સભાશિક્ષક 12 - પવિત્ર બાઇબલ C.L.1 તેથી તારી જુવાનીના દિવસોમાં, અને જ્યારે તું એમ કહેશે કે, મને કશામાં આનંદ આવતો નથી તેવા માઠા દિવસો આવ્યા અગાઉ તારા સર્જનહારનું સ્મરણ કર. 2 કારણ, તે પછી તો સૂર્ય અને પ્રકાશ, ચંદ્ર અને તારા અંધકારમાં જતા રહેશે અને વાદળાં વરસી વરસીને પાછાં આવશે. 3 તે દિવસે તારું રક્ષણ કરનાર તારા હાથ ધ્રૂજશે. તારા બળવાન પગ વાંકા થઈ જશે, ચાવવાના દાંતની સંખ્યા ઘટી જતાં ચવાતું બંધ જઈ જશે; 4 તારા કાન રસ્તા પરનો ઘોંઘાટ સાંભળી શકશે નહિ. ઘંટીએ દળવાનો અવાજ કે સંગીતના સૂર વચ્ચેનો તફાવત તું પારખી શકીશ નહિ; છતાં પક્ષીઓના કલરવ માત્રથી તું જાગી જશે. 5 થોડાંક ઊંચાં સ્થળોએ ચઢતાં કે રસ્તે જતાં પણ તું બીશે. બદામડીનાં ખીલી ઊઠતાં શ્વેત ફૂલોની જેમ તારે માથે પળિયાં આવશે. તું તીડની જેમ માંડમાંડ ઢસડાતો ચાલીશ અને કેરડાં ખાવાથી ય કામેચ્છા પ્રદીપ્ત થશે નહિ. માણસ એના સાર્વકાલિક નિવાસસ્થાને પ્રસ્થાન કરશે અને વિલાપ કરનારાઓ રસ્તાઓ પર ફરતા રહેશે. 6 રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી દીવો ભાંગી જશે. પાણી ખેંચવાની ગરગડી ભાંગી જશે અને ઘડો ઝરા આગળ જ ફૂટી જશે. 7 ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે. 8 સભાશિક્ષક કહે છે, મિથ્યા જ મિથ્યા, સઘળું મિથ્યા છે. સારાંશ 9 સભાશિક્ષક જ્ઞાની હતો. તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો. ઊંડો વિચાર કરી તેણે ઘણાં સુભાષિતો રચ્યાં અને તેમના સત્યની યથાર્થતાની નિષ્ઠાપૂર્વક તપાસ કરી. 10 તેણે મનોહર શબ્દો શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાં લખાણોમાં નિખાલસ સચ્ચાઈ છે. 11 જ્ઞાનીનાં વચનો પરોણાની આર જેવાં છે. એ વચનોનો સંગ્રહ મજબૂત રીતે જડેલા ખીલા સમાન છે, એ આપણા બધાના પાલક એટલે ઈશ્વર તરફથી મળેલાં છે. 12 મારા દીકરા, એક બીજી ચેતવણી સાંભળ. પુસ્તકો રચવાનો કંઈ પાર નથી. અતિ અભ્યાસથી શરીર થાકી જાય છે. 13 વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે. 14 ઈશ્વર આપણાં ભલાં કે ભૂંડાં કાર્યોનો, ભલે પછી તે ગુપ્તમાં કરાયાં હોય, તો પણ તેમનો ન્યાય કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide