નિર્ગમન 15 - પવિત્ર બાઇબલ C.L.મોશેનું ગીત 1 પછી મોશે અને ઇઝરાયલીઓએ પ્રભુ આગળ આ ગીત ગાયું: “હું પ્રભુ આગળ ગાઈશ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેમના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે. 2 પ્રભુ મારું સામર્થ્ય તથા ગીત છે; તે જ મારા ઉદ્ધારક છે. તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ. તે મારા પિતાના ઈશ્વર છે; તેમની મહાનતાનાં ગુણગાન ગાઈશ. 3 પ્રભુ શૂરવીર સૈનિક છે; તેમનું નામ યાહવે છે. 4 તેમણે ફેરોના રથો અને ઇજિપ્તના લશ્કરને સમુદ્રમાં ફેંકી દીધા; તેના ચુનંદા સવારો સૂફ સમુદ્રમાં ડૂબી ગયા. 5 ઊંડા સાગરે તેમને ઢાંકી દીધા; તેઓ પથ્થરની જેમ ઊંડા પાણીમાં ડૂબી ગયા. 6 હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે. 7 ભવ્ય વિજયમાં તમે તમારા શત્રુઓને પાયમાલ કરી નાખો છો; તમારો કોપ ભભૂકી ઊઠે છે અને તેઓ ભૂસાની જેમ ભસ્મ થઈ જાય છે. 8 તમારા નસકોરાંના શ્વાસથી સમુદ્રનાં પાણી ઢગલો થઈ ગયાં, મોજાંઓ થંભીને સીધી દીવાલરૂપ બની ગયાં; સમુદ્રના ઊંડાણનાં પાણી ઘટ્ટ થઈ ગયાં. 9 દુશ્મને કહ્યું, ‘હું તેમનો પીછો કરીશ, તેમને પકડી પાડીશ; હું તેમની સંપત્તિ લૂંટીને વહેંચી લઈશ અને તેનાથી મારી મનોકામના પૂર્ણ થશે. હું તલવાર ખેંચીને મારી જાતે તેમનો નાશ કરીશ.’ 10 પરંતુ તમે તમારો શ્વાસ ફૂંકયો અને ઇજિપ્તીઓ સમુદ્રમાં ડૂબી ગયા, તેઓ ઊંડા પાણીમાં સીસાની જેમ ડૂબી ગયા. 11 હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્ભુત કાર્યો કરનાર બીજો કોણ છે? 12 તમે તમારો જમણો હાથ લંબાવ્યો એટલે પૃથ્વી અમારા દુશ્મનોને ગળી ગઈ. 13 તમારા વચનને વિશ્વાસુ રહીને જેમને તમે છોડાવ્યા છે તેમને તમે દોરો છો. તમારા સામર્થ્ય વડે તમે તેમને તમારી પવિત્ર ભૂમિમાં લઈ જાઓ છો. 14 એ સાંભળીને પ્રજાઓ ભયથી કાંપે છે; પલિસ્તીઓમાં આતંક છવાઈ ગયો છે. 15 અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે. 16 હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે. 17 હે પ્રભુ, જે જગ્યા તમારા નિવાસસ્થાન માટે તમે પસંદ કરી છે. જે પવિત્રસ્થાન તમે તમારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તમારા વતનના પર્વતમાં તમે તેમને લાવીને રોપશો. 18 પ્રભુ, તમે સર્વકાળ રાજ કરો છો.” મિર્યામનું ગીત 19 ફેરોના ઘોડા, રથો અને તેમના સવારો સમુદ્ર મધ્યે ગયા ત્યારે પ્રભુએ સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેમની પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર ચાલ્યા. 20 એને લીધે, આરોનની બહેન સંદેશવાહિકા મિર્યામે ખંજરી લીધી; અને બધી સ્ત્રીઓ ખંજરી વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. 21 મિર્યામે તેમની સાથે આ ગીત ગાયું: “પ્રભુની આગળ ગાયન ગાઓ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.” કડવાં પાણી 22 પછી મોશે ઇઝરાયલીઓને સૂફ સમુદ્રથી આગળ લઈ ગયો અને તેઓ શૂરના રણપ્રદેશમાં આવ્યા. તેઓ ત્રણ દિવસ સુધી રણપ્રદેશમાં ચાલ્યા પણ તેમને પાણી મળ્યું નહિ. 23 પછી તેઓ ‘મારા’ નામના સ્થળે આવ્યા. પરંતુ ત્યાંનાં પાણી એટલાં કડવાં હતાં કે તેઓ તે પી શકાયા નહિ. માટે તે સ્થળનું નામ મારા (એટલે, કડવાશ) પડયું. 24 ત્યારે લોકોએ મોશે વિરુદ્ધ કચકચ કરતાં કહ્યું, “અમે શું પીએ?” 25 મોશેએ પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેને એક વૃક્ષનું ઠૂંઠું બતાવ્યું. મોશેએ એને લઈને પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠાં બની ગયાં. પ્રભુએ ત્યાં એ લોકોને માટે વિધિઓ અને નિયમો ઘડયા અને તેમણે લોકોની ક્સોટી કરી. 26 તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.” 27 પછી તેઓ એલીમમાં આવ્યા; ત્યાં બાર ઝરણાં અને સિત્તેર ખજૂરીઓ હતાં. ત્યાં પાણીની નજીક તેમણે મુકામ કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide