Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 7 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુના વિશિષ્ઠ લોક
( નિર્ગ. 34:11-16 )

1 “જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને લાવે ત્યારે તે ઘણી પ્રજાઓને ત્યાંથી હાંકી કાઢશે. તમે આગળ વધશો તેમ તેમ તે તમારા કરતાં વિશાળ અને બળવાન એવી સાત પ્રજાઓ, એટલે કે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢશે.

2 જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારે સ્વાધીન કરી દે અને તમે તેમનો પરાજય કરો ત્યારે તમારે તેમનો સંપૂર્ણ સંહાર કરવો. તમે તેમની સાથે સુલેહનો કરાર કરશો નહિ કે તેમના પ્રત્યે દયા દાખવશો નહિ.

3 તમારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ; તમારી પુત્રીઓ તેમના પુત્રો સાથે પરણાવશો નહિ કે તેમની પુત્રીઓ તમારા પુત્રો સાથે પરણાવશો નહિ.

4 કારણ, તેઓ તમારા પુત્રોને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, અને તેઓ અન્ય દેવદેવીઓની ભક્તિ કરવા લાગશે. એમ થશે તો પ્રભુ તમારા પર ક્રોધાયમાન થશે અને તમારો સત્વરે વિનાશ કરશે.

5 માટે તમારે તેમની સાથે આ પ્રમાણે વ્યવહાર કરવો: તમારે તેમની વેદીઓ તોડી પાડવી, તેમના પવિત્ર શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખવા, તેમની દેવી અશેરાના પ્રતીકરૂપ કાષ્ટસ્તંભોને ચીરી નાખવા અને તેમની મૂર્તિઓને આગમાં બાળી નાખવી.

6 “કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુના સમર્પિત લોક છો અને તમારા ઈશ્વર પ્રભુએ પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની વિશિષ્ઠ પ્રજા થવા તમને પસંદ કર્યા છે.

7 તમે બીજી બધી પ્રજાઓ કરતાં સંખ્યામાં વિશેષ હતા તે માટે પ્રભુએ તમારા પર પ્રેમ દાખવ્યો નહોતો કે તમને પસંદ કર્યા નહોતા. હકીક્તમાં, તમે તો સંખ્યામાં નાનામાં નાની પ્રજા હતા.

8 પરંતુ પ્રભુ તમને ચાહે છે અને તમારા પૂર્વજો સાથે લીધેલા શપથ પાળવા ઈચ્છે છે તેથી જ પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી તમને ઇજિપ્ત દેશના રાજાના સકંજામાંથી એટલે ગુલામીના બંધનમાંથી તમને છોડાવ્યા હતા.

9 યાદ રાખો કે તમારા ઈશ્વર યાહવે એકમાત્ર ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે. તેમના પર પ્રેમ કરનારાઓ અને તેમની આજ્ઞાઓનું પાલન કરનારાઓના સંબંધમાં તેમની હજારો પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને અવિચળ પ્રેમ દર્શાવે છે.

10 પરંતુ તેમનો તિરસ્કાર કરનારાઓ પાસેથી સામી છાતીએ બદલો લઈને તેમનો વિના વિલંબે નાશ કરે છે.

11 તેથી જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો હું તમને આજે ફરમાવું છું તેમનું પાલન કરો.


આજ્ઞાપાલનના આશીર્વાદો
( પુન. 28:1-14 )

12 “આ આદેશો લક્ષમાં લઈને તમે તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી સાથેના કરારનું પાલન કરશે અને તમારા પ્રત્યે અવિચળ પ્રેમ દર્શાવશે.

13 તે તમારા પર પ્રેમ રાખશે, ને તમને આશીર્વાદ આપશે અને તમારી વંશવૃધિ કરશે અને તમારી સંતતિ વધારશે. તે તમારાં ખેતરો પર આશિષ આપશે; તેથી તમારી પાસે વિપુલ ધાન્ય, દ્રાક્ષાસવ તથા ઓલિવ તેલ હશે. વળી, તે તમને આશિષ આપશે; તેથી તમારી પાસે ઘણાં ઢોર અને ઘેટાંબકરાં થશે. તમને જે દેશ આપવાના તમારા પૂર્વજો સાથે શપથ લીધા હતા તેમાં ઈશ્વર તમને આ બધી આશિષો આપશે.

14 અન્ય સર્વ પ્રજાઓ કરતાં તમે વિશેષ આશીર્વાદિત થશો. તમારી મધ્યે કોઈ સ્ત્રીપુરુષ અને તમારાં ઢોર મધ્યે કોઈ નરમાદા નિ:સંતાન રહેશે નહિ.

15 પ્રભુ તમારી મધ્યેથી સર્વ રોગો દૂર કરશે; અને ઇજિપ્ત દેશમાં જે ભયાનક રોગો વિષે તમે જાણ્યું તેમાંનો કોઈ રોગ તે તમારા પર લાવશે નહિ; પણ તે તમારા શત્રુઓ પર તે લાવશે.

16 જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.

17 “તમારા મનમાં એમ ન ધારશો કે આ પ્રજાઓ અમારા કરતાં સંખ્યામાં વિશાળ છે અને અમે તેમને હાંકી કાઢી શકીશું નહિ.

18 તમે તેમનાથી ડરી જશો નહિ; તમારા ઈશ્વર પ્રભુએ ઇજિપ્તના રાજા ફેરોની તથા તેના લોકોની શી દશા કરી તે યાદ રાખો.

19 તેમણે તેમના પર ઉતારેલી ભયાનક આફતો જે તમે તમારી નજરોનજર જોઈ હતી તે યાદ રાખવી; અને ચમત્કારો, અજાયબ કાર્યો અને પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પોતાના પ્રચંડ બાહુબળથી તમને મુક્ત કર્યા તે પણ યાદ રાખો. જે બધી પ્રજાઓથી તમે ડરો છો તેમનો તે જ પ્રમાણે ઈશ્વર નાશ કરશે.

20 તમારા ઈશ્વર પ્રભુ ભમરી મોકલીને જેઓ તમારાથી સંતાઈને બચી ગયા હશે તેમનો પણ વિનાશ કરશે.

21 માટે આ શત્રુ પ્રજાઓથી ભય પામશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે; તે મહાન અને ભયાવહ ઈશ્વર છે.

22 “તમે આગળ વધશો તેમ તેમ તમારા ઈશ્વર પ્રભુ આ પ્રજાઓને રફતે રફતે હાંકી કાઢશે. તમે તેમનો એક સામટો સંહાર કરી શકશો નહિ. કારણ, જો એમ થાય તો જંગલી પશુઓ વધી જઈને તમારે માટે જોખમકારક બની રહે.

23 તમારા ઈશ્વર પ્રભુ તમારા શત્રુઓને તમારા હવાલે કરશે અને તેમનો વિનાશ થઈ જાય ત્યાં સુધી તેમનામાં આતંક ફેલાવશે.

24 ઈશ્વર તેમના રાજવીઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેમનું નામનિશાન ભૂંસી નાખશો, તમારી સામે કોઈ ટકી શકશે નહિ અને તમે તે સૌનો વિનાશ કરશો.

25 “તેમનાં દેવદેવીઓની મૂર્તિઓને તમારે આગમાં બાળી નાખવી. તમે તે મૂર્તિઓ ઉપરના સોનાચાંદીથી લોભાશો નહિ અને તેમને રાખી લેતા નહિ, નહિ તો તમે મૂર્તિપૂજામાં ફસાઈ જશો.

26 તમારા ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં તો એ અત્યંત ઘૃણાસ્પદ છે. એ ઘૃણાસ્પદ મૂર્તિઓને તમારા ઘરમાં લાવશો નહિ, નહિ તો તેમના પર જે વિનાશનો શાપ છે તે તમારા પર આવી પડશે. તમારે એ મૂર્તિઓનો સદંતર તિરસ્કાર કરવો અને અત્યંત ઘૃણા કરવી; કારણ, તેઓ પ્રભુના શાપને લીધે વિનાશપાત્ર છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan