Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 8 - પવિત્ર બાઇબલ C.L.


રણપ્રદેશમાં હાડમારી અને વચનના દેશની સમૃધિ

1 “હું તમને આજે ફરમાવું છું તે બધી આજ્ઞાઓનું તમે કાળજીપૂર્વક પાલન કરો કે જેથી તમે જીવતા રહો અને વૃધિ પામો અને જે દેશ તમને આપવા વિષે તમારા પૂર્વજો સમક્ષ પ્રભુએ શપથ લીધા હતા તેમાં પ્રવેશ કરીને તેનો કબજો લો.

2 તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.

3 તેમણે તમને ભૂખ્યા થવા દઈને લાચાર કર્યા, પણ પછી તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા એવા માન્‍નાથી તમારું પોષણ કર્યું. જેથી તે તમને શીખવે કે માણસ માત્ર ખોરાકથી નહિ,પરંતુ પ્રભુના મુખે ઉચ્ચારેલી વાણી દ્વારા જીવે છે.

4 આ ચાલીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્ત્રો ઘસાઈ ગયાં નહિ, તેમજ તમારા પગ પણ સૂજી ગયા નહિ.

5 તેથી ધ્યાનમાં લો કે જેમ પિતા પોતાના પુત્રને શિસ્તમાં રાખે છે તે પ્રમાણે તમારા ઈશ્વર પ્રભુ તમને શિસ્તમાં રાખે છે.

6 તે માટે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓનું પાલન કરો, તેમના નિયમો પ્રમાણે વર્તો અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવો.

7 “તમારા ઈશ્વર પ્રભુ તમને જે ઉત્તમ દેશમાં લઈ જાય છે તે આવો છે: ત્યાં નદીનાળાં તથા ખીણો અને પહાડોમાં ફૂટી નીકળતા ભૂગર્ભ ઝરાઓ છે.

8 ત્યાં ઘઉં અને જવ પાકે છે, ત્યાં દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે, ત્યાં ઓલિવ તેલ અને મધ ઉપજે છે.

9 ત્યાં તમે કોઈ જાતની ક્સર વિના ખોરાક ખાશો અને ત્યાં કશાની અછત વર્તાશે નહિ. ત્યાંના ખડકોમાં લોઢું છે અને ત્યાંના ડુંગરો ખોદતાં તાંબુ મળી રહે છે.

10 જ્યારે તમે એ વાનાંનો ઉપભોગ કરીને સંતુષ્ઠ થાઓ ત્યારે એવો એ ઉત્તમ દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સોંપવાના છે તેને માટે તમે તેમની સ્તુતિ કરજો.


ઈશ્વરને ભૂલી જવા વિષે ચેતવણી

11 “સાવધ રહેજો કે, હું તમને આજે જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો ફરમાવું છું તેમનું પાલન નહિ કરતાં તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ.

12 જ્યારે તમે આહારથી સંતુષ્ટ થાઓ, અને સારાં સારાં ઘર બાંધીને તેમાં રહેતા હો,

13 અને તમારાં ઢોર તથા ઘેટાંબકરાંનો વિસ્તાર વધી જાય, અને તમારું સોનુંચાંદી પુષ્કળ વધી જાય અને તમારી સંપત્તિ અઢળક થાય,

14 ત્યારે તમારું મન ગર્વિષ્ઠ ન થઈ જાય અને તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ તે માટે સાવધ રહેજો. કારણ, એમણે જ તમને ઇજિપ્ત દેશની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા છે.

15 તેમણે તમને ઝેરી નાગ અને વીંછીવાળા, સૂકા અને જલવિહીન તથા વિશાળ અને ભયાનક રણમાં થઈને દોર્યા છે; અને તમારે માટે કાળમીંઢ ખડકમાંથી પાણી વહેવડાવ્યું છે;

16 તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે.

17 જો જો મનમાં એમ ન ધારતા કે, ‘મારી પોતાની શક્તિથી અને મારે હાથે જ આ સર્વ સંપત્તિ પ્રાપ્ત કરી છે.’

18 પણ તમારા ઈશ્વર પ્રભુને યાદ રાખજો, કારણ કે તે જ તમને સંપત્તિ પ્રાપ્ત કરવાની શક્તિ આપે છે, અને તેમણે તમારા પૂર્વજો સમક્ષ સોગંદપૂર્વક કરેલા કરાર જેમ તે આજ સુધી પાળતા આવ્યા છે તેમ પાળશે.

19 “જો તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી જઈને અન્ય દેવોને અનુસરશો, તેમની ભક્તિ કરશો અને તેમને નમશો તો હું તમને ગંભીર ચેતવણી આપું છું કે તમે વિનાશ પામશો.

20 જેમ તમારી આગળથી પ્રભુ બીજી પ્રજાઓનો વિનાશ કરવાના છે તેમ, તમારા ઈશ્વર પ્રભુની વાણી સાંભળવાનો ઈનકાર કર્યાને લીધે તે તમારો પણ વિનાશ કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan