સભાશિક્ષક 10 - પવિત્ર બાઇબલ C.L.1 મરેલી માખીઓ અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે, તેમ થોડી મૂર્ખાઈ જ્ઞાન અને સન્માનને દબાવી દે છે. 2 જ્ઞાનીનું મન તેને ઉચિત માર્ગે લઈ જાય છે, પરંતુ મૂર્ખનું મન તેને ભૂંડાઈ પ્રતિ દોરે છે. 3 મૂર્ખ રસ્તા પર ચાલે છે ત્યારે અન્ય રાહદારીઓ સમક્ષ પણ તેની મૂર્ખતા ઉઘાડી પડી જાય છે અને દરેક સમજી જાય છે કે તે મૂર્ખ છે. 4 જો તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તોપણ તારું સ્થાન છોડી દઈશ નહિ. કારણ, શાંતિ જાળવવાથી ગંભીર અપરાધોની પણ માફી મળી જાય છે. 5 દુનિયામાં મેં એક અનિષ્ટ જોયું છે અને તે છે અધિકારીથી થતી ભૂલ. 6 મૂર્ખને ઉચ્ચ સ્થાન પર નીમવામાં આવે છે અને ધનિકોને નીચે બેસાડવામાં આવે છે. 7 મેં ગુલામોને ઘોડા પર બેઠેલા અને સરદારોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે. 8 ખાડો ખોદનાર જ તેમાં પડે છે અને દીવાલ તોડનારને જ સાપ કરડે છે. 9 પથ્થર તોડનારને જ પથ્થર વાગે છે અને લાકડાં કાપનારને જ લાકડું વાગવાનું જોખમ હોય છે. 10 જો કુહાડી બુઠ્ઠી હોય અને તેની ધાર કાઢવામાં ન આવે તો વધુ બળ વાપરવું પડશે. બુદ્ધિ દ્વારા સફળતા પ્રાપ્ત થાય છે. 11 જો મંયા પહેલાં સાપ કરડે તો ગારુડીની વિદ્યા નકામી છે. 12 જ્ઞાનીના મુખના શબ્દો માયાળુ હોય છે, પણ મૂર્ખની જીભ તેના વિનાશનું કારણ બને છે. 13 મૂર્ખ મૂર્ખાઈથી બોલવાનો આરંભ કરે છે અને નર્યા પાગલપણામાં તેની વાતનો અંત આવે છે. 14 મૂર્ખ ઘણું બોલે છે, પણ ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ જાણતું નથી. મૃત્યુ પછી શું થશે એ તેને કોણ કહી શકે? 15 મૂર્ખની મહેનત તેને થકવી નાખે છે, અને પછી તો તેને પોતાના મુકામે પહોંચવાનો માર્ગ પણ સૂઝતો નથી. 16 જે દેશનો રાજા નાદાન યુવાન હોય અને તેના રાજપુરુષો સવારથી જ ખાણીપીણીમાં મગ્ન રહેતા હોય તે દેશ કેવી દુર્દશામાં છે! 17 જે દેશનો રાજા કુલીન વંશનો હોય, જેના રાજપુરુષો નશા માટે નહિ, પણ બળપ્રાપ્તિ માટે યોગ્ય સમયે ખાતાપીતા હોય તે દેશને ધન્ય છે! 18 આળસને કારણે છાપરું નમી પડે છે અને હાથની સુસ્તીને કારણે ઘર ચૂએ છે. 19 મિજબાની આનંદપ્રમોદ માટે હોય છે અને દ્રાક્ષાસવથી જીવને આનંદ મળે છે. પણ એ બધું પૈસાથી પ્રાપ્ત થાય છે. 20 તારા મનના વિચારમાં પણ રાજા વિશે ભૂંડું બોલીશ નહિ. તારા શયનખંડમાં પણ ધનિકનું ભૂંડું બોલીશ નહિ, કારણ, પંખી પણ તારા શબ્દો લઈ જશે અને વાયુચર પક્ષી પણ તે વાત કહી દેશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide