Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 11 - પવિત્ર બાઇબલ C.L.


દશમી આફત: પ્રથમજનિતનો સંહાર

1 પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો તથા ઇજિપ્ત ઉપર હું બીજી એક આફત લાવીશ અને તે પછી તે તમને અહીંથી જવા દેશે. તે તમને જવા દેશે ત્યારે તે તમને બધાંને હાંકી કાઢશે.

2 હવે તું મારા તરફથી લોકોને સૂચના આપ કે પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણો પાસેથી સોનારૂપાનાં ઘરેણાં માગી લે.”

3 પ્રભુએ પોતાના લોકો પ્રત્યે ઇજિપ્તીઓ સદ્ભાવના દાખવે તેમ કર્યું. વળી, ઇજિપ્તમાં એટલે ફેરોના અમલદારોની અને લોકોની દૃષ્ટિમાં મોશે મહાન વ્યક્તિ ગણાયો.

4 મોશેએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હું લગભગ મધરાતે ઇજિપ્તમાંથી પસાર થઈશ,

5 અને ઇજિપ્તમાંના સર્વ પ્રથમજનિતો, એટલે રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિત રાજકુંવરથી માંડીને ઘંટીએ દળનાર દાસીના પ્રથમજનિત સુધી સૌ, તેમ જ પ્રાણીઓનાં પ્રથમ જન્મેલાં બધાં બચ્ચાં માર્યાં જશે.

6 ઇજિપ્તમાં અગાઉ કદી થયો ન હોય અને હવે પછી કદી થવાનો નથી એવો ભારે વિલાપ થઈ રહેશે.

7 પણ ઇઝરાયલી લોકો અથવા તેમના પશુ સામે કૂતરુંય ભસશે નહિ. તે પરથી તમે જાણશો કે હું પ્રભુ ઇજિપ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખું છું.”

8 મોશેએ કહ્યું, “આ તમારા બધા અમલદારો મારી આગળ આવીને નમી જઈને કહેશે, ‘તું તથા તને અનુસરનારા તારા સર્વ લોકો અહીંથી જતા રહો’ અને તે પછી જ હું જતો રહીશ.” પછી મોશે ક્રોધથી તપી જઈને ફેરો આગળથી ચાલ્યો ગયો.

9 ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “ઇજિપ્તમાં હું વધારે ચમત્કારો કરી શકું તે માટે ફેરો મારું માનશે જ નહિ.”

10 મોશે અને આરોને આ સર્વ ચમત્કારો ફેરો સમક્ષ કર્યા; પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલીઓને જવા દીધા નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan