સભાશિક્ષક 5 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરની અદબ જાળવો 1 તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે સંભાળીને જજે. મૂર્ખોની માફક યજ્ઞાર્પણ ચડાવવા કરતાં ઈશ્વરમંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું સારું છે; કારણ, મૂર્ખો પાસે સાચાખોટાનો વિવેક નથી. 2 વિચારીને બોલ, અને ઈશ્વર આગળ ઉતાવળથી વચનો ન આપ. ઈશ્વર આકાશમાં છે ને તું પૃથ્વી પર; તેથી તારે કહેવાનું હોય તેથી વિશેષ કંઈ ન કહે. 3 પુષ્કળ કામની ચિંતાથી પુષ્કળ સ્વપ્નો આવે છે અને વધુ બકવાસ કરવાથી મૂર્ખની મૂર્ખતા પ્રગટ થાય છે. 4 જ્યારે તું ઈશ્વર આગળ માનતા માને ત્યારે તે પૂરી કરવામાં વિલંબ ન કરીશ, કારણ, ઈશ્વર મૂર્ખો પર રાજી નથી. તારી માનતા પૂરી કર. 5 માનતા માનીને પૂરી ન કરવા કરતાં માનતા ન માનવી એ સારું છે. 6 તારા મુખના શબ્દો તને પાપમાં દોરી ન જાય, નહિ તો તારે ઈશ્વરના યજ્ઞકાર સમક્ષ “મારાથી ભૂલ થઈ ગઈ છે.” એમ કહેવું પડશે. તારે શા માટે બોલવામાં ઈશ્વરને કોપાયમાન કરવા અને પરિશ્રમપૂર્વક કરાયેલા તારા કામને નષ્ટ કરાવવું? 7 અધિક સ્વપ્નો અને બિનજરૂરી વાતો નકામાં છે; પણ તું ઈશ્વરનો ડર રાખ. જીવન અસાર છે 8 જો તું કોઈ રાજ્યમાં ગરીબો પર જુલમ થતો જુએ અને તેમના ન્યાય અને હક્ક ઊંધા વળાતા જુએ તો તેથી તું આશ્ર્વર્ય પામીશ નહિ; કારણ, ત્યાં દરેક અધિકારીને તેના ઉપરી અધિકારીનું રક્ષણ હોય છે અને તે બન્નેને તેમના સૌથી મોટા અધિકારીનું રક્ષણ હોય છે. 9 વળી, બીજાઓની જેમ રાજાનો આધાર પણ ખેતીના પાક ઉપર હોય છે. 10 પૈસા પર પ્રેમ રાખનારો કદી પૈસાથી સંતુષ્ટ થતો નથી. ધનસંપત્તિ પર પ્રેમ રાખનાર તેની સમૃદ્ધિથી તૃપ્ત થતો નથી. 11 સંપત્તિ વધે છે ત્યારે ખાનારાં પણ વધે છે. તેના માલિકને તેનાથી શો લાભ? એ જ કે પોતે સંપત્તિવાન છે એટલું તે જાણે છે. 12 મજૂર થોડું ખાય કે ઘણું, પણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ ધનવાનની સંપત્તિ તેને ઊંઘવા દેતી નથી. 13 મેં પૃથ્વી પર એક દુ:ખદ બાબત જોઈ છે: માણસ પોતાના દુ:ખના સમય માટે ધનનો સંગ્રહ કરે છે. 14 પછી તે કોઈ અવિચારી સાહસમાં નાશ પામે છે, અને તેનાં બાળકોના હાથમાં પણ કંઈ આવતું નથી. 15 તે જેવો પોતાની જનેતાની કૂખે જન્મ્યો હતો તેવો જ કશું લીધા વગર પાછો જાય છે. તે પોતાના પરિશ્રમનું કંઈ ફળ પોતાની સાથે લઈ જઈ શકશે નહિ. 16 આ પણ ભારે દુ:ખ છે. જેવો આવ્યો હતો તેવો જ પાછો જાય છે. હવામાં બાચકા ભરવા જેવી કરેલી મહેનતથી તેને શો લાભ થયો? 17 વળી, તેને તેનું આખું આયુષ્ય અંધકારમાં, દુ:ખમાં અને ચિંતામાં, ક્રોધમાં અને રોગમાં વ્યતીત કરવું પડે છે. 18 મેં આ અનુભવ્યું છે અને એ ઉચિત પણ લાગે છે કે ઈશ્વરે આપેલા આ અલ્પ આયુષ્યમાં મનુષ્યને માટે આ દુનિયામાં ખાવું, પીવું ને પોતાના પરિશ્રમનાં ફળ માણવાં એ જ સારું છે. એ જ તેનું ભાવિ છે. 19 જે મનુષ્યને ઈશ્વરે ધન, સંપત્તિ અને તેમનો ઉપભોગ કરવાની શક્તિ આપ્યાં છે તેણે પોતાની પરિસ્થિતિનો ઉપકાર સહિત સ્વીકાર કરીને આનંદપૂર્વક પરિશ્રમ કરવો જોઈએ. 20 પોતાનું આયુષ્ય કેટલુ અલ્પ છે તેની તે ચિંતા કરશે નહિ, કારણ, ઈશ્વરે તેના અંત:કરણને આનંદથી ભર્યું હશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide