Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એસ્તેર 3 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદીઓની કત્લેઆમ માટે હામાનનું કાવતરું

1 ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.

2 રાજાએ પોતાના બધા અધિકારીઓને એવો હુકમ કર્યો હતો કે તેઓ હામાનને ધૂંટણિયે પડીને સલામ ભરે, બધા તે પ્રમાણે કરતા, પણ મોર્દખાયે એ પ્રમાણે સલામ ભરવાની ના પાડી.

3 ત્યારે રાજદરબારના અધિકારીઓએ મોર્દખાય શા માટે રાજાનો હુકમ માનતો નથી તેની પૂછપરછ કરી.

4 તેઓ દરરોજ મોર્દખાયને એ વિષે પૂછયા કરતા, પણ તેણે તેમને કંઈ જવાબ આપ્યો નહિ. છેવટે તેણે તેમને કહી દીધું કે પોતે યહૂદી હોવાથી હામાનને નમન કરતો નથી. તેથી તેમણે હામાનને એ વાતની જાણ કરી અને જોવા લાગ્યા કે હામાન મોર્દખાયની એવી વર્તણૂક સહન કરી લે છે કે કેમ.

5 જ્યારે હામાનને ખબર પડી કે મોર્દખાય તેને નમન કરીને માન આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો.

6 મોર્દખાય યહૂદી છે એવી તેને જાણ થઈ ગઈ હોવાથી માત્ર તેને એકલાને જ મારી નાખીને સંતુષ્ટ થવાને બદલે હામાને તમામ યહૂદીઓને ખતમ કરી નાખવાનું વિચાર્યું. તેણે સામ્રાજ્યમાંથી આખી યહૂદી પ્રજાની ક્તલ ચલાવવાનું કાવતરું ઘડી કાઢયું.

7 અહાશ્વેરોશ રાજાના અમલના બારમા વર્ષે પ્રથમ એટલે નિસાન માસમાં હામાને એની યોજના માટેનો મહિનો અને દિવસ નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ (એટલે પૂરીમ) નાખવાનો આદેશ કર્યો. ચિઠ્ઠીઓ નાખતાં બારમા એટલે અદાર માસનો તેરમો દિવસ નક્કી થયો.

8 હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાં બીજી પ્રજાઓમાં વિખેરાઈ ગયેલી એક પ્રજા વસે છે. બીજા લોકો કરતાં એમના રીતરિવાજ જુદા છે. તેઓ તમારા સામ્રાજ્યના કાયદા પ્રમાણે વર્તતા નથી. તેમને એમ નિરાંતે રહેવા દેવા એ આપના હિતમાં નથી.

9 તેથી જો આપને યોગ્ય લાગે તો તેમનો નાશ કરવાનો એક વટહુકમ બહાર પાડવો જોઈએ. જો આપ એમ કરશો તો સામ્રાજ્યના વહીવટ માટે હું રાજભંડારમાં દસ હજાર તાલંત ચાંદી આપીશ.”

10 તેથી રાજાએ પોતાની વીંટી કાઢીને યહૂદીઓના દુશ્મન અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાનને આપી.

11 રાજાએ તેને કહ્યું, “એ પૈસા અને પ્રજા પણ તારા હાથમાં છે. તારે તેમને જે કરવું હોય તે કર.”

12 તેથી પ્રથમ મહિનાની તેરમી તારીખે હામાને રાજાના સચિવોને બોલાવ્યા. હામાને વટહુકમ લખાવ્યો અને તેનો તરજુમો કરાવી દરેક પ્રાંત અને દરેક પ્રજાની ભાષા અને લિપિમાં બધા અમલદારો, રાજ્યપાલો અને અધિકારીઓ પર એ વટહુકમ મોકલી આપવાની તેમને આજ્ઞા કરી. એ હુકમ અહાશ્વેરોશ રાજાને નામે અને તેમની વીંટીથી મુદ્રા મારીને

13 સામ્રાજ્યના બધા પ્રાંતોમાં શીઘ્ર સંદેશકો દ્વારા મોકલવામાં આવ્યો. તેનું લખાણ આ પ્રમાણે હતું: બારમા એટલે અદાર માસના તેરમા દિવસે, એક જ દિવસમાં આબાલવૃદ્ધ બધાં જ યહૂદી સ્ત્રીપુરુષોની નિર્દયપણે કત્લેઆમ ચલાવવી અને તેમની માલમિલક્ત લૂંટી લેવી.

14 આ હુકમની દરેક પ્રાંતમાં લોકોને જાહેર રીતે જાણ કરવી જેથી બધાં તે દિવસને માટે તૈયાર રહે.”

15 રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan