Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 9 - પવિત્ર બાઇબલ C.L.

1 આ બધા વિશે ઊંડો વિચાર કરતાં મને સમજાયું કે સદાચારીઓ અને જ્ઞાનીઓ તથા તેમનાં કામો, તેમનાં પ્રેમ અને ઘૃણા પણ ઈશ્વરના હાથમાં છે. ભવિષ્યમાં શું થનાર છે તે વિશે કોઈ કશું જાણતું નથી. એનાથી કંઈ ફરક પણ પડતો નથી.

2 સદાચારી અને દુરાચારી, ભલા અને ભૂંડા, શુદ્ધ અને અશુદ્ધ, યજ્ઞ કરનાર અને ન કરનાર સૌનું ભાવિ એક જ છે. જેવી સજ્જનની તેવી જ દુર્જનની હાલત થાય છે. સોગન ખાનાર અને સોગનથી ડરનાર બન્‍નેનું ભાવિ એક જ છે.

3 આ પૃથ્વી પર જે કંઈ થાય છે તેમાં આ જ મોટું અનિષ્ટ છે કે સૌનું ભાવિ એક જ છે. મનુષ્યોનાં હૃદય ભૂંડાઈથી ભરેલાં હોય છે. જિંદગીભર તેમનાં હૃદયોમાં બેવકૂફી હોય છે અને પછી તેઓ મૃત્યુ પામે છે.

4 જે માણસનો સંબંધ જીવતાંઓ સાથે છે તેને માટે આશા છે; મૂએલા સિંહ કરતાં જીવતો કૂતરો સારો છે.

5 જીવતાંઓ જાણે છે કે તેઓ મૃત્યુ પામવાનાં છે. પરંતુ મૃત્યુ પામેલાં તો કંઈ જાણતા નથી. હવે તેમને કશો બદલો મળવાનો નથી. તેમની તો યાદગીરી પણ ભુલાઈ ગઈ છે.

6 તેમનો પ્રેમ, તેમનો દ્વેષ, અને તેમની કામનાઓ સર્વ નષ્ટ થયાં છે. દુનિયા પર જે કંઈ બનાવો બને છે તેમાં તે કદી ભાગ લઈ શકવાના નથી.

7 જા, આનંદથી તારું ભોજન ખા અને ઉમંગથી દ્રાક્ષાસવ પી, કારણ, તારાં કામનો ઈશ્વરે સ્વીકાર કર્યો છે.

8 હંમેશા સુખી અને આનંદી રહે.

9 આ દુનિયામાં ઈશ્વરે તને જે અલ્પ આયુષ્ય આપ્યું છે તે દરમ્યાન તારી પ્રિય પત્ની સાથે જીવનનો આનંદ ભોગવી લે. કારણ, આ દુનિયામાં અને આ જીવનમાં તું જે પરિશ્રમ ઉઠાવે છે તેમાં એ જ તારો હિસ્સો છે.

10 જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.

11 વળી, આ દુનિયામાં મેં એવું પણ નિરીક્ષણ કર્યું કે ઝડપી દોડનાર જ હમેશાં શરતમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.

12 પોતાનો સમય ક્યારે આવશે તે કોઈ માણસ જાણતો નથી. જાળમાં સપડાઈ જતી માછલીની જેમ, ફાંદામાં ફસાઈ જતા પક્ષીની જેમ મનુષ્યો માઠા સમયની જાળમાં અચાનક ફસાઈ જાય છે.


જ્ઞાન અને મૂર્ખાઈ પર વિચાર

13 મેં પૃથ્વી પર ડહાપણની એક વાત જોઈ અને તે મને મહત્ત્વપૂર્ણ લાગી.

14 ઓછી વસ્તીવાળું એક નાનું નગર હતું. એક મોટા રાજાએ તેના પર આક્રમણ કરી તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોરચા બાંયા.

15 આ નાના નગરમાં એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું છતાં પણ તે ગરીબ માણસને કોઈએ સંભાર્યો નહિ.

16 ત્યારે મેં કહ્યું કે બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે અને તેના કહેવા પર કોઈ ધ્યાન દેતું નથી.

17 મૂર્ખોના સરદારના પોકારો કરતાં જ્ઞાનીઓના શાંત શબ્દો સાંભળવા એ સારું છે.

18 યુદ્ધનાં શસ્ત્રો કરતાં બુદ્ધિ ચડિયાતી છે. પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan