એસ્તેર 2 - પવિત્ર બાઇબલ C.L.એસ્તેરને મળેલું રાણીપદ 1 અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમ્યો. તે પછી તેને રાણીએ કરેલું અપમાન તથા તેને લીધે જે હુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેની યાદ આવી. 2 રાજાના નિકટના સલાહકારોએ તેને સૂચવ્યું કે, “આપ શા માટે કોઈ સુંદર યુવાન કુમારિકાઓની શોધ કરતા નથી? 3 આપ આપના સામ્રાજ્યના બધા પ્રાંતોમાં અધિકારીઓની નિમણૂક કરો. તેમનું કામ સૂસાના રાજમહેલના રાણીગૃહમાં સુંદર યુવાન કુમારિકાઓ લાવવાનું રહે. તેમણે રાણીગૃહના અંગરક્ષક હેગેને એ કુમારિકાઓ દેખરેખ માટે સોંપવી. તેમને જરૂરી સૌંદર્યપ્રસાધનો પણ પૂરાં પાડવાં. 4 ત્યારબાદ રાજાને જે કુમારિકા પસંદ પડે તેને વાશ્તીની જગ્યાએ રાણીપદ આપવું.” રાજાને એ સલાહ સારી લાગતાં તેણે તે પ્રમાણે કર્યું. 5 સૂસાની રાજધાનીમાં મોર્દખાય નામે એક યહૂદી હતો. તે બિન્યામીનના કુળનો હતો અને કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. 6 જ્યારે બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યખોન્યાની સાથે જે લોકોને કેદી બનાવી બેબિલોન લઈ ગયો હતો તેમાં મોર્દખાય પણ હતો. 7 તેણે પોતાના ક્કાની પુત્રી હદાસ્સા, એટલે એસ્તેરને તેનાં માતપિતાના મૃત્યુ પછી પોતાની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી. એસ્તેર સુંદર અને સુડોળ હતી. 8 રાજાનો હુકમ બહાર પડતાં જ સૂસાના રાજમહેલના રાણીગૃહમાં ઘણી કુમારિકાઓને સંરક્ષકઅધિકારી હેગે પાસે લાવવામાં આવી. તેમાં એસ્તેર પણ હતી. 9 હેગેને એસ્તેર પસંદ પડી. તેથી તેણે તેના પર રહેમનજર રાખી. તેણે તેને સૌંદર્ય પ્રસાધનો અને ઉત્તમ ખોરાક તાત્કાલિક પૂરાં પાડયાં. રાણીગૃહમાં એસ્તેરને ઊંચું સ્થાન આપવામાં આવ્યું અને રાજમહેલમાંથી સાત યુવતીઓને તેની તહેનાતમાં રાખવામાં આવી. વળી તેને તથા તેની દાસીઓને સારામાં સારા નિવાસખંડ આપવામાં આવ્યા. 10 મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે તેની કોઈને પણ ખબર પડવા દીધી નહિ. 11 મોર્દખાય રાણીગૃહ પાસે દરરોજ આવતો-જતો રહેતો અને એસ્તેરની ખબરઅંતર તથા તેની ભાવિ પ્રગતિની માહિતી મેળવતો. 12 કુમારિકાઓને ઠરાવેલી રીત પ્રમાણે એક વર્ષ સુધી સૌંદર્ય પ્રસાધનોનો ઉપચાર કરીને તૈયાર કરવામાં આવતી. છ માસ બોળના અર્કથી અને છ માસ સુગંધીદ્રવ્યો તથા અન્ય પ્રસાધનો વડે તેમને તૈયાર કરવામાં આવતી. ત્યાર પછી જ દરેક કુમારિકાને અહાશ્વેરોશ રાજાની સમક્ષ જવાનો વારો આવતો. 13 રાણીગૃહમાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે એવો રિવાજ હતો. 14 સાંજે તે રાજા પાસે જતી અને સવારે બીજા રાણીગૃહમાં રાજાની રખાતોના રક્ષક અધિકારી શાઆશ્ગાઝ પાસે તે પાછી આવતી. રાજાને તે પસંદ પડી જાય તો તેને ફરી નામ દઈને બોલાવે, એ સિવાય ફરી કદી પણ તે રાજા પાસે જઈ શક્તી નહિ. 15 મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી. જેમણે એસ્તેરને જોઈ તે સૌએ તેનાં વખાણ કર્યાં. જ્યારે તેનો રાજા પાસે જવાનો વારો આવ્યો ત્યારે રાણીગૃહના અધિકારી હેગેએ તેને જે લેવાની સૂચના આપી હતી તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ. 16 અહાશ્વેરોશ રાજાના અમલના સાતમા વર્ષે, ટેબેથ એટલે દસમા માસમાં એસ્તેર રાજાની પાસે મહેલમાં ગઈ. 17 રાજાને બધી કુમારિકાઓમાંથી એસ્તેર વધુ પસંદ પડી અને તેણે તેના પર વિશેષ મહેરબાની રાખી. રાજાએ તેને પોતાનો રાજમુગટ પહેરાવીને વાશ્તીને બદલે એસ્તેરને રાણીપદ આપ્યું. 18 એસ્તેરના માનમાં રાજાએ પોતાના સર્વ રાજદરબારીઓ અને સેવકોને મોટી મિજબાની આપી. તેમણે સમગ્ર સામ્રાજ્યમાં આ દિવસ તહેવાર તરીકે પાળવાનું ફરમાન કાઢયું અને રાજાને છાજે તેવી ભેટસોગાદો આપી. મોર્દખાય દ્વારા રાજાનો બચાવ 19 બીજીવાર કુમારિકાઓને એકત્ર કરવામાં આવી. ત્યારે મોર્દખાયને રાજદ્વારી સ્થાન પ્રાપ્ત થયું. 20 એસ્તેર મોર્દખાયને ઘેર ઉછરતી હતી ત્યારે તે જેમ મોર્દખાયનું માનતી તેમ અત્યારે પણ માનતી. મોર્દખાયના કહેવા પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે એ વાતની ખબર કોઈને પડવા દીધી નહિ. 21 મોર્દખાય રાજદ્વારી નિમણૂક ધરાવતો હતો ત્યારે બિગ્થાન તથા તેરેશ રાજાના અંગરક્ષકો હતા. તેઓ બન્નેને રાજા પર ગુસ્સો આવ્યો અને તેમણે રાજાને મારી નાખવાનું કાવતરું ઘડયું. 22 મોર્દખાયને તેની ખબર પડી ગઈ અને તેણે તે વાત એસ્તેરને જણાવી દીધી. મોર્દખાય પાસેથી મળેલી બાતમી પરથી એસ્તેરે રાજાને જાણ કરી. 23 તપાસ કરવામાં આવતાં ખબર પડી કે મળેલી માહિતી સાચી હતી. આથી બન્ને સંરક્ષકોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. આ વિષેની નોંધ રાજાની સમક્ષ રાજ્યના ઇતિહાસમાં લેવામાં આવી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide