Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એસ્તેર 8 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદીઓને સ્વરક્ષણ માટે પરવાનગી

1 તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના દુશ્મન હામાનની માલમિલક્ત એસ્તેરને સોંપી. એસ્તેરે રાજાને જણાવ્યું કે મોર્દખાય તેના સગામાં છે. આથી મોર્દખાયને રાજાની રૂબરૂમાં લાવવામાં આવ્યો.

2 રાજાએ પોતાના અધિકારની મુદ્રિકા જે તેણે હામાન પાસેથી પાછી લઈ લીધી હતી તે મોર્દખાયને આપી. એસ્તેરે મોર્દખાયને હામાનની માલમિલક્તનો વહીવટ સોંપ્યો.

3 એસ્તેરે ફરીથી રાજા આગળ વાત કરી. તેણે રાજાને પગે પડીને આંસુ સારતાં સારતાં અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓ વિરુદ્ધ કરેલી યોજના રદ કરવા રાજાને વિનવણી કરી.

4 રાજાએ એસ્તેર સામે પોતાનો સોનાનો રાજદંડ ધર્યો. તેથી એસ્તેરે ઊભા થઈને કહ્યું,

5 “હે રાજા, આપની ઇચ્છા હોય, આપ મારા પર પ્રસન્‍ન હો, અને આપને એ વાત યોગ્ય લાગતી હોય તો અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને આપના સામ્રાજ્યના બધા યહૂદીઓની ક્તલ કરવા માટે જે હુકમ બહાર પાડયો હતો તે પાછો ખેંચી લો.

6 મારાં સગાં તથા મારા લોક પર આવી પડનાર આપત્તિ મારાથી સહી શક્તી નથી.”

7 અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણી તથા યહૂદી મોર્દખાયને જવાબ આપ્યો, “યહૂદીઓ વિરુદ્ધના પ્રપંચ માટે મેં હામાનને ફાંસીએ લટકાવી દીધો છે.

8 એસ્તેરને મેં તેની માલમિલક્ત સોંપી દીધી છે. પણ રાજાના નામે અને તેમની મુદ્રિકાથી મહોર મારી બહાર પાડેલો હુકમ કદી બદલી શક્તો નથી. છતાં મારા નામે અને મારી મહોર મારી તમને યોગ્ય લાગે તેવી સૂચનાઓ યહૂદીઓને મોકલી આપો.”

9 સિવાન એટલે ત્રીજા માસની ત્રેવીસમી તારીખે આ બન્યું. મોર્દખાયે રાજાના સચિવોને બોલાવ્યા અને યહૂદીઓ પર તથા હિંદથી કૂશ સુધી સામ્રાજ્યના એક્સો સત્તાવીશ પ્રાંતોના રાજ્યપાલો, વહીવટદારો અને અધિકારીઓ પર પત્ર લખાવ્યા. આ પત્રો પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક પ્રજાની ભાષા અને લિપિમાં તથા યહૂદીઓની ભાષા અને લિપિમાં લખીને મોકલવામાં આવ્યા.

10 મોર્દખાયે એ પત્રો અહાશ્વેરોશ રાજાને નામે લખ્યા તથા તેની મુદ્રિકાથી તે પર મહોર લગાવી. પછી એ પત્રો રાજકામમાં વપરાતા અને રાજાની અશ્વશાળાના જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશકો દ્વારા તાકીદે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.

11 રાજાએ યહૂદીઓને તેમનાં વસવાટનાં સર્વ નગરોમાં સ્વરક્ષણ માટે સંગઠિત થવા પરવાનગી આપી છે એવું આ પત્રોમાં લખ્યું હતું. જો કોઈ પ્રાંત કે પ્રજા યહૂદીઓ પર હુમલો કરે તો તેઓ તેમનો સામનો કરે અને તેમનાં પત્ની તથા બાળકો સહિત સઘળાંને મારી નાખે, તેમને નષ્ટ કરે અને તેમની માલમિલક્ત લૂંટી લે એવું જણાવાયું હતું.

12 ઇરાનના સમસ્ત સામ્રાજ્યમાં અદાર એટલે બારમા માસની તેરમી તારીખ માટે એ છૂટ આપવામાં આવી હતી.

13 આ હુકમની કાયદા તરીકે સર્વ પ્રાંતોમાં બધી પ્રજાઓમાં જાણ કરવાની હતી, જેથી તે દિવસ આવે ત્યારે યહૂદીઓ સ્વરક્ષણ માટે તેમના શત્રુઓનો સામનો કરવાને તૈયાર રહે.

14 રાજાની આજ્ઞાથી રાજાના સંદેશકો રાજવી ઘોડાઓ પર સવાર થઈ તાબડતોબ નીકળી પડયા. આ હુકમની જાહેરાત પાટનગર સૂસામાં પણ કરવામાં આવી.

15 મોર્દખાય વાદળી તથા સફેદ રંગનો રાજપોશાક, અળસીરેસાનો જાંબુડી રંગનો ઝભ્ભો અને સોનાનો ભવ્ય મુગટ પહેરીને રાજમહેલમાંથી નીકળ્યો. સૂસા નગર હર્ષોલ્લાસથી ધમધમી ઊઠયું.

16 યહૂદીઓને માટે ચેન અને રાહત તથા હર્ષ અને વિજય પ્રાપ્ત થયાં.

17 પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક શહેર જ્યાં જ્યાં રાજાના હુકમની જાહેરાત થઈ ત્યાં ત્યાં યહૂદીઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ ખાનપાનમાં ઉત્સવ મનાવવા લાગ્યા. વાસ્તવમાં, કેટલાક લોકો તો બીકના માર્યા યહૂદી થઈ ગયા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan