Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 12 - પવિત્ર બાઇબલ C.L.


પાસ્ખાપર્વ

1 પ્રભુએ ઇજિપ્ત દેશમાં મોશે તથા આરોનને કહ્યું,

2 “આ માસ વર્ષના બધા માસોમાં તમારે માટે પ્રથમ માસ ગણાશે.

3 ઇઝરાયલના આખા સમુદાયને કહો કે, આ માસના દસમા દિવસે પ્રત્યેક માણસે પોતાના કુટુંબ માટે હલવાન કે લવારું પસંદ કરવું.

4 તેનું કુટુંબ એટલું નાનું હોય કે તેઓ એક પ્રાણી ખાઈ શકે તેમ ન હોય તો તેણે તથા તેના નિકટના પડોશીએ તેમનાં કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે પ્રાણી લેવું. પ્રત્યેક માણસના આહાર પરથી એક પ્રાણી ખાઈ શકાશે કે કેમ તેનો અંદાજ બાંધવો.

5 તમે હલવાન કે લવારું પસંદ કરી શકો, પણ તે ખોડખામી વિનાનું અને એક વર્ષની ઉંમરનું નરજાતિનું હોવું જોઈએ.

6 તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.

7 લોકો તેને જે ઘરમાં ખાય તેના બારણાની બન્‍ને બારસાખો તથા ઓતરંગ પર એનું થોડુંક રક્ત છાંટે.

8 તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય.

9 તેને કાચું કે બાફીને ખાવું નહિ; પણ તેના પગ, માથું અને અંદરના અવયવો સહિત સઘળું આગમાં શેકીને ખાવું.

10 સવાર સુધી તેમાંનું કશું બાકી રાખવું નહિ, અને છતાં કંઈ વધે તો તેને આગમાં બાળી દેવું.

11 તમારે કમરે પટ્ટો બાંધીને, પગરખાં પહેરીને અને હાથમાં લાકડી રાખીને મુસાફરી માટે તૈયાર રહી તે ખાવું. તમારે તે જલદી જલદી ખાઈ લેવું. એ તો મને પ્રભુને માન આપવાનું પાસ્ખાપર્વ છે.

12 “તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમનાં પ્રાણીઓનાં સર્વ પ્રથમજનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું.

13 તમે જે ઘરમાં રહો છો તેના બારણા પરનું રક્ત તમારા હક્કમાં નિશાનીરૂપ બનશે. હું ઇજિપ્તીઓને સજા કરીશ ત્યારે એ રક્ત જોઈને હું તમારી પાસેથી પસાર થઈ આગળ ચાલ્યો જઈશ, એટલે તમારે જીવલેણ પ્રહારના ભોગ બનવું નહિ પડે.

14 મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”


ખમીરરહિત રોટલીનું પર્વ

15 પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે.

16 પ્રથમ તથા સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસભા માટે એકત્ર થવું. આ દિવસો દરમ્યાન તમારે રસોઈ બનાવવા સિવાય અન્ય કંઈ કામ કરવું નહિ.

17 “તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું કારણ, આ જ દિવસે હું તમારાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. તેથી તમારે કાયમી વિધિ તરીકે આ દિવસને વંશપરંપરાના પર્વ તરીકે ઊજવવો.

18 પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી.

19-20 સાત દિવસ સુધી તમારાં ઘરોમાં જરા પણ ખમીર હોવું જોઈએ નહિ. કારણ, જો કોઈ વ્યક્તિ ખમીરવાળો કંઈપણ ખોરાક ખાય તો તે વ્યક્તિનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવો; પછી ભલે તે દેશનો વતની હોય કે પરદેશી હોય. તમારે ખમીરવાળી કોઈપણ ચીજ ખાવી નહિ. તમારાં સર્વ નિવાસસ્થાનોમાં તમારે ખમીરરહિત રોટલી ખાવી.”


પ્રથમ પાસ્ખાપર્વ

21 મોશેએ ઇઝરાયલના સર્વ આગેવાનોને બોલાવીને તેમને કહ્યું, “જાઓ, તમારા કુટુંબના પ્રમાણમાં હલવાન લાવીને કાપો; જેથી તમારાં કુટુંબો પાસ્ખાપર્વ ઊજવી શકે.

22 ઝુફાની ડાળખી લઈ તેને વાસણમાંના રક્તમાં બોળીને ઓતરંગ તથા બન્‍ને બારસાખો પર છાંટો. સવાર થાય ત્યાં સુધી તમારે કોઈએ ઘરના બારણાની બહાર જવું નહિ.”

23 પ્રભુ ઇજિપ્તીઓનો સંહાર કરવા ઇજિપ્ત દેશમાંથી પસાર થશે ત્યારે ઓતરંગ અને બન્‍ને બારસાખો પરનું રક્ત જોશે, અને તે તમારા બારણા પાસેથી પસાર થઈને વિનાશક દૂતને તમારા ઘરમાં પ્રવેશીને તમારો સંહાર કરવા દેશે નહિ.

24 “તમારે અને તમારાં સંતાનોએ નિત્યના વિધિ તરીકે આ નિયમો હરહંમેશ પાળવાના છે.

25 5ોતાના વચન પ્રમાણે પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે જાઓ, ત્યારે તમારે આ વિધિ પાળવો.

26 જ્યારે તમારાં બાળકો તમને પૂછે કે, ‘આ વિધિનો અર્થ શો છે?’

27 ત્યારે તમારે તેમને આવો જવાબ આપવો: આ તો પ્રભુના સન્માનાર્થે પાસ્ખાનું બલિદાન છે; કારણ, તેમણે ઇજિપ્તીઓનો સંહાર કર્યો ત્યારે તેમણે આપણાં ઘરો પાસેથી પસાર થઈને આપણને બચાવી લીધા.” ત્યારે લોકોએ માથાં નમાવીને આરાધના કરી.

28 પછી તેઓ ત્યાંથી ગયા અને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેમણે કર્યું.


પ્રથમજનિતનો સંહાર

29 મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વ પ્રથમજનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિતથી માંડીને જેલના કેદીના પ્રથમજનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓનાં સર્વ પ્રથમ જન્મેલાંને પણ મારી નાખ્યાં.

30 તે રાત્રે ફેરો, તેના અમલદારો અને સર્વ ઇજિપ્તીઓ જાગી ઊઠયા, અને આખા ઇજિપ્તમાં ભારે વિલાપ થયો. કારણ, એવું એકપણ ઘર નહોતું કે જ્યાં પુત્રનું મૃત્યુ થયું ન હોય.

31 તે જ રાત્રે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે અને તમારા ઇઝરાયલી લોકો અહીંથી ચાલ્યા જાઓ; મારો દેશ છોડીને જતા રહો અને તમારા કહેવા પ્રમાણે અહીંથી જઈને પ્રભુની સેવાભક્તિ કરો.

32 તમારા કહેવા પ્રમાણે તમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક પણ લઈ જાઓ અને મને આશિષ મળે એવી પ્રાર્થના કરો.”

33 ઇજિપ્તીઓએ એ લોકોને દેશમાંથી સત્વરે નીકળી જવા આગ્રહભરી વિનંતી કરી. તેમણે કહ્યું, “તમે નહિ જાઓ તો અમે બધાં માર્યાં જઈશું.”

34 ઇઝરાયલી લોકોએ ખમીરરહિત લોટના પિંડ કથરોટમાં ભરીને તેમના ઉપરણામાં વીંટાળી લીધા અને ખભે ઊંચકીને ચાલી નીકળ્યા.

35 વળી, ઇઝરાયલી લોકોએ મોશેની સૂચના પ્રમાણે ઇજિપ્તીઓ પાસેથી સોનાચાંદીનાં આભૂષણો તથા વસ્ત્રો માગી લીધાં.

36 પ્રભુએ ઈજિપ્તીઓની દૃષ્ટિમાં એ લોકો પ્રત્યે આદરભાવ પેદા કર્યો. તેથી તેમણે જે કંઈ માગ્યું તે ઇજિપ્તીઓએ તેમને આપ્યું. આ રીતે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓની સઘળી સંપત્તિ લઈ લીધી.


ઇઝરાયલીઓની ઇજિપ્તમાંથી વિદાય

37 ઇઝરાયલી લોકો રામસેસથી સુક્કોથ જવા પગપાળા ચાલી નીકળ્યા. સ્ત્રીઓ અને બાળકો સિવાય તેઓ આશરે છ લાખ પુરુષો હતા.

38 ઇઝરાયલીઓ સિવાય અન્ય જાતિના પણ ઘણા લોકો તેમની સાથે હતા. વળી, પુષ્કળ ઘેટાંબકરાં અને ઢોરઢાંક પણ તેમની સાથે ચાલી નીકળ્યાં.

39 લોટના જે પિંડ તેઓ ઇજિપ્તમાંથી લેતા આવ્યા હતા તેમાંથી તેમણે ખમીરરહિત રોટલી પકાવી. કારણ, ઇજિપ્તમાંથી તેમને ઓચિંતા કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેથી લોટને ખમીર દેવાનો કે મુસાફરી માટે ખોરાક બનાવી લેવાનો તેમને સમય મળ્યો નહોતો.

40 ઇઝરાયલીઓ ઇજિપ્તમાં 430 વર્ષ રહ્યા.

41 જે દિવસે 430 વર્ષ પૂરાં થયાં તે જ દિવસે પ્રભુના લોકોનાં સર્વ કુળસૈન્યો ઇજિપ્તમાંથી નીકળી ગયાં.

42 પ્રભુ તેમને જે રાત્રે ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા તે રાત્રે તે સજાગ હતા, તેથી સર્વ ઇઝરાયલીઓએ તે રાત પ્રભુના માનાર્થે જાગરણની રાત તરીકે ઊજવવાની છે.


પાસ્ખાપર્વ અંગેના નિયમો

43 પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ.

44 પણ મૂલ્ય આપીને ખરીદેલો ગુલામ સુન્‍નત કરાવ્યા બાદ તેમાંથી ખાઈ શકે.

45 કોઈ પ્રવાસી અથવા પગારદાર નોકર તેમાંથી ખાય નહિ.

46 જે ઘરમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું હોય તે જ ઘરમાં પૂરેપૂરું ભોજન કરવું: તેમાંથી તમારે કંઈ બહાર લઈ જવું નહિ. વળી, તમારે પ્રાણીનું એક પણ હાડકું ભાંગવું નહિ.

47 ઇઝરાયલના સમગ્ર સમુદાયે આ પર્વ ઊજવવું;

48 પરંતુ સુન્‍નત કરાવ્યા વગરના કોઈપણ માણસે પાસ્ખા ભોજનમાંથી ખાવું નહિ. તમારી મધ્યે કોઈ પરદેશી વસતો હોય અને પ્રભુનું પાસ્ખા પાળવાની તેની ઇચ્છા હોય તો તમારે પ્રથમ તેના ઘરના સર્વ પુરુષોની સુન્‍નત કરવી. ત્યાર પછી જ તે દેશમાં જન્મેલા ઇઝરાયલી જેવો ગણાય અને પાસ્ખામાં ભાગ લઈ શકે.

49 દેશમાં જન્મેલા ઇઝરાયલીઓ તેમ જ પરદેશીઓ સૌને માટે આ નિયમો છે.”

50 સર્વ ઇઝરાયલીઓએ આધીન થઈને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું.

51 પ્રભુ તે દિવસે ઇઝરાયલનાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan