Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 8 - પવિત્ર બાઇબલ C.L.


રાજાની આજ્ઞા પાળવી

1 જ્ઞાનીને કોની સાથે સરખાવી શકાય? માત્ર જ્ઞાની જ દરેક વાતનો અર્થ જાણે છે. જ્ઞાનને કારણે માણસનું મુખ તેજસ્વી બને છે, અને તેના ચહેરાની કઠોરતા દૂર થઈ જાય છે.

2 ઈશ્વરની સમક્ષ લીધેલા શપથને લીધે રાજાની આજ્ઞા પાળ અને તેનો વગર વિચાર્યે ભંગ ન કર.

3 રાજાની હજૂરમાં વધુ સમય રોકાઈશ નહિ, કારણ, તે ચાહે તે કરી શકે છે. એવી ભયજનક જગ્યાએ ઊભો ન રહે.

4 રાજાનો શબ્દ સર્વોપરી હોય છે. તમે આ શું કરો છો એવું તેને કોણ કહી શકે?

5 જે મનુષ્ય આજ્ઞા પાળે છે તેને કશું નુક્સાન થતું નથી; અને જ્ઞાની મનુષ્ય યોગ્ય સમય અને યોગ્ય કાર્યપદ્ધતિ જાણે છે.

6 દરેક વાતને માટે તેનો યોગ્ય સમય અને યોગ્ય કાર્યપદ્ધતિ હોય છે. છતાં માણસને માથે ભારે દુ:ખ છે.

7 કારણ, મનુષ્ય શું થવાનું છે તે જાણતો નથી. ભવિષ્યમાં શું થનાર છે તે તેને કોણ કહી શકે?

8 પોતાના નીકળતા પ્રાણને રોકવાની કોઈ મનુષ્યની તાક્ત નથી અથવા તે પોતાના મૃત્યુના દિવસને પાછો ઠેલી શક્તો નથી. એ યુદ્ધમાંથી કોઈને છુટકારો મળતો નથી. છેતરપિંડી કરીને ય કોઈ એનાથી છટકી શકતું નથી.


દુરાચારી અને સદાચારી

9 મેં જ્યારે પૃથ્વી પર થતાં કાર્યો પર ગંભીરતાથી વિચાર કર્યો ત્યારે મેં જોયું કે દુનિયામાં એક મનુષ્ય બીજા મનુષ્ય પર સત્તા જમાવી તેને નુક્સાન પહોંચાડે છે.

10 મેં દુષ્ટોને કબરોમાં દટાતા જોયા છે, પરંતુ જ્યાં એ દુષ્ટોએ દુષ્ટતા આચરી હતી તે શહેરમાં જ કબરસ્તાનમાંથી પાછા ફરેલા લોકો તેમની પ્રશંસા કરતા હોય છે. આ પણ મિથ્યા છે.

11 દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.

12 અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.

13 પણ દુષ્ટનું ભલું થશે નહિ. કારણ, તે ઈશ્વરનો ડર રાખતો નથી અને તેનું જીવન પડછાયાની જેમ લંબાશે નહિ.

14 પૃથ્વી પર એક બીજી વ્યર્થતા પણ છે. દુરાચારીને થવી જોઈતી સજા સદાચારીને થાય છે અને સદાચારીને મળવો જોઈતો પુરસ્કાર દુરાચારીને મળે છે.

15 તેથી હું આનંદથી જીવવાની ભલામણ કરું છું. કારણ, ખાવું, પીવું અને મોજમઝા કરવી તે વિના માણસ માટે દુનિયામાં બીજું કંઈ સારું નથી. ઈશ્વરે આ દુનિયામાં તેને આપેલા આયુષ્યમાં તેણે કરેલા પરિશ્રમના ફળરૂપે તેને એટલું તો મળવું જોઈએ.

16 મેં જ્ઞાન સંપાદન કરવામાં તથા દુનિયા પર ચાલતાં કામો જોવામાં મારું મન લગાડયું તો મને જણાયું કે માણસો દિવસ કે રાતે નિદ્રા લીધા વિના ગમે તેટલી મહેનત કરે,

17 તો પણ તે આ દુનિયામાં ઈશ્વરનાં કાર્યોનો ભેદ સમજી શક્તા નથી. કોઈક બુદ્ધિમાન વ્યક્તિ તે ભેદ જાણવાનો દાવો કરતી હોય, તો પણ તે એ સત્ય જાણી શક્તી નથી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan