સભાશિક્ષક 2 - પવિત્ર બાઇબલ C.L.મોજશોખની વ્યર્થતા 1 મેં મનમાં વિચાર્યું, “ચાલો, ત્યારે મોજશોખ ભોગવી લઈએ, જેથી સુખ શું છે તે શોધી શકાય.” છતાં એ પણ અનુભવે મિથ્યા જણાયું. 2 મને સમજાયું કે હાસ્યવિનોદ પણ પાગલપણું છે અને મોજશોખથી કશો લાભ થતો નથી. 3 પૃથ્વી પરનું પોતાનું અલ્પ આયુષ્ય પસાર કરવાનો મનુષ્ય માટે કયો માર્ગ ઉત્તમ છે તેની ચક્સણી કરી જોવા મારા મનને જ્ઞાનના પ્રભાવ હેઠળ રહેવા દઈ મારા તનને મદિરાપાનથી આનંદિત કરવાનો પ્રયાસ કરવાની મૂર્ખાઈ મેં કરી. 4 મેં મોટાં મોટાં કામો કર્યાં. મેં મારે માટે મહેલ બાંયા અને દ્રાક્ષવાડીઓ રોપાવી. 5 મેં મારે માટે ઉદ્યાનો અને ફળવાડીઓ બનાવી અને તેમાં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. 6 મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં. 7 મેં દાસદાસીઓ ખરીદ્યાં. વળી, મારા મહેલમાં જન્મેલા નોકરો પણ મારી પાસે હતા. યરુશાલેમમાં મારા કોઈપણ પુરોગામી કરતાં મારી પાસે ગાયબળદ તથા ઘેટાંબકરાની અધિક સંપત્તિ હતી. 8 મેં સોનુંરૂપું તથા રાજાઓ અને પ્રદેશના ખજાનાઓ એકઠા કર્યા. ગાયકગાયિકાઓ મને મનોરંજન પૂરું પાડતા અને પુરુષો જેમાં આનંદ માને છે તે એટલે ઘણી ઉપપત્નીઓ પણ મારી પાસે હતી. 9 આ રીતે યરુશાલેમના મારા બધા પુરોગામીઓ કરતાં હું વધુ પ્રતાપી અને સંપત્તિવાન બન્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું હતું. 10 મારી આંખોને જે કંઈ પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તે મેં પ્રાપ્ત કર્યું. કોઈપણ પ્રકારના આનંદપ્રમોદથી મેં મારી જાતને વંચિત રાખી નહિ. મારા પરિશ્રમનાં સર્વ કાર્યોનો એ મારો પુરસ્કાર હતો. 11 તે પછી મેં જે કાર્યો કર્યાં હતાં અને તે કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તે અંગે વિચાર કર્યો અને મને સમજાયું કે તે મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન હતું. પૃથ્વી ઉપર કશામાં મને લાભ જણાયો નહિ. 12 રાજા પોતાના પુરોગામી રાજા કરતાં વિશેષ શું કરી શકે? અગાઉ જે કરાયું હોય તે જ તે કરી શકે. તેથી મેં જ્ઞાન, પાગલપણું, અને મૂર્ખાઈ વિશે વિચાર કર્યો. 13 મેં જોયું કે જેમ પ્રકાશ અંધકારથી વધારે સારો છે તેમ જ્ઞાન મૂર્ખતાથી વિશેષ ચઢિયાતું છે. 14 જ્ઞાનીની આંખો તેના માથામાં છે. તે પોતાનો માર્ગ જોઈ શકે છે, જયારે મૂર્ખ અંધકારમાં ચાલે છે. છતાં મને માલૂમ પડયું કે એ બધાનું ભાવિ સરખું જ છે. 15 ત્યારે મેં મારા મનમાં કહ્યું, “જે દશા મૂર્ખની થાય છે તે જ મારી પણ થવાની છે. ત્યારે હું વધુ જ્ઞાની છું તેથી મને શો લાભ થયો?” મેં મારી જાતને કહ્યું, “એ પણ મિથ્યા છે.” 16 નથી કોઈ જ્ઞાનીને સંભારતું કે નથી કોઈ મૂર્ખને. ભવિષ્યમાં આપણે બધા ભુલાઈ જઈશુ. જ્ઞાની પણ મૂર્ખની જેમ જ મરે છે! 17 તેથી મને જિંદગી પ્રત્યે ધૃણા ઊપજી. કારણ, આ પૃથ્વી ઉપર જે કામો કરવામાં આવે છે તે મને દુ:ખદાયક થઈ પડયાં છે. બધું જ મિથ્યા છે, હવામાં બાચકા ભરવા સમાન છે. 18 પૃથ્વી ઉપર કરેલાં પરિશ્રમયુક્ત કાર્યો પ્રત્યે મને તિરસ્કાર ઉપજ્યો. કારણ, મારે તેનાં ફળ મારા વારસદાર માટે છોડી જવાં પડશે. 19 મારા પછી આવનાર જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં પૃથ્વી પર મારા સર્વ પરિશ્રમનું ફળ તે ભોગવશે, અને જે કંઈ મારી બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કર્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. તે પણ મિથ્યા છે. 20 તેથી પૃથ્વી પર મેં કરેલા સંપૂર્ણ પરિશ્રમ પ્રત્યે મને નિરાશા ઊપજી. 21 એક માણસ બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય વડે પરિશ્રમ કરે છે, પણ તેના ફળ માટે કશો જ પરિશ્રમ ન કરનાર બીજાને માટે તે વારસામાં છોડીને જાય છે. આ પણ મિથ્યા અને વ્યર્થ છે. 22 મન લગાડીને કરેલ તેના પરિશ્રમ માટે માણસને શો લાભ થાય છે? 23 કારણ, તેના સર્વ દિવસો દુ:ખમય તથા તેનો પરિશ્રમ સંતાપજનક છે; રાત્રે તેના મનને ચેન પડતું નથી. આ પણ મિથ્યા છે. 24 મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે પરિશ્રમ કરે એના કરતાં એને માટે બીજું કશું વધારે સારું નથી. મેં જોયું છે કે એ પણ ઈશ્વરના હાથની વાત છે. 25 કારણ, ઈશ્વરની ઇચ્છા વિના કોણ ખાઈ શકે અથવા કોણ સુખ ભોગવી શકે? 26 જે માણસ પર ઈશ્વર પ્રસન્ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide