Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 14 - પવિત્ર બાઇબલ C.L.


સૂફ સમુદ્ર વચ્ચે મુસાફરી

1 પછી પ્રભુએ મોશેને કહ્યું,

2 “ઇઝરાયલીઓને કહે કે તેઓ પાછા ફરીને પીહાહીરોથ સામે, એટલે મિગ્દોલ તથા સૂફ સમુદ્રની વચ્ચે બઆલ સાફોન નજીક બરાબર સમુદ્રકિનારે પડાવ નાખે.”

3 ફેરો વિચારશે કે ઇઝરાયલીઓ દેશમાં ભૂલા પડી રઝળી રહ્યા છે અને રણપ્રદેશમાં અટવાઈ પડયા છે.

4 હું તેનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારી પાછળ પડશે; અને ફેરો તથા તેના સૈન્ય ઉપર વિજય મેળવીને હું મારો મહિમા વધારીશ. ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું.

5 જ્યારે ફેરોને ખબર મળી કે ઇઝરાયલી લોકો નાસી છૂટયા છે ત્યારે તેનું તથા તેના અધિકારીઓનું મન ફરી ગયું અને તેમણે કહ્યું, “આપણે આ શું કર્યું? ઇઝરાયલીઓને જવા દઈને તો આપણે આપણા ગુલામો ગુમાવ્યા!”

6 ફેરોએ પોતાનો રથ તૈયાર કર્યો અને તે રીતે લશ્કરને પણ તૈયાર કરાવ્યું.

7 તેણે પસંદ કરેલા 600 રથ તેમ જ પોતાના અન્ય સર્વ રથ અને અધિકારીઓને સાથે લીધા.

8 પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તે વિજયપૂર્વક નીકળેલા ઇઝરાયલીઓની પાછળ પડયો.

9 સમગ્ર ઇજિપ્તી સૈન્ય અને ફેરોના સર્વ ઘોડા, રથો તથા તેના સવારોએ તેમનો પીછો કર્યો. ઇઝરાયલીઓ જ્યાં બઆલ સાફોન તથા પીહાહીરોથ આગળ સૂફ સમુદ્રને કાંઠે છાવણી નાખી પડયા હતા ત્યાં ઇજિપ્તીઓએ તેમને પકડી પાડયા.

10 જ્યારે ઇઝરાયલીઓએ ફેરો તથા તેના સૈન્યને પોતાની પાછળ ધસી આવતા જોયા ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા અને તેમણે પ્રભુને પોકાર કર્યો.

11 તેમણે મોશેને કહ્યું, “શું ઇજિપ્તમાં કબરો નહોતી કે તું અમને અહીં રણપ્રદેશમાં મરવા લઈ આવ્યો છે?

12 ઇજિપ્તમાંથી નીકળ્યા તે પહેલાં જ અમે તને નહોતું કહ્યું કે અમને અહીં ઇજિપ્તીઓની ગુલામીમાં રહેવા દે? અહીં રણપ્રદેશમાં મરવા કરતાં તેમના ગુલામ થઈને રહેવાનું અમારે માટે વધારે સારું હતું.”

13 મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.

14 આ ઇજિપ્તીઓને તમે ફરી કદી જોશો નહિ. પ્રભુ પોતે તમારે માટે યુદ્ધ કરશે; તમારે તો માત્ર શાંત રહેવાનું છે.”

15 પ્રભુએ મોશેને કહ્યું, “તું મને કેમ પોકારે છે? ઇઝરાયલી લોકોને આગળ વધવાનો આદેશ આપ.

16 તારા હાથમાં તારી લાકડી લઈને સમુદ્ર તરફ લંબાવ, એટલે સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ જશે અને ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે થઈને સૂકી જમીન પર ચાલીને જશે.

17 વળી, સાંભળ: હું ઇજિપ્તીઓનું હૃદય હઠીલું કરીશ; જેથી તેઓ તમારી પાછળ પડશે.

18 ત્યારે ફેરો, તેનું સૈન્ય, તેના રથો તથા તેના સવારો પર વિજય પામીને હું મારો મહિમા વધારીશ. હું ઇજિપ્તીઓ પર સરસાઈ મેળવીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”

19 ઈશ્વરનો દૂત જે ઇઝરાયેલીઓનાં કુળસૈન્યો આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો. મેઘસ્થંભ પણ ખસીને તેમની પાછળ ગયો,

20 અને ઇજિપ્તીઓ તથા ઇઝરાયલીઓની વચ્ચે આવીને થંભ્યો. મેઘસ્થંભ ઇજિપ્તીઓ માટે અંધકારરૂપ પણ ઇઝરાયલીઓ માટે પ્રકાશદાયક હતો; તેથી તે આખી રાત એક સૈન્ય બીજા સૈન્ય પાસે આવી શકાયું નહિ.

21 મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ.

22 ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા ત્યારે સમુદ્રનાં પાણી તેમની જમણી તેમ જ ડાબી બાજુએ ભીંતરૂપ થઈ ગયાં.

23 પણ ઇજિપ્તીઓ તેમની પાછળ પડયા અને ફેરોના સર્વ ઘોડા, તેના રથો તથા તેના સવારો તેમની પાછળ પાછળ સમુદ્ર મધ્યે ગયા.

24 સૂર્યોદય પહેલાં મેઘસ્થંભ અને અગ્નિસ્થંભમાંથી પ્રભુએ ઇજિપ્તી સૈન્ય ઉપર નજર કરીને તેમને ભારે ગભરાટમાં નાખી દીધા.

25 તેમણે ઇજિપ્તીઓના રથોનાં પૈડાં ફસાવી દીધાં જેથી તેમને રથો ચલાવવાનું મુશ્કેલ થઈ પડયું. ત્યારે ઇજિપ્તીઓએ કહ્યું, “પ્રભુ ઇઝરાયલીઓના પક્ષમાં રહીને આપણી વિરુદ્ધ લડે છે, માટે આપણે અહીંથી નાસી છૂટીએ.”

26 પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ સમુદ્ર પર લાંબો કર કે ઇજિપ્તીઓ, તેમના રથો અને તેમના સવારો ઉપર સમુદ્રનાં પાણી ફરી વળે.”

27 તેથી મોશેએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો અને સવાર થતાં સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયો. ઇજિપ્તીઓએ સમુદ્રમાંથી નાસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રભુએ તેમને સમુદ્ર મધ્યે ડુબાડી દીધા.

28 પાણી પાછાં આવીને રથો, તેના સવારો તથા સમુદ્રમાં ઇઝરાયલીઓ પાછળ પડેલા ઇજિપ્તીઓના સમગ્ર સૈન્ય પર ફરી વળ્યાં; તેમનામાંથી એકપણ બચ્યો નહિ.

29 પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા અને સમુદ્રનાં પાણી તેમની બન્‍ને બાજુએ ભીંતરૂપ થઈ ગયાં હતાં.

30 તે દિવસે પ્રભુએ ઇઝરાયલીઓને ઇજિપ્તીઓના હાથમાંથી બચાવ્યા અને ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓને સમુદ્રકાંઠે પડેલા જોયા.

31 જ્યારે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓને પરાજિત કરી દેનાર પ્રભુનું મહાન સામર્થ્ય જોયું ત્યારે તેઓ પ્રભુ પ્રત્યેના અહોભાવથી સ્તબ્ધ થઈ ગયા અને તેમને પ્રભુ તથા તેમના સેવક મોશે પર વિશ્વાસ બેઠો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan