Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 7 - પવિત્ર બાઇબલ C.L.


જીવન વિશે ચિંતન

1 મૂલ્યવાન અત્તર કરતાં નામની કીર્તિ સારી છે અને જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ વધારે સારો છે.

2 મિજબાનીના ઘરમાં જવા કરતાં મૃત્યુને લીધે શોકપીડિત ઘરમાં જવું સારું છે; કારણ, મૃત્યુ એ સર્વ માણસોનો અંત છે. દરેક જીવંત વ્યક્તિએ આ વાત સદા સ્મરણમાં રાખવી જોઈએ.

3 હાસ્ય કરતાં વિષાદ સારો, કારણ, વિષાદ ચહેરાને દુ:ખી બનાવે છે, પણ સમજને તેજ કરે છે.

4 બુદ્ધિમાનનું ચિત્ત શોકપીડિત ઘરમાં હોય છે પરંતુ મૂર્ખનું મન આનંદપ્રમોદના ઘરમાં હોય છે.

5 મૂર્ખનાં પ્રશંસાગીત સાંભળવા કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો.

6 મૂર્ખનું હસવું હાલ્લાં નીચે સળગતા કાંટાના તડતડાટ જેવું છે. તે પણ મિથ્યા છે.

7 જુલમ બુદ્ધિમાનને પણ મૂર્ખ બનાવે છે અને લાંચ ચારિયને ભ્રષ્ટ કરે છે.

8 કાર્યના આરંભ કરતાં તેનો અંત સારો અને અહંકારી કરતાં ધીરજવાન સારો.

9 ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે.

10 વીતેલો સમય આજના સમય કરતાં કેમ સારો હતો એવો પ્રશ્ર્ન ઉઠાવીશ નહિ. કારણ, એવો પ્રશ્ર્ન ડહાપણયુક્ત નથી.

11 જીવિત વ્યક્તિઓ માટે જ્ઞાન લાભદાયી છે; કારણ ધનસંપત્તિ કરતાં બુદ્ધિ ઉત્તમ છે.

12 ધનની સલામતી કરતાં જ્ઞાનની સલામતી સારી છે; જ્ઞાન તો પોતાને ધરાવનારનું રક્ષણ કરે છે, એ તેનો લાભ છે.

13 ઈશ્વરનાં કાર્યો વિશે વિચાર કરો. ઈશ્વરે જેને વાંકું બનાવ્યું છે તેને કોણ સીધું કરી શકે?

14 સુખના દિવસોમાં આનંદ કર ને દુ:ખના દિવસોમાં વિચાર કે ઈશ્વરે સુખદુ:ખને એકબીજાનાં સાથી બનાવ્યાં છે. હવે પછી શું થવાનું છે તે કોઈ માણસ જાણી શકતું નથી.

15 મેં મારા વ્યર્થ જીવનમાં ઘણું બધું નિહાળ્યું છે: નેક માણસ તેની નેકી છતાં માર્યો જાય છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.

16 તેથી વધુ પડતી ભલાઈ ન દાખવવી; તેમ જ વધુ પડતું શાણપણ પણ દાખવવું નહિ. શા માટે પોતે પોતાનો નાશ કરવો?

17 વળી, અતિશય દુષ્ટ ન થવું તેમજ અતિશય મૂર્ખ ન થવું. શા માટે અકાળ મૃત્યુનો ભોગ બનવું. સારી વાત તો એ છે કે કોઈપણ બાબતનો અતિરેક ટાળવો.

18 કારણ, ઈશ્વરનો ડર રાખનાર સર્વ સંજોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે.

19 નગરના દસ શાસકો કરતાં જ્ઞાન જ્ઞાનીને અધિક શક્તિશાળી બનાવે છે.

20 જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.

21 માણસના પ્રત્યેક શબ્દ પર લક્ષ ન આપ, નહિ તો તારે તારા દાસ દ્વારા તને અપાતો શાપ સાંભળવો પડશે.

22 કારણ, તારું હૃદય જાણે છે કે તેં પણ ઘણીવાર બીજાઓને શાપ દીધો છે.

23 મેં આ સર્વની બુદ્ધિ દ્વારા ક્સોટી કરી છે. મેં જ્ઞાની થવાનો નિશ્ર્વય કર્યો, પણ જ્ઞાન તો મારાથી દૂર જ રહ્યું.

24 જીવનનું રહસ્ય કોણ પામી શકે? તે આપણે માટે અતિગહન અને સમજવા માટે અતિ મુશ્કેલ છે.

25 મેં જ્ઞાન મેળવવામાં, તેને શોધી કાઢવામાં અને સર્વ વસ્તુઓનો સાર શોધવામાં મન લગાડયું અને મને માલૂમ પડયું કે દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે અને મૂર્ખતા એ પાગલપણું છે.

26 મને સમજાયું કે સ્ત્રીની ફસામણી મૃત્યુથી યે વધુ ક્રૂર છે. તેનું હૃદય જાળરૂપ છે અને તેના હાથ બેડીઓ સમાન છે. જે કોઈ ઈશ્વરને પ્રસન્‍ન કરે છે તે તેનાથી બચી જશે, પણ પાપી તેનાથી પકડાઈ જશે.

27 તત્ત્વચિંતિકા કહે છે કે બધાને એકબીજાની સાથે સરખાવી જોતાં મને આટલી ખબર પડી છે:

28-29 મને હજારમાં એક સાચો પુરુષ મળ્યો છે, પણ હજારમાં એકે સાચી સ્ત્રી મળી નથી. મને તો એટલું જ સમજાયું છે કે ઈશ્વરે તો માણસને સીધોસાદો બનાવ્યો હતો, પરંતુ માણસે ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan