એસ્તેર 9 - પવિત્ર બાઇબલ C.L.યહૂદીઓએ દુશ્મનોનો કરેલો નાશ 1 અદાર માસની તેરમી તારીખ આવી. આ દિવસે રાજવી હુકમનો અમલ થવાનો હતો અને યહૂદીઓના દુશ્મનો તેમને કચડી નાખવાની આશા રાખતા હતા. પણ એથી ઊલટું, યહૂદીઓએ તેમના પર વિજય મેળવ્યો. 2 તે દિવસે અહાશ્વેરોશના રાજ્યના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતાનાં વસવાટનાં નગરોમાં તેમને નુક્સાન કરવાનો પ્રયાસ કરનાર પર હુમલો કરવા સંગઠિત થયા. દરેક સ્થળે લોકો તેમનાથી ડરી ગયા અને કોઈ લોકો તેમની સામે ટકી શક્યા નહિ. 3 હકીક્તમાં, રાજ્યપાલો, વહીવટદારો અને રાજપ્રતિનિધિઓ જેવા સામ્રાજ્યના બધા પ્રાંતિક અધિકારીઓએ યહૂદીઓને મદદ કરી. કારણ, તેઓ મોર્દખાયથી બીતા હતા. 4 મોર્દખાય રાજમહેલમાં ઘણી સત્તા ધરાવતો હતો અને તેની સત્તા વધતી ગઈ. વળી, એ વાત બધા પ્રાંતોમાં ફેલાઈ ગઈ હતી. 5 યહૂદીઓ તેમના દુશ્મનો સાથે ફાવે તેમ વર્ત્યા અને તેમણે હુમલો કરીને તરવારની ધારે તેમનો સંહાર કર્યો. 6-10 પાટનગર સૂસામાં જ યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખ્યા. તેમણે તેમના દુશ્મન એટલે હામ્મદાથાના પુત્ર હામાનના દસે દસ પુત્રોને મારી નાખ્યા. તેમનાં નામ આ પ્રમાણે છે: પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, પોરાથા, અદાલ્યા, અરીદાથા, પાર્મારતા, અરીસાય, અરીદાય અને વાઇઝાથા. તોપણ તેમણે લૂંટ ચલાવી નહિ. 11 તે જ દિવસે સૂસા નગરમાં મારી નાખેલા માણસોની સંખ્યા રાજાને જણાવવામાં આવી. 12 ત્યારે રાજાએ એસ્તેરને કહ્યું, “ફક્ત સૂસા નગરમાં જ યહૂદીઓએ પાંચસો માણસો મારી નાખ્યા છે. એમાં હામાનના દસેદસ પુત્રોને પણ મારી નાખવામાં આવ્યા છે. તો પછી તેમણે બીજા પ્રાંતોમાં શું નહિ કર્યું હોય? હજુ પણ તારી બીજી કોઈ ઇચ્છા હોય તો તે પૂર્ણ કરવામાં આવશે. તું માગીશ તે હું આપીશ.” 13 એસ્તેરે જવાબ આપ્યો, “હે રાજા, આજે યહૂદીઓએ સૂસામાં તેમના દુશ્મનોના જે હાલહવાલ કર્યા છે તેવું જ તેમને કાલે પણ કરવા દો. વળી, હામાનના દસેદસ પુત્રોનાં શબ ફાંસીએ લટકાવો.” 14 રાજાએ તે પ્રમાણે કરવા આદેશ આપ્યો, અને સૂસામાં તેની જાહેરાત કરવામાં આવી. હામાનના દસેય પુત્રોનાં શબ જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવ્યાં. 15 અદાર માસની ચૌદમી તારીખે સૂસા નગરના યહૂદીઓએ બીજા ત્રણસો માણસોને મારી નાખ્યા, પણ તેમણે લૂંટ ચલાવી નહિ. 16 પ્રાંતોમાં વસતા યહૂદીઓ પણ સ્વરક્ષણ માટે સંગઠિત થઈ ગયા હતા. તેમણે તેમના પંચોતેર હજાર દ્વેષીઓની ક્તલ કરી, પણ લૂંટ ચલાવી નહિ. 17 એ અદાર માસની તેરમી તારીખે બનવા પામ્યું. ચૌદમી તારીખે કોઈ ક્તલ થઈ નહિ. પણ તેમણે તે દિવસે આરામ કર્યો અને ખાનપાન તથા આનંદના ઉત્સવ તરીકે મનાવ્યો. 18 સૂસા નગરના યહૂદીઓએ તો તેરમી અને ચૌદમી તારીખોએ દુશ્મનોની ક્તલ ચલાવી હતી. તેથી તેમણે પંદરમી તારીખે આરામ કર્યો અને ઉત્સવ મનાવ્યો. 19 આથી કિલ્લેબંધી વિનાનાં નાનાં ગામડાંના યહૂદીઓ અદાર માસની ચૌદમી તારીખને આનંદ, ઉજાણી અને ભેટસોગાદ મોકલવાના તહેવાર તરીકે ઊજવે છે. પૂરીમનું પર્વ 20 મોર્દખાયે આ બનાવોની નોંધ કરાવી લીધી. વળી, તેણે અહાશ્વેરોશના રાજ્યમાં દૂર કે નજીક વસતા બધા યહૂદીઓ પર પત્રો પાઠવ્યા. 21 તેણે જણાવ્યું, “દર વરસે અદાર માસની ચૌદમી અને પંદરમી તારીખે તહેવાર ઊજવવો. 22 આ દિવસોએ યહૂદીઓએ તેમના દુશ્મનોના સંબંધમાં રાહતનો દમ ખેંચ્યો અને આ જ માસમાં તેમનાં શોક અને દુ:ખ, આનંદ અને હર્ષમાં ફેરવાઈ ગયાં હતાં. આ દિવસોએ આનંદ-ઉજાણી કર તથા ગરીબોને અને એકબીજાને ભેટસોગાદો આપવી.” 23 આથી યહૂદીઓ મોર્દખાયની સૂચનાઓ અનુસર્યા અને આ પર્વ દર વરસે ઊજવાતું રહ્યું. 24 અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર અને યહૂદીઓના દુશ્મન હામાને યહૂદીઓના વિનાશની તારીખ નક્કી કરવા ‘પૂરીમ’ એટલે ચિઠ્ઠીઓ નાખી હતી. 25 પણ એસ્તેર રાજા પાસે ગઈ અને રાજાએ લેખિત હુકમ બહાર પાડયો. જેને પરિણામે હામાને યહૂદીઓના જેવા હાલહવાલ કરવા યોજના ઘડી હતી તેવા તેના પોતાના થયા. તેને અને તેના પુત્રોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. 26 આ જ કારણથી આ દિવસો “પૂરીમ” (જેનો અર્થ ચિઠ્ઠીઓ થાય છે) પર્વ તરીકે ઊજવાય છે. મોર્દખાયનો પત્ર તથા યહૂદીઓ પર પડેલી વિપત્તિને લીધે, 27 તેમણે આવો ઠરાવ કર્યો: “હવે પછી સર્વ યહૂદીઓએ, તેમના વંશજોએ અને યહૂદી ધર્મ સ્વીકારનાર સૌ કોઈએ દર વરસે આ બે દિવસો દરમ્યાન મોર્દખાયની સૂચના પ્રમાણે પૂરીમનું પર્વ ઊજવવું. 28 ભાવિ પ્રત્યેક પેઢીનાં યહૂદી કુટુંબોએ બધા પ્રાંત અને નગરમાં આ પૂરીમનું પર્વ પાળવું. આ પર્વ કદી ભુલાઈ કે વીસરાઈ જવું ન જોઈએ.” 29 મોર્દખાયે પૂરીમ વિષે પત્ર લખ્યો ત્યારે તેની સાથે સાથે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ પણ પોતાની સત્તાથી પૂરીમ વિષે બીજો પત્ર લખ્યો. 30 આ પત્ર સર્વ યહૂદીઓને ઉદ્દેશીને લખવામાં આવ્યો અને અહાશ્વેરોશ રાજાના એક્સો સત્તાવીસ પ્રાંતો પર મોકલવામાં આવ્યો. તેમાં યહૂદીઓને શાંતિ અને સલામતીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 31 વળી, જે રીતે ઉપવાસ અને શોકનાં પર્વો પળાતાં હતાં તે જ રીતે પૂરીમનું પર્વ નિયત સમયે ઊજવવામાં આવે તેમ તેમને જણાવવામાં આવ્યું હતું. મોર્દખાય અને એસ્તેર એમ બન્નેએ પૂરીમનું પર્વ પાળવા વિષે પત્રો પાઠવ્યા હતા. 32 પૂરીમનું પર્વ પાળવા વિષે એસ્તેરે આપેલા આદેશની નોંધ રાજઇતિહાસના અધિકૃત પુસ્તકમાં લેવામાં આવી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide