Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓ 2 - પવિત્ર બાઇબલ C.L.


મૃત્યુમાંથી જીવન

1 ભૂતકાળમાં તમે તમારા આજ્ઞાભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા.

2 તે સમયે તમે આ દુનિયાને માર્ગે ચાલતા હતા; તમે અવકાશમાંની આત્મિક સત્તાઓના અધિકારીને, એટલે ઈશ્વરને આધીન નહિ રહેનારા લોકો પર કાબૂ ધરાવનાર આત્માને આધીન રહેતા હતા.

3 હકીક્તમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા, અને આપણી શારીરિક અને માનસિક વૃત્તિઓ પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વભાવે ઈશ્વરના કોપને પાત્ર હતા.

4 પણ ઈશ્વરની કૃપા એટલી બધી સમૃદ્ધ છે, અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે

5 જ્યારે આજ્ઞાભંગને લીધે આપણે આત્મિક રીતે મરેલા હતા, ત્યારે તેમણે આપણને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે.

6 ખ્રિસ્ત ઈસુ સાથેના આપણા સંબંધને લીધે ઈશ્વરે આપણને તેમની સાથે સજીવન કર્યા છે, અને આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ઈસુની સાથે બિરાજમાન કર્યા છે.

7 એમ કરવા દ્વારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રેમ બતાવીને આપણા પ્રત્યે તેમની કૃપાની સમૃદ્ધિ કેવી મહાન છે તે ભાવિ યુગોમાં બતાવવા માગતા હતા.

8 કારણ, માત્ર ઈશ્વરની કૃપાને લીધે જ વિશ્વાસ કરવા દ્વારા તમારો ઉદ્ધાર થયો છે. તે તમારાથી બન્યું નથી, પણ ઈશ્વરની બક્ષિસ છે.

9 આથી એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી. કારણ, તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી.

10 ઈશ્વર આપણા સર્જનહાર છે અને પહેલેથી નક્કી કર્યા પ્રમાણે સારાં કાર્યોનું જીવન જીવવા તેમણે આપણને ખ્રિસ્ત ઈસુ દ્વારા સજર્યા છે.


ખ્રિસ્તમાં ઐક્ય

11 તમે જન્મે બિનયહૂદી છો. યહૂદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલા તરીકે ઓળખાવે છે. આ તો શારીરિક સુન્‍નતનો નિર્દેશ છે. તેથી ભૂતકાળમાં તમે કેવા હતા તે યાદ કરો!

12 તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.

13 પણ હવે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને લીધે તમે જેઓ પ્રથમ ઘણા દૂર હતા તેમને ખ્રિસ્તના રક્ત દ્વારા નજીક લાવવામાં આવ્યા છે.

14 ખ્રિસ્તે જાતે જ આપણા શાંતિ- સ્થાપક બનીને યહૂદીઓ અને બિનયહૂદીઓને એક માનવપ્રજા બનાવ્યા છે. જે દીવાલ તેમને એકબીજાથી જુદા પાડતી હતી અને દુશ્મનો બનાવતી હતી તેને ખ્રિસ્તે પોતાના શરીર દ્વારા તોડી પાડી છે.

15 પોતાની સાથેના સંબંધ દ્વારા બંને પ્રજાઓમાંથી એક નવી પ્રજા બનાવવા અને એમ શાંતિ સ્થાપવા માટે તેમણે પોતાના શરીર દ્વારા યહૂદી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને તેના નિયમો સહિત રદ કર્યું છે.

16 ખ્રિસ્તે ક્રૂસ પરના તેમના મરણની મારફતે આપણી એ અરસપરસની દુશ્મનાવટનો સંહાર કર્યો છે, અને ક્રૂસ દ્વારા જ તેમણે બંને પ્રજાને એક શરીરરૂપ કરીને તેમનું ઈશ્વરની સાથે સમાધાન કરાવ્યું છે.

17 આમ, ખ્રિસ્તે આવીને તમ બિનયહૂદીઓ, જેઓ ઈશ્વરથી ઘણા દૂર હતા; અને યહૂદીઓ, જેઓ ઈશ્વરની નજદીક હતા, એ સૌને શુભસંદેશનો પ્રચાર કર્યો છે.

18 ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ.

19 આમ, તમે બિનયહૂદીઓ હવે પરદેશી કે પારકા રહ્યા નથી, પણ તમે ઈશ્વરના લોકની સાથે સહનાગરિકો છો અને ઈશ્વરના કુટુંબના સભ્યો છો.

20 પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે.

21 ઈસુ જ સમગ્ર બાંધક્મને ધરી રાખે છે અને તે બાંધક્મ પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે.

22 ઈસુની સાથેના સંબંધને લીધે બીજાઓની સાથે તમે પણ એ ઘરમાં ચણાયા છો; તે ઘરમાં ઈશ્વર પોતાના આત્માની મારફતે વસે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan