સભાશિક્ષક 4 - પવિત્ર બાઇબલ C.L.1 પછી મેં પૃથ્વી પર થતા જુલમો જોયા. મેં જુલમ વેઠનારાઓનાં આંસુ નિહાળ્યાં, પરંતુ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર અત્યાચાર ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પરંતુ પીડિતોને સહાય કરનાર કોઈ નહોતું. 2 તેથી તો હું મૃત્યુ પામી ચૂકેલાંને જીવતાઓ કરતાં સુખી માનું છું. 3 પરંતુ એ બન્ને કરતાં જેઓ હજી જન્મ્યાં જ નથી, ને જેમણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં જ નથી તે વધારે સુખી છે. 4 મેં જોયું કે સફળ થવા માટેના માણસના કઠોર પરિશ્રમના મૂળમાં તેમના પડોશીઓ પાસેની વસ્તુઓ અંગેની ઈર્ષ્યા છે. આ પણ મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન છે. 5 મૂર્ખ હાથ જોડીને બેસી રહે છે અને એમ ભૂખે મરે છે. 6 શ્રમ વેઠીને તથા હવામાં બાચકા ભરીને ખોબેખોબા મેળવવા કરતાં મનની શાંતિ સહિત મૂઠીભર મળે તે સારું છે. 7 મેં પૃથ્વી પર એક બીજી મિથ્યા બાબત જોઈ. 8 એક મનુષ્ય એકલો જ છે. તેને નથી ભાઈ કે નથી પુત્ર. છતાં તેની મહેનતનો પાર નથી. તેની આંખો ધનસંપત્તિથી તૃપ્ત થતી નથી. તે પોતે વિચારતો નથી કે હું કોને માટે આ પરિશ્રમ ઉઠાવું છું અને મારી જાતને શા માટે સુખચેનથી વંચિત રાખું છું? આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખ છે. 9 એક કરતાં બે ભલા; કારણ, તેઓ સાથે મળીને વધુ અસરકારક કામ કરી શકે છે. 10 જો એક પડી જાય તો બીજો પોતાના સાથીને ઊભો કરે છે; પણ પડતી વેળાએ તે એકલો હોય તો તેને કોણ ઊભો કરે? 11 વળી જો બે જણ સાથે સૂએ તો તેમને હૂંફ રહે, પણ એકલો માણસ કેવી રીતે હૂંફ પ્રાપ્ત કરે? 12 એકલા પર હુમલો કરનાર તેને હરાવી શકે, પણ બે જણ હુમલો કરનારનો પ્રતિકાર કરી શકે. ત્રેવડી વણેલી દોરી જલદી તૂટી જતી નથી. 13-14 કોઈ એક દરિદ્ર માણસ પોતાના દેશનો રાજા બને અને જેલમાંથી રાજસિંહાસન સુધી પહોંચી જાય, પણ પોતાની વૃદ્ધાવસ્થામાં સલાહ ન સ્વીકારવાની મૂર્ખતા દાખવે, તો એના કરતાં કોઈ ગરીબ પણ શાણો જુવાન વધુ સારો. 15 આ પૃથ્વી પર વસનારાઓનો વિચાર કરતાં મેં જોયું કે પેલો યુવાન વૃદ્ધ રાજાનું સ્થાન લેશે અને લોકો તેના પક્ષમાં રહેશે. 16 એ રાજાને અનુસરનાર અગણિત પ્રજાજનો હોય તોપણ પછીની પેઢીના લાકો તેનાથી પ્રસન્ન થશે નહિ. સાચે જ આ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide