એફેસીઓ 4 - પવિત્ર બાઇબલ C.L.શરીરનું ઐક્ય 1 પ્રભુનો કેદી બનેલો હું પાઉલ તમને વિનવણી કરું છું: ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો. 2 હંમેશાં નમ્ર, માયાળુ અને ધીરજવાન બનો. એકબીજાને મદદરૂપ થઈને તમારો પ્રેમ બતાવો. 3 તમને સંગઠિત રાખનાર શાંતિ દ્વારા પવિત્ર આત્મા તરફથી મળતા ઐક્યને સાચવી રાખવાને પ્રયત્નશીલ રહો. 4 ઈશ્વરે તમને એક જ આશાને માટે આમંત્રણ આપ્યું છે; તેવી જ રીતે એક શરીર છે અને એક આત્મા છે. 5 એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે; 6 એક ઈશ્વર, જે આપણા સૌના પિતા છે, જે સૌના પ્રભુ છે અને સૌમાં કાર્ય કરે છે અને સૌમાં છે. 7 ખ્રિસ્તે આપેલ કૃપાના પ્રમાણમાં આપણામાંના દરેકને ખાસ કૃપાદાન આપવામાં આવેલું છે. 8 શાસ્ત્રમાં લખેલું છે: “જ્યારે તે ઊંચાણમાં ગયા, ત્યારે પોતાની સાથે તે ઘણા કેદીઓને લઈ ગયા, અને તેમણે માણસોને બક્ષિસો આપી.” 9 હવે “તે ઊંચાણમાં ગયા” તેનો અર્થ શો? એનો અર્થ એ કે પ્રથમ તે નીચે, એટલે, પૃથ્વીના સૌથી ઊંડાણના ભાગોમાં ઊતર્યા. 10 તેથી જે નીચે ઊતરી આવ્યા તે જ ઉપરના આકાશમાં, અને એથી પણ ઊંચે ગયા છે, જેથી તે સર્વને પરિપૂર્ણ કરે. 11 તેમણે જ કેટલાકને પ્રેષિતો, કેટલાકને સંદેશવાહકો, કેટલાકને શુભસંદેશના પ્રચારકો, કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે બક્ષ્યા છે. 12 જેથી ઈશ્વરના સર્વ લોકો સેવાકાર્ય માટે સજ્જ થાય અને ખ્રિસ્તનું શરીર બંધાતું જાય; 13 અને અંતે આપણે ઈશ્વરપુત્ર પરના વિશ્વાસમાં અને તેમના જ્ઞાનમાં ઐકય પ્રાપ્ત કરીએ અને પરિપકવ બનીને ખ્રિસ્તની પરિપૂર્ણતાની સીમા સુધી પહોંચીએ. 14 જેથી પોતાની ચાલાકીભરી કુયુક્તિઓથી બીજાઓને ભમાવનાર કપટી માણસોના શિક્ષણરૂપી મોજાંથી ઘસડાનાર અને પવનથી આમતેમ ડોલનાર બાળકો જેવા આપણે ન રહીએ. 15 એને બદલે, પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમનામાં આપણે દરેક રીતે વૃદ્ધિ પામીએ. 16 તેમના નિયંત્રણ નીચે શરીરના બધા અવયવો પરસ્પર જોડાયેલા રહે છે અને સમગ્ર શરીર તેના દરેક સાંધાથી જોડાયેલું રહે છે. તેથી જ્યારે બધા અવયવ પોતપોતાનું કાર્ય કરે ત્યારે સમગ્ર શરીર વૃદ્ધિ પામે છે, અને પ્રેમથી સંગીન બને છે. ખ્રિસ્તમાં નવું જીવન 17 તેથી હું પ્રભુને નામે ચેતવણી આપતાં કહું છું કે, 18 હવેથી વિધર્મીઓ, જેમના વિચાર નિરર્થક છે અને જેમનું મન અંધકારમય છે, તેમના જેવું જીવન તમે ન જીવો. ઈશ્વરદત્ત જીવનમાં તેમને કંઈ લાગભાગ નથી; કારણ, તેઓ તદ્દન અજ્ઞાન અને હઠીલા છે. 19 તેમણે સઘળી શરમ મૂકી દીધી છે; તેઓ લંપટ બની ગયા છે, અને સર્વ પ્રકારનાં અશુદ્ધ કાર્યો નિરંકુશપણે કરે છે. 20 તમે ખ્રિસ્ત પાસેથી એવું કશું શીખ્યા નથી. 21 તમે તેમને વિષે સાંભળ્યું છે અને તેમના અનુયાયીઓ તરીકે ઈસુમાં જે સત્ય છે તેનું તમને શિક્ષણ આપવામાં આવ્યું છે. 22 તેથી તમારા પહેલાંના જીવનવ્યવહારનું જૂનું વ્યક્તિત્વ, જે તેની છેતરામણી વાસનાઓથી ક્ષીણ થતું જાય છે તે ઉતારી નાખો; 23 તમારી મનોવૃત્તિઓમાં નવા બનો, 24 અને ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાને લીધે સાચી પવિત્રતાને અર્થે સર્જાયેલું નવું વ્યક્તિત્વ, જે ઈશ્વરના સ્વભાવને અનુરૂપ છે તે પહેરી લો. 25 જૂઠું બોલવાનું તજી દો; એને બદલે, દરેકે પોતાના માનવબધું સાથે સાચું બોલવું. કારણ, આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ. 26 જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો. 27 એમ શેતાનને તક ન આપો. 28 જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ, જેથી પોતાને માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય. 29 વાતચીતમાં નુક્સાનકારક શબ્દો વાપરો નહિ, પણ માત્ર ઉન્નતિકારક અને જરૂર જેટલા જ શબ્દો વાપરો; જેથી સાંભળનારનું ભલું થાય. 30 ઈશ્વરના પવિત્ર આત્માને દુ:ખી ન કરો. કારણ, પવિત્ર આત્મા તો તમારા પર લગાવેલી ઈશ્વરની માલિકીની મહોર છે અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે. 31 તમારામાંથી સર્વ પ્રકારની કડવાશ, ઉશ્કેરાટ અને ગુસ્સો કાઢી નાખો. ઝઘડો કે નિંદા કરો નહિ. સર્વ પ્રકારની ભૂંડાઈ કાઢી નાખો. 32 એના કરતાં એકબીજા પ્રત્યે માયાળુ અને કોમળ દયના થાઓ અને જેમ ઈશ્વરે તમને ખ્રિસ્તને લીધે માફી આપી તેમ તમે એકબીજાને ક્ષમા આપો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide