નિર્ગમન 10 - પવિત્ર બાઇબલ C.L.આઠમી આફત: તીડ 1 પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું ફેરો પાસે જા. મેં ફેરો તથા તેના અમલદારોનાં હૃદય હઠીલાં કર્યાં છે, જેથી હું તેઓ મધ્યે મારાં ચિહ્નો દેખાડું. 2 વળી, મેં ઇજિપ્તીઓની કેવી ઠેકડી ઉડાવી અને તેઓ મધ્યે મેં કેવાં ચિહ્નો કરી બતાવ્યાં તે તું તારા પુત્રને તથા તારા પૌત્રને કહી સંભળાવે; અને એમ તમે સૌ જાણો કે હું પ્રભુ છું.” 3 તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે. 4 જો તું મારા લોકોને જવા દેવાની ના પાડીશ, તો આવતી કાલે હું તારા દેશ પર તીડ મોકલીશ. 5 તેઓ ભૂમિની સપાટી એવી ઢાંકી દેશે કે જમીન બિલકુલ દેખાશે નહિ. કરાની આફતમાંથી જે કંઈ તમારે માટે બચી ગયું છે તે પણ તીડો ખાઈ જશે. વળી, તમારે માટે ખેતરમાં ઊગેલાં બધાં વૃક્ષો તેઓ ખાઈ જશે. 6 તારા મહેલો, તારા બધા અમલદારોનાં ઘર તથા સર્વ ઇજિપ્તીઓનાં ઘર તીડોથી ભરાઈ જશે. તારા પિતૃઓ અથવા તેમના પૂર્વજો આ દેશમાં વસ્યા ત્યારથી અત્યાર સુધી આવું કંઈ તેમણે જોયું નથી.” પછી મોશે ફેરો પાસેથી ચાલ્યો ગયો. 7 ફેરોના અમલદારોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ આપણે માટે આફતનું કારણ બની રહેશે? લોકોને તેમના ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરવા જવા દો. શું તમને ખ્યાલ નથી કે ઇજિપ્તનો વિનાશ થઈ ચૂક્યો છે?” 8 તેથી મોશે તથા આરોનને ફેરો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ફેરોએ તેમને કહ્યું, “જાઓ, જઈને તમારા ઈશ્વર પ્રભુની સેવા ભક્તિ કરો, પણ કોણ કોણ જશો?” 9 મોશેએ જવાબ આપ્યો, “અમારા જુવાનો અને વૃદ્ધો, અમારા પુત્રો અને પુત્રીઓ અમે સૌ અમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક સહિત જઈશું. કારણ, અમે પ્રભુ માટે પર્વ પાળવાના છીએ.” 10 ત્યારે ફેરોએ કહ્યું, “હું પ્રભુના સમ ખાઈને કહું છું કે હું તમને તમારી સ્ત્રીઓ અને તમારાં બાળકો સહિત જવા દઈશ નહિ. કારણ, તમે મનમાં કંઈક પેંતરો રચ્યો લાગે છે. ના, એ નહિ બને. તમારે જઈને તમારા પ્રભુની સેવાભક્તિ કરવી જ હોય, તો માત્ર પુરુષો જાઓ.” 11 એમ બોલીને મોશે તથા આરોનને ફેરોએ પોતાની આગળથી બહાર કાઢી મૂક્યા. 12 પછી પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તીડ લાવ; જેથી તેઓ ઇજિપ્ત પર ચડી આવીને કરાથી બચી ગયેલી બધી વનસ્પતિ ખાઈ જાય.” 13 તેથી મોશેએ ઇજિપ્ત દેશ પર લાકડી લંબાવી. પ્રભુએ એ આખો દિવસ અને આખી રાત પૂર્વ દિશામાંથી પવન ચલાવ્યો. 14 સવાર સુધીમાં તો પૂર્વના પવન સાથે તીડ ચડી આવ્યાં. તીડ આખા ઇજિપ્ત પર ફેલાઈ જઈને સર્વત્ર બેઠાં. અગાઉ કદી આવ્યાં ન હોય અને હવે પછી કદી આવશે નહિ એવાં એ તીડોનાં ટોળેટોળાં હતાં. 15 કારણ, તેમણે દેશની સપાટીને એવી છાઈ દીધી હતી કે બધી સપાટી કાળી કાળી દેખાતી હતી. કરાથી બચી ગયેલી દેશની સર્વ વનસ્પતિ અને વૃક્ષોનાં બધાં ફળ તીડો ખાઈ ગયાં. આખા ઇજિપ્તમાં છોડ કે ઝાડ પર કંઈ લીલોતરી રહેવા પામી નહિ. 16 ત્યારે ફેરોએ મોશે અને આરોનને બોલાવીને તેમને કહ્યું, “મેં તમારા ઈશ્વર અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. 17 માટે હું તમને વિનંતી કરું છું કે આટલી વખત મારા પાપની ક્ષમા કરો અને તમારા ઈશ્વર પ્રભુને વિનંતી કરો કે મને આ જીવલેણ આફતમાંથી છોડાવે.” 18 તેથી મોશેએ ફેરો પાસેથી બહાર જઈને પ્રભુને વિનંતી કરી. 19 એટલે પ્રભુએ પશ્ર્વિમમાંથી ભારે પવન ચલાવ્યો અને પવને તીડોને ઉડાવીને સૂફ સમુદ્રમાં નાખી દીધાં. આખા ઇજિપ્તમાં એકપણ તીડ રહ્યું નહિ. 20 પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે ઇઝરાયલીઓને જવા દીધા નહિ. નવમી આફત: અંધકાર 21 પછી પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ આકાશ તરફ લાંબો કર; જેથી ઇજિપ્ત પર એવો ગાઢ અંધકાર છવાઈ જાય કે જેની ભારે અસર વર્તાય.” 22 ત્યારે મોશેએ પોતાનો હાથ આકાશ તરફ લાંબો કર્યો એટલે ત્રણ દિવસ સુધી સમગ્ર ઇજિપ્ત પર ઘોર અંધકાર વ્યાપી ગયો. 23 તેઓ એકબીજાને જોઈ શક્તા પણ નહોતા. પણ ઇઝરાયલીઓનાં સર્વ ઘરોમાં પ્રકાશ હતો. 24 ત્યારે ફેરોએ મોશેને બોલાવીને કહ્યું, “તમે જઈને પ્રભુની સેવાભક્તિ કરો; તમારાં બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક અહીં રહેવા દો.” 25 પણ મોશેએ જવાબ આપ્યો, “તમારે અમને બલિદાનો અને દહનબલિ પણ લઈ જવા દેવાં જોઈએ, જેથી અમે અમારા ઈશ્વર આગળ બલિદાનો ચડાવી શકીએ. 26 તેથી અમારાં ઢોરઢાંક પણ અમારી સાથે આવશે; એક પણ પશુ અહીં રહેવા દેવામાં આવશે નહિ. કારણ, અમારા ઈશ્વર પ્રભુની સેવાભક્તિ માટે અમારે પોતે એ ઢોરઢાંકમાંથી પસંદ કરવાં પડશે. કારણ, અમે સેવાના સ્થળે પહોંચીશું ત્યારે જ અમને ખબર પડશે કે અમારે કેવી જાતના અર્પણથી પ્રભુની સેવાભક્તિ કરવાની છે.” 27 પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તેણે તેમને જવા દીધા નહિ. 28 પછી ફેરોએ મોશેને કહ્યું, “મારી આંખો આગળથી દૂર જા. ખબરદાર, હવે પછી મારું મોં જોયું છે તો! કારણ, જે દિવસે હું તને જોઈશ તે જ દિવસે તું માર્યો જશે.” 29 મોશેએ જવાબ આપ્યો, “તમે બોલ્યા એવું જ થશે. હવે ફરી કદી હું તમારું મોં જોઈશ નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide