સભાશિક્ષક 3 - પવિત્ર બાઇબલ C.L.પ્રત્યેક બાબત માટે નિશ્ર્વિત સમય 1 પ્રત્યેક બાબત માટે નિશ્ર્વિત સમય હોય છે. પ્રત્યેક સમય માટે ચોક્કસ મોસમ હોય છે. 2 જન્મનો સમય અને મૃત્યુનો સમય, રોપવાનો સમય અને રોપેલું ઉખાડી નાખવાનો સમય, 3 ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય, 4 રડવાનો સમય અને હસવાનો સમય, શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય, 5-6 સહવાસનો સમય અને સહવાસથી દૂર રહેવાનો સમય, આલિંગન કરવાનો સમય અને આલિંગન ન કરવાનો સમય, સંગ્રહ કરવાનો સમય અને વિખેરી નાખવાનો સમય, 7 ફાડવાનો સમય અને સાંધવાનો સમય, ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય, 8 પ્રેમ કરવાનો સમય અને દ્વેષ કરવાનો સમય, યુદ્ધનો સમય અને શાંતિનો સમય. 9 માણસને પોતાની મહેનતથી શો લાભ થાય છે? ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજો આપ્યો છે. 10-11 ઈશ્વરે ઉત્પન્ન કરેલ દરેક બાબત તેના ઉચિત સમયમાં સુંદર લાગે છે. તેમણે મનુષ્યોના મનમાં ભાવિ અનંતની ઝંખના મૂકી છે, તેમ છતાં અથથી ઇતિ સુધી ઈશ્વર શું કરે છે તેનો મનુષ્યો પાર પામી શક્તા નથી. 12 હું જાણું છું કે મનુષ્ય પોતાની જિંદગીપર્યંત આનંદમાં રહે અને ભલું કરે તે કરતાં મનુષ્ય માટે બીજું કશું વધારે સારું નથી. 13 માણસ ખાય, પીએ અને પોતાની મહેનતનું ફળ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે. 14 હું જાણું છું કે માત્ર ઈશ્વરનાં જ કાર્યો ટકી રહેવાનાં છે; તેમાં ન કશું વધારી શકાય કે ન કશું ઘટાડી શકાય. માણસો તેમનો ડર રાખે તે માટે ઈશ્વર તેવું કરે છે. 15 જે છે તે પહેલાં થઈ ગયેલું છે; જે થવાનું છે તે પણ પહેલાં થઈ ગયેલું છે. ઈશ્વર પ્રત્યેક વસ્તુનું પુનરાવર્તન થવા દે છે. દુનિયામાં અન્યાય 16 મેં પૃથ્વી પર જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા અને ધાર્મિક્તાને સ્થાને અધર્મ છે. 17 મેં મારા મનમાં વિચાર્યું છે, તેથી ઈશ્વર સદાચારી અને દુરાચારી બધાંનો અદલ ન્યાય કરશે. 18 મેં મનુષ્યો વિષે મારા મનમાં વિચાર્યું છે કે ઈશ્વર તેમની ક્સોટી કરે છે, જેથી તેઓ સમજે કે તે પશુથી વિશેષ નથી. 19 મનુષ્ય અને પશુ બંનેનું ભાવિ એક જ છે. જેમ પશુ મરે છે તેમ જ માણસ મરે છે. બધામાં એક જ પ્રાણ હોય છે. મનુષ્યો પશુઓ કરતાં જરાય ચડિયાતા નથી. 20 એ બન્ને એક જ જગ્યાએ જાય છે. સર્વ માટીમાંથી જન્મે છે ને પાછાં માટીમાં મળી જાય છે. 21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે ધરતીમાં જાય છે, તેની કોને ખબર છે? 22 તેથી મને સમજાયું કે માણસ પોતાના કામમાં આનંદ અનુભવે તેથી ઉત્તમ બીજું કશું નથી. એ જ તેનો હિસ્સો છે. મૃત્યુ પછી તેનું શું થવાનું છે તે તેને કોણ કહી શકે? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide