિ, પણ ખોરાક રાખી મૂક્યો. બીજે દિવસે તેમાં કીડા પડયા અને ખોરાક ગંધાઈ ઊઠયો એટલે મોશે તેમના પર ગુસ્સે થયો. 21 દરરોજ સવારે પ્રત્યેક વ્યક્તિ પોતાની જરૂરિયાત જેટલો ખોરાક એકઠો કરતી; પરંતુ જ્યારે સૂર્ય તપતો ત્યારે જમીન પર પડેલો ખોરાક પીગળી જતો. 22 છઠ્ઠે દિવસે તેમણે બમણો, એટલે વ્યક્તિદીઠ ચાર કિલો જેટલો ખોરાક એકઠો કર્યો. સમાજના સર્વ આગેવાનોએ આવીને મોશેને એની જાણ કરી. 23 મોશેએ તેમને કહ્યું, “પ્રભુએ આજ્ઞા કરી છે કે આવતીકાલે વિશ્રામનો પવિત્ર દિવસ છે અને તે તો ઈશ્વરને અર્પિત સાબ્બાથ છે. તેથી આજે જે ખોરાક શેકવો હોય તે શેકી લો અને બાફવો હોય તે બાફી લો. જે કંઈ વધે તે આવતીકાલ માટે રાખી મૂકો.” 24 પછી તેમણે મોશેની આજ્ઞા અનુસાર વધેલો ખોરાક બીજા દિવસ સુધી રાખી મૂક્યો; પરંતુ તે ગંધાઈ ઊઠયો નહિ તેમ જ તેમાં એક પણ કીડો પડયો નહિ. 25 મોશેએ કહ્યું, “આ ખોરાક આજે ખાઓ. કારણ, આજે પ્રભુને અર્પિત કરેલો ‘સાબ્બાથદિન’ છે અને આજે છાવણીની બહાર તમને ખોરાક મળશે નહિ. 26 છ દિવસ તમારે ખોરાક એકત્ર કરવો પરંતુ સાતમે દિવસે એટલે વિશ્રામને દિવસે તમને કંઈ ખોરાક મળશે નહિ.” 27 સાતમે દિવસે કેટલાક લોકો ખોરાક એકઠો કરવા બહાર ગયા, પણ તેમને કંઈ ખોરાક મળ્યો નહિ. 28 પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ લોકો કયાં સુધી મારી આજ્ઞાને આધીન થવાનું નકારશે? 29 યાદ રાખો, મેં પ્રભુએ તમને સાબ્બાથદિન આપ્યો છે અને તેથી છઠ્ઠે દિવસે હું તમને બે દિવસ ચાલે તેટલો ખોરાક આપીશ. સાતમે દિવસે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ રહે અને બહાર જાય નહિ” 30 તેથી લોકોએ સાતમે દિવસે કંઈ કાર્ય કર્યું નહિ. 31 ઇઝરાયલીઓએ તે ખોરાકનું નામ “માન્ના” (આ શું છે?) પાડયું. તે સફેદ નાના દાણા જેવું હતું અને તેનો સ્વાદ મધ ચોપડેલી પોળી જેવો હતો. 32 મોશેએ કહ્યું, “પ્રભુએ આપણને આ આજ્ઞા આપી છે: ‘એક પાત્ર લઈને તેમાં બે કિલો જેટલું માન્ના ભરીને તેને તમારા વંશજો માટે સાચવી રાખો; જેથી હું તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારે મેં તમને જે ખોરાક ખવડાવ્યો તે તેઓ જોઈ શકે.” 33 પછી મોશેએ આરોનને કહ્યું, “એક પાત્ર લઈને તેમાં બે કીલો માન્ના ભર અને તેને આપણા વંશજો માટે સાચવી રાખવા પ્રભુ આગળ મૂક.” 34 પ્રભુએ મોશેને આજ્ઞા કર્યા મુજબ આરોને તેને સાચવી રાખવા માટે સાક્ષ્યલેખની કરારપેટી આગળ મૂકાયું. 35 ઇઝરાયલીઓ વસવાટના દેશ કનાનમાં પહોંચ્યા ત્યાં સુધી એટલે ચાલીસ વરસ સુધી તેમણે માન્ના ખાધું. 36 તે સમયમાં વપરાશનું નિયત માપ એફાહ આજના આશરે વીસ કીલો જેટલું હતું; અને ઓમેર તેના દસમા ભાગનું એટલે, આશરે બે કીલો જેટલું હતું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide