એફેસીઓ 5 - પવિત્ર બાઇબલ C.L.પ્રકાશમાં ચાલો 1 ઈશ્વરનાં પ્રિય બાળકો તરીકે તમે તેમનું અનુકરણ કરો. 2 ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ. 3 તમે ઈશ્વરના લોક છો તેથી તમારે વ્યભિચાર, અશુદ્ધતા અથવા લોભનું નામ સરખું ન લેવું. 4 વળી, તમે અશ્ર્લીલ, મૂર્ખ અથવા ભૂંડા શબ્દો વાપરો તે તમારે માટે યોગ્ય નથી. એને બદલે, તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. 5 તમે આ વાત તો જાણી લો કે વ્યભિચારી, દુરાચારી અથવા લોભી માણસ ખ્રિસ્ત અને ઈશ્વરના રાજનો ભાગીદાર કદી બનશે નહિ, કારણ, એવી વ્યક્તિ હકીક્તમાં મૂર્તિપૂજક જ છે. 6 કોઈ તમને મૂર્ખ શબ્દોથી છેતરી જાય નહિ. એવાં કાર્યો કરી ઈશ્વરને આધીન નહિ થનારા લોકો પર ઈશ્વરનો કોપ આવશે. 7 આવા લોકો સાથે કંઈ જ સંબંધ રાખશો નહિ. 8 એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે પ્રભુના લોક બન્યા હોવાથી તમે પ્રકાશમાં છો. તેથી તમારે પ્રકાશના લોક તરીકે જીવવાનું છે. 9 કારણ, પ્રકાશનાં ફળરૂપે જ ભલાઈ, ન્યાયીપણું અને સત્યતા આવે છે. 10 પ્રભુ પ્રસન્ન થાય એવી બાબતો પારખી લેવાને યત્ન કરો. 11 અંધકારનાં નિરર્થક કામોમાં ભાગ ન લો. એને બદલે, તેમને પ્રકાશમાં લાવો. 12 તેઓ ખાનગીમાં જે કાર્યો કરે છે તેની વાત કરવી પણ શરમજનક છે. 13 એ જ્યારે પ્રકાશમાં લાવવામાં આવે છે ત્યારે તેમનું સાચું સ્વરૂપ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. 14 કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.” 15 તેથી તમે કેવી રીતે જીવન જીવો છો તે પ્રત્યે ખાસ ધ્યાન આપો. અજ્ઞાન માણસની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ જીવન જીવો. 16 તમને મળતી દરેક તકનો સદુપયોગ કરો, કારણ, આ દિવસો ખરાબ છે. 17 માટે અબુધ ન રહો, પણ તમારે માટે પ્રભુની શી ઇચ્છા છે તે જાણી લો. 18 દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. 19 એકબીજાની સાથે ગીતો, સ્તોત્રો અને પવિત્ર ભજનોથી વાત કરો. તમારા પૂરા દિલથી ગીતો ને ભજનો ગાઈને પ્રભુની સ્તુતિ કરો. 20 અને સર્વ બાબતો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે ઈશ્વરપિતાનો આભાર નિત્ય માનો. આધીનતા અને પ્રેમ 21 ખ્રિસ્ત પ્રત્યેના તમારા આદરને લીધે તમે એકબીજાને આધીન રહો. 22 પત્નીઓ, જેમ પ્રભુને તેવી જ રીતે તમારા પતિને આધીન રહો. 23 કારણ, જેમ ખ્રિસ્તને મંડળી પર અધિકાર છે તે જ રીતે પતિને તેની પત્ની પર અધિકાર છે; અને ખ્રિસ્ત પોતે, મંડળી જે તેમનું શરીર છે, તેના ઉદ્ધારક છે. 24 જેમ મંડળી ખ્રિસ્તને આધીન રહે છે તેમ જ પત્નીએ પ્રત્યેક બાબતમાં પતિને આધીન રહેવું. 25 પતિઓ, તમે પણ ખ્રિસ્તે મંડળી પર કર્યો તેવો પ્રેમ તમારી પત્ની પર કરો; ખ્રિસ્તે તો મંડળી માટે પોતાનો જીવ આપી દીધો, 26 કે જેથી તે વચનરૂપી જળથી સ્નાન કરાવીને મંડળીને શુદ્ધ કરે; 27 અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે. 28 પતિઓ, તમે જેમ પોતાના શરીર પર પ્રેમ કરો છો તેવી જ રીતે તમારે પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્ની પર પ્રેમ કરે છે 29 તે પોતાના પર જ પ્રેમ કરે છે. 30 (કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ). 31 શાસ્ત્રમાં લખેલું છે: “આ કારણથી, પુરુષ પોતાના માતાપિતાને ત્યજી દેશે અને તેની પત્નીની સાથે જોડાશે અને તેઓ બંને એક થશે.” 32 આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે; અને એ તો ખ્રિસ્ત અને તેમની મંડળી સંબંધી છે એમ મારું કહેવું છે. 33 વળી, તે તમને પણ લાગુ પડે છે. દરેક પતિએ, જેવો પોતા પર તેવો જ પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide