એસ્તેર 6 - પવિત્ર બાઇબલ C.L.મોર્દખાયનું બહુમાન 1 તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ. તેણે રાજઇતિહાસનું અધિકૃત પુસ્તક મંગાવ્યું. રાજા આગળ તેમાંથી વાંચન કરવામાં આવ્યું. 2 રાજમહેલના બે અંગરક્ષકો બિગ્થા અને તેરેશે અહાશ્વેરોશ રાજાને ખતમ કરી નાખવાનો પ્રપંચ કર્યો હતો પણ મોર્દખાયે તેની બાતમી આપી દેતાં રાજાનો જીવ બચી ગયો હતો એ વિષે તેમણે વાંચ્યું. 3 રાજાએ પૂછયું, “આ માટે મોર્દખાયને કંઈ સન્માન કે બક્ષિસ આપવામાં આવ્યાં છે?” રાજાના સેવકોએ જવાબ આપ્યો, “તેને માટે કંઈ જ કરવામાં આવ્યું નથી.” 4 રાજાએ પૂછયું, “મહેલના પ્રાંગણમાં કોઈ અધિકારી હાજર છે?” તે વખતે જ હામાન રાજમહેલના પ્રાંગણમાં આવ્યો. તે રાજાને મોર્દખાયને ફાંસી આપી દેવાનું કહેવા આવ્યો હતો. 5 આથી સેવકોએ જવાબ આપ્યો, “હામાન, આપને મળવા માગે છે.” રાજાએ કહ્યું, “તેને અંદર આવવા દો.” 6 હામાન અંદર આવ્યો એટલે રાજાએ તેને પૂછયું, “મારે કોઈનું બહુમાન કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ?” હામાને મનમાં વિચાર્યું, “રાજા મારા સિવાય બીજા કોનું બહુમાન કરવા માગતા હોય?” 7-8 તેથી તેણે રાજાને કહ્યું, “એવી વ્યક્તિ માટે તો રાજાનો રાજવી પોશાક, તેમની સવારી માટે વપરાતો ઘોડો તથા રાજમુગટ લાવવાં જોઈએ. 9 પછી જેનું બહુમાન કરવાની રાજાની ઇચ્છા હોય તેને રાજાનો સૌથી મુખ્ય અમલદાર તે પહેરાવે અને ઘોડા પર બેસાડીને સમગ્ર નગરચોકમાં ફેરવે. વળી, તે તેની આગળ પોકાર પાડે કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.” 10 ત્યારબાદ રાજાએ હામાનને કહ્યું, “જા, ઝટપટ રાજપોશાક તથા ઘોડો લઈ આવ અને રાજમહેલના દરવાજે બેઠેલા પેલા યહૂદી મોર્દખાયનું સન્માન કર. તું બોલ્યો છું એમાંનું કંઈ બાકી રહેવું જોઈએ નહિ.” 11 હામાને રાજપોશાક અને ઘોડો મંગાવ્યા. મોર્દખાયને રાજપોશાક પહેરાવ્યો, ઘોડા પર બેસાડયો અને નગરચોકમાં સર્વત્ર ફરી પોકાર પાડયો કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.” 12 મોર્દખાય રાજમહેલના દરવાજે પાછો આવ્યો, પણ હામાન હતાશામાં મુખ ઢાંકીને ઘેર જતો રહ્યો. 13 તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.” 14 તેઓ વાત કરતાં હતાં એવામાં જ રાજાના રાણીગૃહના અધિકારીઓ આવ્યા અને એસ્તેરે યોજેલા ભોજનસમારંભમાં હામાનને ઉતાવળે લઈ ગયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide