પુનર્નિયમ 9 - પવિત્ર બાઇબલ C.L.ભૂતકાળના અપરાધો 1 “હે ઇઝરાયલી લોકો, સાંભળો! આજે તમે યર્દન નદી પાર ઊતરવાના છો અને તમારા કરતાં સંખ્યામાં વિશાળ અને બળવાન પ્રજાઓના દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો. ત્યાંનાં નગરો ગગનચુંબી, કોટવાળાં અને મોટાં છે. 2 ત્યાંનાં લોકો ઊંચા અને કદાવર છે. તેઓ અનાક નામની રાક્ષસી જાતિના વંશજો છે. તમે તેમને વિષે જાણો છો અને તમે તેમને વિષે સાંભળ્યું છે કે ‘અનાકી લોકો સામે કોણ ટક્કર લઈ શકે?’ 3 પરંતુ આજે તમને ખબર પડશે કે તમારા ઈશ્વર પ્રભુ પોતે ભસ્મ કરી નાખનાર અગ્નિની જેમ તમારી આગળ આગળ જશે. જેમ જેમ તમે આગેકૂચ કરશો તેમ તેમ ઈશ્વર પોતાના વચન પ્રમાણે તે પ્રજાઓનો પરાજય કરશે અને તેમને નમાવશે, જેથી તમે તેમને હાંકી કાઢીને તેમનો સત્વરે વિનાશ કરશો. 4 “જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારા માર્ગમાંથી હાંકી કાઢે ત્યારે તમારા મનમાં એમ ન વિચારશો કે ‘અમારા સદાચારને લીધે પ્રભુએ અમને આ દેશનો કબજો અપાવ્યો છે.’ હકીક્તમાં તો આ પ્રજાઓની દુષ્ટતાને લીધે પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢવાના છે. 5 તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે. 6 આટલું તો સમજો કે તમારી નેકીને લીધે તમારા ઈશ્વર પ્રભુ તમને એ ફળદ્રુપ દેશનો કબજો લેવા દેતા નથી. કારણ, તમે તો હઠીલી પ્રજા છો. 7 “રણપ્રદેશમાં તમે તમારા ઈશ્વર પ્રભુને કેવી રીતે કોપાયમાન કર્યા તે યાદ રાખો અને ભૂલશો નહિ. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા તે દિવસથી આ સ્થળે આવ્યા ત્યાં સુધી તમે પ્રભુની વિરુધ સતત વિદ્રોહ કર્યા કર્યો છે. 8 હોરેબમાં પણ તમે પ્રભુને કોપાયમાન કર્યા હતા, અને પ્રભુ ત્યાં તમારા પર એટલા બધા કોપાયમાન થયા હતા કે તમારો વિનાશ કરી નાખવાના હતા. 9 જે શિલાપાટીઓ પર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર લખાયેલો હતો તે લેવા જ્યારે હું પર્વત પર ગયો, ત્યારે હું ત્યાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો હતો, અને મેં કંઈપણ ખાધું કે પીધું નહોતું. 10 પ્રભુએ મને ઈશ્વરની આંગળીથી લખાયેલી બે શિલાપાટીઓ સોંપી; તમે પર્વત પાસે એકત્ર થયા ત્યારે તે પાટીઓ પર પ્રભુએ અગ્નિ મધ્યેથી આપેલી આજ્ઞાઓ લખેલી હતી. 11 ચાલીસ દિવસ અને ચાલીસ રાત વીત્યા પછી પ્રભુએ મને એ બે શિલાપાટીઓ એટલે કરારની પાટીઓ આપી હતી. 12 પછી પ્રભુએ મને કહ્યું, ‘આ પર્વત પરથી ઊતરીને જલદી જા. કારણ, તારા જે લોકોને તું ઇજિપ્તમાંથી દોરી લાવ્યો છે તેઓ વંઠી ગયા છે. મેં તેમને જે માર્ગ અનુસરવાની આજ્ઞા આપી હતી તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે, અરે, તેમણે તો પોતાને માટે મૂર્તિ બનાવી છે!’ 13 “પ્રભુએ મને એમ પણ કહ્યું, ‘આ પ્રજા કેવી હઠીલી છે તે હું બરાબર જાણું છું. 14 તું મને વારીશ નહિ, મને તેમનો નાશ કરી નાખવા દે અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવા દે; અને તારામાંથી હું તેમના કરતાંય વિશાળ અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.’ 15 “તેથી બે હાથમાં કરારની બે પાટીઓ લઈને હું પર્વત પરથી પાછો નીચે ઊતરવા લાગ્યો, તે સમયે પર્વત અગ્નિની જ્વાળાઓથી ભભૂક્તો હતો. 16 પછી મેં જોયું તો તમે પોતાને માટે વાછરડાની મૂર્તિ બનાવીને પ્રભુની વિરુધ પાપ કર્યું હતું. 17 તેથી મારા બે હાથમાંની પાટીઓ ઊંચકીને મેં તમારા દેખતાં તેમને પછાડીને ભાંગી નાખી. 18 પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ મૂર્તિ બનાવવાનું મોટું પાપ કરવાને લીધે તે તમારા પર કોપાયમાન થયા હતા; તેથી હું પ્રભુ આગળ ઝૂકી પડયો અને ફરીથી તેમના સાંનિધ્યમાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત નતમસ્તકે પડી રહ્યો; મેં ન તો કંઈ ખોરાક ખાધો કે ન તો કંઈ પાણી પીધું. 19 પ્રભુ તમારા પર એવા તો કોપાયમાન અને નારાજ થયા હતા કે તે તમારો સંહાર કરી નાખશે એવો મને ડર હતો. તે વખતે પણ તેમણે મારી વિનંતી માન્ય રાખી. 20 પ્રભુને આરોન પર પણ એટલો બધો ક્રોધ વ્યાપ્યો હતો કે તેમણે તેનો નાશ કરી નાખ્યો હોત, એટલે મેં તે સમયે આરોન માટે પણ પ્રાર્થના કરી હતી. 21 તમે જે પેલી પાપકારક વસ્તુ, એટલે વાછરડાની મૂર્તિ બનાવી હતી તેને મેં આગમાં નાખી અને પછી તેનો કુટીને ધૂળ જેવો બારીક ભૂકો કર્યો અને તે ભૂકો પર્વતમાંથી નીકળીને તળેટી તરફ વહેતા એક ઝરણામાં નાખ્યો. 22 “તમે તાબએરા, માસ્સા અને કિબ્રોથ-હાત્તાવા આગળ પણ પ્રભુને કોપાયમાન કર્યા હતા. 23 અને જ્યારે પ્રભુએ તમને કાદેશ-બાર્નિયાથી એવી આજ્ઞા આપીને મોકલ્યા કે, ‘ચડાઈ કરો અને જે દેશ હું તમને વતન તરીકે આપું છું તેનો કબજો લો.’ ત્યારે પણ તમે પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો. તમે તેમના પર વિશ્વાસ કર્યો નહિ, તેમજ તેમની વાણી સાંભળી નહિ. 24 જ્યારથી હું તમને ઓળખતો થયો ત્યારથી તમે પ્રભુ સામે બંડખોર જણાયા છો. 25 “તેથી પ્રભુ તમારો નાશ કરવાના હતા ત્યારે અગાઉની જેમ હું ચાલીસ દિવસ અને ચાલીસ રાત પ્રભુના સાંનિધ્યમાં ભૂમિ પર નતમસ્તકે પડી રહ્યો.” 26 અને મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, તમારા લોક, જે તમારો વારસો છે અને જેમને તમે તમારા મહાન સામર્થ્યથી ઉગાર્યા અને તમારા પ્રચંડ બાહુબળ વડે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા તેમનો નાશ ન કરો. 27 તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને સંભારો, અને આ પ્રજાની હઠીલાઈ, તેમની દુષ્ટતા કે તેમનાં પાપ તરફ ન જુઓ. 28 કદાચ, ઇજિપ્ત દેશના લોકો એમ કહે કે, તમે તમારા લોકને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેમને લઇ જઇ શક્યા નહિ. તેઓ એવું પણ કહેશે કે તમને તમારા લોક પ્રત્યે તિરસ્કાર હોવાથી તમે તેમનો સંહાર કરવા તેમને રણપ્રદેશમાં લઈ ગયા. 29 છતાં આ તો તમારા પોતાના લોક તથા તમારો વારસો છે કે જેમને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારો હાથ લંબાવીને મુક્ત કર્યા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide