એફેસીઓ 3 - પવિત્ર બાઇબલ C.L.બિનયહૂદીઓને માટે પાઉલનું જીવનકાર્ય 1 આ કારણથી તમ બિનયહૂદીઓને માટે ઈસુ ખ્રિસ્તનો કેદી, હું પાઉલ, ઈશ્વરને પ્રાર્થના કરું છું. 2 ઈશ્વરે તેમની કૃપામાં તમારા ભલાને માટે મને જે કાર્ય સોપ્યું છે, એ વિષે તમે જરૂર સાંભળ્યું છે. 3 ઈશ્વરે મને તેમની માર્મિક યોજના પ્રગટ કરીને જણાવી છે. (આ વિષે મેં ટૂંકમાં લખ્યું છે. 4 અને મેં જે લખ્યું છે તે જો તમે વાંચો તો ખ્રિસ્તના રહસ્ય વિષેની મારા જેવી સમજ તમે મેળવી શકશો). 5 ભૂતકાળમાં માણસોને આ રહસ્ય જણાવવામાં આવ્યું ન હતું, પણ વર્તમાન સમયમાં ઈશ્વરે પોતાના આત્માની મારફતે તેમના પ્રેષિતો અને સંદેશવાહકોને આ રહસ્ય જણાવ્યું છે. 6 રહસ્ય આ પ્રમાણે છે: શુભસંદેશની મારફતે ઈશ્વરની આશિષોમાં યહૂદીઓની સાથે બિનયહૂદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ શરીરનાં અંગો છે અને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે. 7 ઈશ્વરે પોતાની શક્તિથી કાર્ય કરીને મને આપેલા ખાસ કૃપાદાનની મારફતે મને શુભસંદેશનો સેવક બનાવ્યો છે. 8-9 ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું; 10 જેથી વર્તમાન સમયમાં સ્વર્ગીય ક્ષેત્રના અધિકારીઓ અને સત્તાધીશો મંડળીની મારફતે ઈશ્વરનું બહુવિધ જ્ઞાન જાણી શકે. 11 ઈશ્વરે પોતાના સનાતન હેતુ પ્રમાણે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુની મારફતે એ સિદ્ધ કર્યું છે. 12 તેમનામાં મેળવાયા હોવાથી અને તેમના પરના આપણા વિશ્વાસ દ્વારા સંપૂર્ણ ખાતરીથી ઈશ્વર સમક્ષ જવાને આપણને સ્વતંત્રતા છે. 13 તેથી હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તમારે લીધે હું જે દુ:ખ ભોગવું છું તેથી તમે નિરાશ ન થાઓ; એ તો તમારા લાભ માટે જ છે. ખ્રિસ્તનો પ્રેમ 14-15 આ કારણને લીધે, જેમના પરથી સ્વર્ગ અને પૃથ્વીના દરેક કુટુંબને નામ મળે છે તે ઈશ્વરપિતા સમક્ષ હું ધૂંટણે પડીને પ્રાર્થના કરું છું. 16 હું ઈશ્વર પાસે માગું છું કે તે તેમના મહિમાની સંપત્તિમાંથી તેમના પવિત્ર આત્માની મારફતે તમને બળ આપે; જેથી તમે આંતરિક રીતે બળવાન થાઓ, 17 અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય. 18 જેથી ઈશ્વરના સર્વ લોકની સાથે સાથે તમે પણ ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈનો ખ્યાલ મેળવી શકો, 19 વળી, તમે તેમનો પ્રેમ જાણી શકો - જો કે એ તો કયારેય સંપૂર્ણ રીતે કદી જાણી શકાય નહિ - જેથી તમે ઈશ્વરની બધી પરિપૂર્ણતાથી પૂર્ણ થાઓ. 20 આપણામાં કાર્ય કરતા તેમના સામર્થ્યની મારફતે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ કરવાને જે શક્તિમાન છે, 21 તેવા ઈશ્વરનો મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં સદા સર્વકાળ મહિમા હો. આમીન. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide