નિર્ગમન 13 - પવિત્ર બાઇબલ C.L.પ્રથમ જનિતનું સમર્પણ 1 પ્રભુએ મોશેને કહ્યું, 2 “તમારા સર્વ પ્રથમ જનિત નરનું મને સમર્પણ કરો. કારણ, પ્રથમ પ્રસવથી જન્મ પામનાર પ્રત્યેક ઇઝરાયલી પુરુષ તથા પ્રત્યેક નર પશુ મારા છે.” ખમીરરહિત રોટલીનું પર્વ 3 મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. 4 તમે પ્રથમ માસ, એટલે આબીબ માસના આ દિવસે નીકળ્યા છો. 5 પ્રભુએ તમારા પૂર્વજોને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસી જાતિઓનો જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું તે દૂધમધની રેલમછેલવાળા દેશમાં લાવે ત્યારે પ્રતિ વર્ષે પ્રથમ માસમાં તમારે આ વિધિ પાળવો. 6 સાત દિવસ તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે પ્રભુના માનમાં પર્વ ઊજવવું. 7 એ સાત દિવસ તમારે ખમીર વગરની જ રોટલી ખાવાની છે. એ દિવસો દરમ્યાન તમારા દેશમાં કોઈપણ સ્થળે ખમીર કે ખમીરવાળી રોટલી હોવાં જોઈએ નહિ. 8 પર્વની શરૂઆતમાં તમારે તમારા પુત્રોને તેની સમજ આપવી: “અમે ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે પ્રભુએ અમારે માટે જે કાર્યો કર્યાં તેને લીધે અમે આવું કરીએ છીએ.” 9 આ વિધિ તમારા હાથે બાંધેલ અને કપાળે લટકાવેલ ચિહ્ન જેવું યાદગીરીરૂપ બની જશે. એનાથી પ્રભુનો નિયમ તમારે હોઠે રહેશે. 10 પ્રભુ પોતાના મહાન સામર્થ્ય વડે તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છે. તમારે દર વરસે નિયત સમયે આ વિધિ પાળવો.” પ્રથમજનિત પ્રભુના છે 11 “પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તે તમને કનાનીઓના દેશમાં લાવે અને તે દેશ તમને આપે, 12 ત્યારે તમારે પ્રથમ પ્રસવથી જન્મ પામનાર તમામનું પ્રભુને સમર્પણ કરવું. પ્રાણીઓના પ્રથમ જન્મેલા નર બચ્ચાનું પ્રભુને સમર્પણ કરવું. કારણ, તેઓ પ્રભુનાં છે. 13 પરંતુ પ્રથમજનિત ગધેડાની અવેજીમાં ઘેટાનું સમર્પણ કરવું; એમ ગધેડાને છોડાવી લેવો. પરંતુ જો તમે તેને છોડાવવા માગતા ન હો તો તેની ગરદન ભાંગી નાખવી. તમારે તમારા પ્રથમજનિત પુત્રોને પણ મૂલ્ય આપીને છોડાવી લેવા. 14 ભવિષ્યમાં તમારો પુત્ર તમને પૂછે કે, ‘આ વિધિનો શો અર્થ થાય છે?’ ત્યારે તમારે તેને આમ કહેવું: ‘પ્રભુ અમને પોતાના બાહુબળથી ઇજિપ્તમાંથી એટલે ગુલામગીરીમાંથી બહાર કાઢી લાવ્યા હતા. 15 તે સમયે ફેરોએ હઠે ચડીને અમને જવા દેવાની ના પાડી, ત્યારે પ્રભુએ ઇજિપ્તીઓના પ્રથમજનિત મનુષ્યો અને પ્રાણીઓના સર્વ પ્રથમજનિતોનો સંહાર કર્યો હતો. તેને લીધે પશુઓના પ્રત્યેક પ્રથમ જન્મેલા બચ્ચાનું હું પ્રભુને બલિદાન ચડાવું છું, અને પ્રથમજનિત પુત્રોને મૂલ્ય આપીને છોડાવી લઉં છું.” 16 આમ, આ વિધિ આપણા હાથ પર ચિહ્ન અને કપાળે લટકાવેલ આભૂષણ જેવો યાદગીરીરૂપ બની રહેશે. પ્રભુ પોતાના મહાન બાહુબળથી આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તેની તે આપણને યાદ અપાવશે.” મેઘસ્થંભ અને અગ્નિસ્થંભ 17 ફેરોએ ઇઝરાયલી લોકોને જવા દીધા ત્યારે સમુદ્રને કિનારે કિનારે પલિસ્તીઓના દેશમાં જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં ઈશ્વર તેમને તે રસ્તે થઈને લઈ ગયા નહિ. ઈશ્વરે એવું વિચાર્યું કે, “ યુદ્ધ જોઈને આ લોકોનો વિચાર બદલાઈ જાય અને તેઓ પાછા ઇજિપ્તમાં ચાલ્યા જાય એવું હું ચાહતો નથી.” 18 તેથી ઈશ્વરે તેમને ફંટાવીને સૂફ (બરુ) સમુદ્ર તરફ રણપ્રદેશના માર્ગે થઈને ચલાવ્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી શસ્ત્રસજ્જિત થઈ નીકળ્યા હતા. 19 મોશેએ પોતાની સાથે યોસેફનાં અસ્થિ પણ લઈ લીધાં. કારણ, યોસેફે ઇઝરાયલીઓને સોગન દઈને કહ્યું હતું, “ઈશ્વર તમને અહીંથી છોડાવે ત્યારે તમારી સાથે મારાં અસ્થિ લઈ જજો.” 20 પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી નીકળીને રણપ્રદેશની સરહદે આવેલ એથામમાં છાવણી નાખી. 21 પ્રભુ દિવસ દરમ્યાન માર્ગ બતાવવાને મેઘસ્થંભમાં અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્થંભમાં તેમની આગળ આગળ ચાલતા હતા, જેથી લોકો દિવસરાત મુસાફરી કરી શક્તા. 22 દિવસ દરમ્યાન મેઘસ્થંભ અને રાત્રિ દરમ્યાન અગ્નિસ્થંભ હમેશાં તેમની આગળ રહેતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide